Homeસ્પેશિયલ ફિચર્સઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? પહેલાં આટલું જાણી લો...

ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? પહેલાં આટલું જાણી લો…

શું ભારતમાં ઈલેક્ટ્રિક કાર ખરીદવાનો સમય આવી ગયો છે અને આ એક એવો સવાલ દેશના દરેક નાગરિકને સતાવી રહ્યો છે. કેટલાક લોકો આ નવી કાર ખરીદનાર લોકોને એવી સલાહ આપે છે કે આવનાર સમય ઈલેક્ટ્રિક કારનો છે તો એમાં જ ઈન્વેસ્ટ કરવાનું વધારે હિતાવહ છે તો વળી કેટલાક લોકો એવી સલાહ આપે છે કે આપણો દેશ હજી ઈલેક્ટ્રિક કાર માટે સજ્જ નથી અને આ કાર અત્યારે ખરીદવાથી કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો આવો જોઈએ શું છે આ મુશ્કેલીઓ…


પૈસે કા મામલા હૈ ભાઈસા’બ!
સૌથી મહત્ત્વનો મુદ્દો છે ઈલેક્ટ્રિક વ્હિકલ (ઈવી)ની કિંમત… પેટ્રોલ-ડીઝલ પર ચાલતી ગાડીઓની સરખામણીએ આ વાહનો થોડા વધુ મોંઘા જ હોય છે. સરકાર ભલે આવા વાહન પર અલગ અલગ પ્રકારની રાહત આપે, પણ તેમ છતાં હકીકત તો એ છે કે ઈંધણ પર ચાલતા વાહનોની સરખામણીએ ઈલેક્ટ્રિક કારની કિંમત વધુ હોય છે.
બેટરી લાઈફ કા કિયા જાયે?
પૈસા પછી મુદ્દો આવે છે વાહનની બેટરી લાઈફનો. આ પ્રકારના વાહનોમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બેટરીની લાઈફ છથી સાત વર્ષની જ હોય છે. ત્યાર બાદ બેટરી બદલવી પડે છે. હવે આ બેટરીની કિંમત ગાડીની કુલ કિંમતના ત્રણ ચતુર્થાંશ રકમ જેટલી હોય છે. એટલે એ ઈલેક્ટ્રિક કાર ખરીદનારાઓના મનમાં આ એક મુદ્દે પણ શંકા જોવા મળે છે.
કહાં હૈ ચાર્જિંગ સ્ટેશન?
આપણા દેશમાં ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ માટે ચાર્જિંગ સ્ટેશનની સખત અછત જોવા મળે છે. જે રીતે આપણને ડગલેને પગલે પેટ્રોલ પંપ દેખાય છે એની સરખામણીએ ચાર્જિંગ પોઈન્ટ ખૂબ જ ઓછા જોવા મળે છે. સરકારી આંકડાઓ પર વિશ્ર્વાસ કરીએ તો અત્યારે ભારતમાં ૧૭૪૦ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ચાલે છે અને એક ઈવીને ચાર્જ કરવા માટે એક કલાકથી પાંચ કલાક સુધીનો સમય લાગે છે.
એવરેજ કી હૈ સમસ્યા
લૉન્ગ ડ્રાઈવ કરનાર ડ્રાઈવર ઈવીની ઓછી એવરેજથી પરેશાન જોવા મળે છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિએન્સીના મતે ટુવ્હીલરની રેન્જ ૮૪ કિલોમીટર, તો ફોરવ્હીલરની એવરેજ ૧૫૦થી ૨૦૦ કિલોમીટર પ્રતિચાર્જ હોય છે. જોકે, આ સમસ્યાને ઉકેલ માટે સરકાર દ્વારા શક્ય હોય એટલા વધુને વધુ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનું આશ્ર્વાસન આપવામાં આવ્યું છે.
મેરા ચાર્જિંગ પોર્ટ ઈસ કે ચાર્જિંગ પોર્ટ સે અલગ કૈસે?
ઈલેક્ટ્રિક ગાડીઓમાં દરેક કંપનીપોતાના અલગ અલગ ચાર્જિંગ પોર્ટ આપે છે. જેને કારણે ઈલેક્ટ્રોનિક કાર માટે યુનિવર્સલ ચાર્જિંગ સિસ્ટમ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. ભારતના ઈવી માર્કેટમાં હજી પણ ચાર્જિંગ પોર્ટ માટે કોઈ એક ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી અને તેમાં ખાસ કરીને આ સમસ્યા ટુવ્હીલર્સમાં જોવા મળે છે.
બઢતે તાપમાન કા કરે તો ક્યા કરે?
ગાડીના પર્ફોર્મન્સમાં તાપમાનનો મહત્ત્વનો ફાળો છે અને તેમાં પણ વાત જ્યારે ઈવીની હોય ત્યારે તો તાપમાન ખાસ મહત્ત્વનું બની જાય છે. સામાન્યપણે જો તમારે કોઈ ઈવીનું બેસ્ટ પર્ફોર્મન્સ જોઈતું હોય તે એને માટે ઉષ્ણતામાન ૧૫થી ૪૦ ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ, પણ ભારતમાં પર્વતીય વિસ્તારમાં તાપમાન ખૂબ જ નીચું જતું રહે છે તો જ્યારે વાત પશ્ર્ચિમી વિસ્તારની આવે તો ત્યાં ઉષ્ણતામાન ઉપર હોય છે. આવી પરિસ્થિતિમાં આખા દેશ માટે એક જ પ્રકારની ઈવી ડિઝાઈન કરીને કામ નહીં ચાલે બૉસ!
આખિર ઈસ સમસ્યા કા સમાધાન ક્યા હૈ?
વધતું જતું પ્રદૂષણ અને પેટ્રોલના ભાવ જે સ્પીડમાં વધી રહ્યા છે એ જોતા એક વાત તો ચોક્કસ છે કે આવનાર સમય ચોક્કસ જ ઈવીનો જ છે. સરકાર અત્યારે ઈલેક્ટ્રિક વ્હીકલ માટે સબ્સિડી આપી જ રહી છે, પણ એની સાથે સાથે તેણે શક્ય હોય એટલા વધુ ચાર્જિંગ સ્ટેશન અને ત્યાં અમુક કલાકો માટે ગાડી મૂકી શકાય એ માટેની વ્યવસ્થા કરવી પડશે. આ સિવાય બેટરી સ્વૅપ કરવી એ પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જેમાં ખાલી બેટરીને એટલા જ વૉલ્ટવાળી ફૂલી ચાર્જ્ડ બેટરી સાથે તરત જ બદલી શકાય…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular