મેલ મેટર્સ -અંકિત દેસાઈ
સ્ત્રીના પેટમાં વાત નથી ટકતી એ કથન સરાસર ખોટું છે. કારણ કે પેટમાં વાત ન ટકાવવા બાબતે સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ હંમેશાં અવ્વલ રહેતા હોય છે, જેઓ ચોરે-ચોતરે કે પોતાના મિત્રોના વર્તુળમાં હંમેશાં પોતાનાં આયોજનો કે નેક્સ્ટ મુવ્ઝ વિશેની વાતો કરીને આવતા હોય છે, પરંતુ નીતિશાસ્ત્ર અને આજકાલ ઈન્સ્ટાગ્રામ પર બહુ ચાલી નીકળેલા મોટિવેશનલ અકાઉન્ટ્સ એમ કહે છે કે પુરુષોએ પોતાના ઈન્વેસ્ટમેન્ટ્સ વિશે કે પછી પોતાના કરિઅર કે પોતાની પ્રગતિ સંદર્ભના ભવિષ્યનાં કોઈ આયોજનો વિશે ઝાઝી ચર્ચા ન કરવી અથવા શક્ય હોય તો કોઈની સાથે એ વિશે શેર ન કરવું.
કેમ? તો કે એનું એક સૌથી મહત્ત્વનું કારણ એ છે કે તમે કશુંક સિદ્ધ કર્યા વિના કે કશુંક પામ્યા વિના જ્યારે સ્વપ્નો જુઓ છો અથવા એ સ્વપ્નોને પામવાની ચાહત મિત્રો કે ઘરના સભ્યો સાથે શેર કરો છો ત્યારે લોકો તમને શેખચલ્લીમાં ખપાવી દેતા હોય છે. કારણ કે લોકોને પ્રૂફ જોઈએ. તો જ તેઓ તમારી વાત માને કે તમારી વાહવાહી કરે. બાકી, તમે એમની સાથે તમારે કરિઅરમાં કેટલા આગળ વધવું છે કે કેટલા કરોડ કમાઈને કેવા બંગલા બનાવવા છે એવી વાત કર્યા કરશો તો આ જ લોકો તમને પપ્પુમાં ખપાવી દેશે અને તમારી હાંસી ઉડાવીને તમારી એનર્જી કરપ્ટ કરશે.
બીજું કારણ એ પણ કે ઘણીવાર લોકો તમારી હાંસી ન ઉડાડે તો એ લોકો તમે પોતે જોયેલું વિઝન કે સપનું કરપ્ટ કરતા હોય છે. અને એવું પણ નહીં કે એ લોકો ઈરાદાપૂર્વક કે તમારું કશુંક બગાડવા માટે એવું કરતા હોય. પરંતુ તેઓ નિખાલસ ભાવે પણ તેમનું મંતવ્ય તમારી સાથે શેર કરીને તમને તમારા વિઝન કે સ્વપ્નથી વિમુખ કરી શકે છે અથવા તમને કોઈ ભળતી, જે
તમારા ખપની સલાહ આપીને તમને બીજા રસ્તે વાળી શકે છે.
અને ત્રીજું કારણ એ કે તમે તમારું સ્વપ્ન પૂરું કરવા માટે તમે જે કંઈ ધાર્યું છે એ પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરો. અત્યંત એફર્ટ્સ આપો છો અને છેલ્લી ઘડીએ કશુંક કાચું કપાય છે અથવા તો તમારા ભાગ્યએ તમારા માટે કોઈક જુદો લેખ લખ્યો હોય અને તમને તત્કાલ નહીં, પરંતુ પાછળથી અત્યંત શ્રેષ્ઠ ભેટ મળવાની હોય એટલે તમે જે ધાર્યું છે એ તમને નથી મળતું ત્યારે તમારી ઉદાસીનું કારણ તમારી નિષ્ફળતા કરતા તમે લોકોની સમક્ષ જે બણગા ફૂંક્યા હોય એ બાબત બનતી હોય છે.
આફ્ટરઑલ પુરુષ નિષ્ફળતા તો આરામથી પચાવી શકે. સંઘર્ષ તો પુરુષનો પર્યાય છે, પરંતુ પુરુષ જ્યારે લોકોની હાંસીનું કારણ બને છે ત્યારે તેના માટે જીવવું કે ટકવું દુષ્કર બની જાય છે. પરંતુ જો પુરુષે કોઈને પોતાના પ્લાન્સ કે મુવ્સ વિશે કહ્યું જ ન હોય કે એ સંદર્ભની કોઈ બડાઈ મારી જ ન હોય તો? તો કોઈને જણાવ્યાનું દુ:ખ ન રહે અને પુરુષ પોતાની નિષ્ફળતમાંથી લર્નિંગ્સ લઈને ફરી નવી મહેનત કરવા તરત સજ્જ થઈ શકે. વળી, ન તો એ શેખચલ્લીમાં ખપે કે ન કોઈ એના આઈડિયાને, એના વિઝનને કરપ્ટ કરે.
અને આ વાત આજકાલના સેકેન્ડહેન્ડ ક્ધટેન્ટ પીરસતા મોટિવેશનલ ગુરુઓ ભલે કહેતા હોય, પરંતુ ભીષ્મથી લઈ ચાણક્ય સુધીના નીતિશાસ્ત્રના જ્ઞાતાઓ કહી ગયા છે કે પુરુષ માટે તેની નેક્સ મુવ એ તેનું ગર્ભ છે. એને પુરુષે મેચ્યોર થવા દેવાનું છે અને તેનાં પરિણામો મળે ત્યાં સુધી ધીરજ રાખવાની છે. જેથી તેની હરખપદૂડાઈનો તે ભોગ ન બને, તે ગાંડામાં ન ખપે અને ખાસ તો લોકો પર કે સમાજ પર તેના ધૈર્ય અને ગંભીરતાનો એક આગવો પ્રભાવ ઊભો થાય. આખરે બોલતા કે બોલબોલ કરતા પુરુષનો કોઈ પ્રભાવ નથી હોતો. એ પણ પુરુષે ધ્યાનમાં રાખવાનું છે.