તમને નવું કામ શરૂ કરતાં પહેલાં ડર લાગે છે? સાહસિક શરૂઆત માટેનો બેસ્ટ મંત્ર છે

ઇન્ટરવલ

ડર કે આગે જીત હૈ! ગરુડ પોતાનાં બચ્ચાંઓને ઊડતાં કરવા માટે તેમનો માળો વિખેરી નાખે છે!

આનન-ફાનન-પાર્થ દવે

એવું થયું છે કે તમે નાસીપાસ થયા હો ત્યારે પ્રોત્સાહન માટે સામેથી કોઈને મળવા જાઓ. તમે એમને માનો છો, એ તમારા આદર્શ છે. તમે એમને સાંભળો છો. સાંભળતી વખતે સારું લાગે છે. પાછા ઘરે આવો છો અને તમારા પર ફરી નબળા વિચારો હાવી થઈ જાય છે. તમે એ જ સ્થિતિમાં આવી જાઓ છો જ્યાં તમે હતા.
તમને રાતના નીંદર નથી આવતી. કંટાળો આવે છે. ફરી ફરી એ જ નાહકના, નેગેટિવ વિચાર આવે છે. તમે યુટ્યુબ ઑપન કરી, મોટિવેશનલ વીડિયોઝ જોવાનું શરૂ કરો છો. તમને થોડા સમય માટે સારું લાગે છે. સવારે ઊઠ્યા બાદ ફરી તમારી મન:સ્થિતિ એ જ હોય છે જે ગઈ કાલે રાતના હતી. તમે કોઈ પ્રવચન કે ફિલ્મ કે પુસ્તકમાંથી પ્રેરણા લેવાની ટ્રાય કરો છો, પણ તે અલ્પજીવી નીવડે છે. તમે કોઈ વ્યક્તિની સફળતા જોઈને તેના જેવા થવાના, તેના જેવું કરવાના પ્રયત્નો કરવાનું વિચારો છો, પણ અંતે વિચાર કરી કરીને બેસી જાઓ છો.
આ ‘ન થવા’નું કારણ ખબર છે શું છે? નિષ્ફળતાનો ડર. અને તેના કારણે આવતી આત્મવિશ્ર્વાસમાં ઘટ. હું નાકામ જઈશ તો? હું જે કરવા માગું છું તે વિશે મગજમાં સેંકડો વખત વિચાર્યું છે, પણ ખરેખર તે અમલમાં મૂકીશ અને તે કામ પાર નહીં પડે તો? આવા વિચારો અર્ધજાગ્રત મનમાં ક્યાંક ગોઠવાયેલા પડ્યા હોય છે. સમય જતાં, ક્રમશ: આત્મવિશ્ર્વાસ ઘટવા લાગે છે.
નદી પાસે ધારે ધારે ચાલતા હોઈએ તો પાણીમાં પડવાનો ડર લાગે. ઊંચાઈએ ચાલતા હોઈએ તો ઉપરથી પડવાનો ડર લાગે, પણ તમને તરતાં આવડતું હોય અથવા તમારી પાસે લાઇફ જેકેટ હોય તો? તમારી પાસે પેરેશૂટ હોય તો?
એક વાર્તા યાદ આવે છે. મોટા અને ઊંચા વૃક્ષ પર ગરુડે પોતાનો માળો બનાવ્યો હતો. તેમાં તેણે ઈંડાં આપ્યાં. એક દિવસ તેમાં બચ્ચાં આવ્યાં. તે ગરુડનાં બચ્ચાં માળાની ધારે બેસીને નીચે તરફ જોતાં અને ડરતાં. ડરના કારણે ધ્રૂજવા લાગતાં. આટલા ઉપરથી નીચે પડીશું તો મરી જઈશું – આ વિચારે તેઓ માળામાં જ રહેતાં.
ગરુડનાં બચ્ચાંઓએ તેનાં મા-બાપને આકાશમાં સહજ રીતે ઊડતાં જોયાં છે, પણ તેમને પોતાના પર વિશ્ર્વાસ નથી કે તેઓ પણ ઊડી શકે છે. તેમની પાસે પાંખો છે. ઊડવાનું તો તેમના લોહીમાં છે. તેમને ખબર જ નથી કે તેઓ ઊડી શકે છે!
તે બચ્ચાંઓના ગરુડ-પેરેન્ટ્સ એક ઉપાય અજમાવે છે. તેઓ બાળકોને સમજાવી, મનાવીને થાક્યા હતા. એટલે હવે તેમને રાજી કરીને ઊડવા માટે તૈયાર કરવા અશક્ય હતાં. એટલે તેમણે સમજાવી, બહેલાવી, પ્રવચન આપી, યુટ્યુબના વીડિયોઝ બતાવી, કોઈ મોટી વ્યક્તિને મળાવી, મોટિવેશન આપતી ફિલ્મો બતાવી કે પુસ્તકો વંચાવી ઉડાડવાનું કેન્સલ કર્યું. તેમને ખબર હતી કે આ બધું જ કરવા છતાં તે પાછાં તેમના માળામાં ચાલ્યાં જશે. તેમની સામે તમે ગમે તેટલા ઊડો, તેમને જણાવો કે ઊડવામાં મજા છે, આનંદ છે, પણ તેઓ નહીં માને. ગરુડનાં બચ્ચાં આ સાહસ નથી કરી શકતાં, કેમ કે તેમને ડર લાગે છે. નિષ્ફળતાનો ડર. નીચે પડીને મરવાનો ડર. તેઓ વધુમાં વધુ તેમના
માળાના કિનારે આવશે. પોતાના પંજા મજબૂત કરીને નીચે જોશે, પણ છલાંગ નહીં લગાવે.
ગરુડ શું કરે છે? જે એક એક તાંતણાથી માળો તૈયાર થયો હતો તે તાંતણાને પાછા લેવા માંડે છે. માળો આટોપવા માંડે છે! ધીમે ધીમે માળો વિખેરાય છે. જેમ જેમ માળો તૂટવા માંડે છે તેમ તેમ ગરુડનાં બચ્ચાંઓ અંદરની તરફ સરકે છે. આખરે, જેના પર બચ્ચાંના પંજા ચોંટી ગયા હતા તેના સહિત આખો માળો તૂટી જાય છે. ગરુડનાં બચ્ચાંઓની ઉપર અને નીચે કશું જ નથી રહેતું. બચ્ચાંઓ નીચે પડવા લાગે છે. જે મૃત્યુનો ડર તેમને ઊડવા નહોતો દેતો તે મૃત્યુના ડરના કારણે તેમની પાંખો ફેલાય છે અને આકાશમાં પહેલું ચક્કર મારે છે!
બે દિવસમાં તે ગરુડનાં બચ્ચાંઓ ‘પ્રો’ થઈ જાય છે ઊડવામાં! તેમને ખ્યાલ આવી જાય છે કે અમે નાહકનાં ડરતાં હતાં. આ તો અમે કરી શકીએ એમ હતાં જ. બસ, ખાલી શરૂઆતની જરૂર હતી.
કોઈ પણ કામમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ તેનું પહેલું સ્ટેપ છે. પ્લાનિંગ કરવાની મજા બહુ પડે. તે જરૂરી છે જ, પણ તેનાથી વધુ જરૂરી છે તે પ્લાનિંગ મુજબ પહેલું પગલું માંડવું. આયોજન વર્ષો કે મહિનાઓનું હશે, પણ શરૂઆત આજથી થશે તો કાલે થોડું ઉમેરાશે. માત્ર વિચારવાથી એક જ વસ્તુ થાય છે, વિચારાય છે! અંધારામાં દૂરનું નહીં દેખાય. ભલે દૂર જવાનું હોય, દૂરનું જોવાનું ન હોય. મોબાઇલની લાઇટ જેટલામાં પડે તેટલું જોઈ જોઈને ત્યાં પહોંચી જવાય!
આપણને બોલ-બચ્ચન કરતાં વધારે જરૂર હોય છે કોઈ એવી વ્યક્તિની, એવા રાહબરની, જે (પોઝિટિવ અર્થમાં) માળો વિખેરે! જે આપણને ધક્કો મારે. મને પત્રકાર-મિત્ર તુષાર દવેએ પહેલી વખત ઓમ પુરીના ઇન્ટરવ્યુ માટે ધક્કો ન માર્યો હોત તો હું આજે એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ ન બન્યો હોત.
આપણે કશું જ નહીં કરીએ તો પણ (મૃત્યુનો) ડર રહેશે. કદાચ સેલ્ફ કોન્ફિડન્સ ઘટવાના કારણે વધારે રહેશે. માટે કોઈ ધક્કો મારે તો તેનો આભાર માનવો. ગરુડનાં બચ્ચાંઓને માળો વિખેરાતા સમયે તેમનાં મા-બાપ નિષ્ઠુર લાગ્યાં હશે. તેમને થતું હશે કે કેમ અમને નથી ગમતું એવું તેઓ કરી રહ્યાં છે! અને ઘણી વખત આપણા દુશ્મનો, દ્વેષપીડિત લોકો પણ આપણને ધક્કો મારતા હોય છે આગળ વધવા માટે. એટલે આપણી પ્રગતિમાં જાણેઅજાણે તેમનો પણ મોટો ફાળો હોય છે!
સો, લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ નાવ. બીજાના સહારે જીવવાની આદત પડી જાય એ પહેલાં શરૂઆત કરી દો. કોઈ ધક્કો મારનાર ન મળે તો પોતે જ કૂદી પડો! પાંખો આપણી પાસે છે અને ખુલ્લું આકાશ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.