Homeવાદ પ્રતિવાદશું તમે અકલમંદ છો? બુદ્ધિશાળીની સાચી વ્યાખ્યાને દીને ઈસ્લામની પરિભાષામાં જાણો

શું તમે અકલમંદ છો? બુદ્ધિશાળીની સાચી વ્યાખ્યાને દીને ઈસ્લામની પરિભાષામાં જાણો

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

જગતકર્તા અલ્લાહતઆલાએ સૌથી પહેલા અકલને ખલ્ક (કાયમ) કરી. માનવજાતને ખુદા તરફથી આ મહાન બક્ષીસ મળી છે. તેનો સહી ઉપયોગ કરવામાં ન આવે તો ઈન્સાન દુ:ખી થઈ જાય છે. તેના જીવનમાંથી ખરો આનંદ લૂંટાઈ જાય છે. બલ્કે ઈન્સાનના જીવનમાંથી અકલને બાદ કરો તો ઈન્સાન મટીને માત્ર પ્રાણી રહે છે. સાધારણ રીતે પોતાના ક્ષેત્રમાં કોઈ ઈન્સાન સફળતા મેળવે એટલે લોકો તેને અકલમંદ-બુદ્ધિશાળી કહે છે, પરંતુ આ સાચું નથી. ઊંચી પદવી, દોલત, સત્તા, નામના વગેરે સફળતાના શિખર સર કરીને ઈન્સાન ગમે તેટલો ઊંચો થાય, પરંતુ તે વ્યથા અને ટેન્શનમાં જીવતો હોય તો તેને બુદ્ધિશાળી કહેવો એ ગલત છે. અલ્લાહતઆલાએ ઈન્સાનને સુખી જીવન જીવવા માટે, સંતોષી જીવન ગુજારવા માટેના માર્ગો તેના પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ મારફત ઉમ્મત (પ્રજા, અનુયાયીઓ)ને બતાવી દીધા છે. આમ છતાં તેના પર અમલ ન કરીએ તો જિંદગી અશાંતિમાં ગાળવી પડે તે સ્વાભાવિક છે.
માનસિક રીતે સુખી, આનંદી અને શાંતિમય જીવન વિતાવવા માટે ઈસ્લામે કેટલીક હિદાયતો અર્થાત્ માર્ગદર્શન, શિખામણો મોમીન બંદાઓને આપી છે:
* દુ:ખ અને અશાંતિ માત્ર ખોટી રીતે વિચારવાથી જ અનુભવાય છે.
* જે સ્થિતિમાં અલ્લાહ રાખે તેને હસતા મોંએ કબૂલ રાખો.
* ઉડાવ નહીં પણ ઉદાર બનો.
* લોભી ઈન્સાન હંમેશાં દુ:ખી રહે છે.
* સુખ માલ, દૌલત, સત્તા અને શોહરત (નામના)માં નથી, પરંતુ શીફા (તંદુરસ્તી) અને અકલમંદીના વિચારો અને તેના અમલમાં છે.
* એક હાથે આપો અને બીજા હાથે લ્યોનો ઉસૂલ (સિદ્ધાંત) શાંતિ અપાવે છે.
* તમારું કામ માત્ર પ્રયત્ન કરવાનું છે. ફળ અને પરિણામ રબની ઈચ્છા પ્રમાણે મળે છે, જ્યારે પરિણામ તમારી મરજી મુજબ મળવાનું ન હોય અને છતાં ચિંતા કરો તો તમે અકલમંદ નથી જ.
* ખરા મુસ્લિમની ઓળખ એ કે જે પરહેઝગાર (સંયમી; સદાચારી) છે. સાચી દિશામાં મહેનત કરે છે. અલ્લાહ દોલત આપે તો પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે ખર્ચ કરે છે; શરીઅત (ઈસ્લામી નિયમ) પ્રમાણે દાન કરે છે અને અકલનો સહી ઉપયોગ કરીને આનંદમય જીવન ગાળે છે.
– વ્હાલા વાચક બિરાદરો! આટલું વિચાર્યા પછી આપણે સુખી છીએ કે દુ:ખી અને કેટલી હદ સુધી અલ્લાહની અજોડ નેઅમત (ઈશ્ર્વરની દેણગી) બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ તે નક્કી કરવું હોય તો નીચે દર્શાવેલ ફોર્મ્યલા તમારા વિચારો અને અમલ અર્થાત્ આચરણ સાથે સરખાવી જુઓ. નીચેના પ્રશ્ર્નોની બાજુમાં તેના જવાબ તમારા દિલના ઊંડાણમાંથી ગોતીને પ્રમાણિકપણે ‘હા’ અથવા ‘ના’માં લખો:
* તમો અલ્લાહના વજૂદમાં માનતા હશો, પરંતુ તમારી શાંતિ માટે એ પૂરતું નથી?
* તમે દિલથી એમ માનો છો કે હું અલ્લાહની રહેમત (ઈશ્ર્વરીય દેણગી)થી કદી માયુશ (નિરાશ) નહીં થાઉં અને મને જે સ્થિતિમાં રાખે, હું રાજીખુશીથી કબૂલ કરીશ?
* ધર્મને તમારા કારોબારથી આગળ રાખો છો? એટલે તેને વધારે મહત્ત્વ આપો છો?
* તમારા સંબંધી, મિત્રો અને હરીફોની તરક્કી જોઈને તમે ઈર્ષા-અદેખાઈને રોકી શકો છો?
* વ્યવહારમાં લોકોની ભૂલો ગોતીને ટીકા કરવાની આદતને રોકી શકો છો?
* ગરીબો, જરૂરતમંદ કોઈ સમયે કંઈ માગે તો તમો રાજીખુશીથી આપી શકો છો?
* માનવસેવાના કાર્ય માટે તમારા સ્વાર્થને જતો કરી શકો છો?
* દિવસ દરમિયાન સર્વે કામ તમો હસતા મોંઢે હળવાશથી કરી શકો છો?
* તમો જે કમાણી કરો છો તેમાંથી ઈસ્લામી આદેશ પ્રમાણે ગરીબોની ભલાઈ માટે અને અલ્લાહની ખુશી માટે પૂરી રકમ અલગ કાઢો છો?
* તમો લોભી સ્વભાવના છો?
– અગર ‘હા’ના જવાબ પચાસ ટકાથી ઓછા હોય તો તમારા જીવનમાં શાંતિ નહીં હોય, અકલનો ઉપયોગ કર્યા વિના જીવો છો એટલે દુ:ખી હશો.
– પચાસ ટકાથી પંચોતેર ટકા જવાબ ‘હા’માં હશે તો સુખ-શાંતિની ઝલક કોઈ વખત અનુભવતા હશો અને
* પંચોતેર ટકાથી નેવું ટકા જવાબ ‘હા’માં આવે તો તમને અકલમંદ કહી શકાય. તમો જીવનના ખરા આનંદને માણતા હશો.
– ઉત્સુક વાચક મિત્રો! આ તો અંગત જીવનમાં અકલનો ઉપયોગ આપણે વિચાર્યો, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રે એટલે મઝહબી બાબતોમાં આપણે અકલનો ઉપયોગ કરીએ છીએ કે નહીં તે જોઈએ:
* પોતાના પેદા કરનારના વજૂદ (હાજર-નાજર) હોવાનો ઈન્કાર કરે તે બુદ્ધિહીન છે.
* પોતાના ખાલિક (પેદા કરનાર અલ્લાહ)ના બરોબરીમાં કોઈ શક્તિ અથવા વસ્તુને મહત્ત્વ આપે તેની બુદ્ધિભ્રષ્ટ થઈ ગઈ છે. બેવકૂફ છે.
બોધ:
કુદરતના વિસ્મયકારક સર્જનોને હરહંમેશ નજર સામે જોનાર ઈન્સાન અગર એટલું પણ વિચારી ન શકે કે આવી અદ્ભુત દુનિયાનું સર્જન કરનાર કોઈ શક્તિ જરૂર છે અને તે ખુદા
જ હોઈ શકે. તમે તેને કોઈપણ નામે ઈશ્ર્વર, પ્રભુ, પરમાત્મા, ગોડ વગેરે વગેરે પોકારો તે એક છે, એકલો છે અને સર્વત્ર, સર્વવ્યાપી છે.
– સલિમ-સુલેમાન
* * *
આજનો બોધ
* સૌથી ભયાનક શખસ જૂઠ્ઠાબોલો છે.
* સૌથી મહાન લક્ષણ આત્મવિશ્ર્વાસના અભાવમાં છે અને
* સૌથી મોટામાં મોટી જરૂરિયાત સામાન્ય અકલ છે.

RELATED ARTICLES

Most Popular