Homeઈન્ટરવલતમે મમ્મી છો કે માતા?

તમે મમ્મી છો કે માતા?

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

તમારું બાળક તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે ? કામ કરવામાં નડ્યા કરે છે? કંઈક ને કંઈક ઢોળી નાખે છે? કાચના કપ-રકાબી કે ગ્લાસ જેવા વાસણ ફોડી નાખે છે? આમ કરવા છતાં તમે કંટાળતા નથી.ગુસ્સે થતા નથી,તો તમે માતા છો! તમને તમારા બાળક માટે નાસ્તો બનાવવામાં કંટાળો આવે છે? સ્કૂલે આપવાના નાસ્તાના ડબ્બામાં વેફર કે કુરકુરિયાના પેકેટ મૂકી દો છો? શેરીના નાકે કે ઓટલે બેસીને ટોળ ટપ્પા મારતા હો, ત્યારે વારેવારે તમારું બાળક આવીને તમને પરેશાન કરે છે?અવનવા પ્રશ્ર્નો પૂછીને તમને થકવે છે? તમારું બાળક રડે, ધમપછાડા કરે કે ખાવાનું ન ખાય ત્યારે મોબાઈલ પકડાવીને હાશકારો અનુભવો છો? તો તમે મમ્મી છો! મમ્મી હોવું એ બાયોલોજિકલ પ્રોસેસ છે. માતા હોવું એ ભાવનાત્મક પ્રોસેસ છે. પુરુષ અને સ્ત્રી લગ્ન પછી આપોઆપ પતિ પત્નીનો દરજજો મેળવે છે. જ્યારે માતા પિતાનો દરજજો તો બાળકના જન્મ પછી જ મળે છે.બાળકના ઉછેરમાં માતા વાત્સલ્યમૂર્તિ છે,તો પિતા પ્રેરણામૂર્તિ છે. મા સમજણનું પીયૂષ પાન કરાવે અને પિતા સક્ષમતાના પાઠ ભણાવે તો બાળ પુષ્પ અવશ્ર્ય મહોરી ઊઠે.બાળકના પ્રથમ ગુરુ માતા, દ્વિતીય ગુરુ પિતા અને તૃતીય ગુરુ શિક્ષક છે. આમ બાળક આ ત્રણેય ગુરુ પાસેથી જીવન જીવવાની જડીબુટ્ટી મેળવે છે.તમારા ઘરમાં સંભળાતું બાળકનું કિલકિલાટ એ સાક્ષાત ઈશ્ર્વરનું કીર્તન છે. આ કિલકિલાટ કકળાટ ન બની જાય એ માટે આપવામાં આવતી સમજણ એટલે બાળ ઉછેર. ગણિતનો પાયો કાચો ન રહી જાય એ માટે વાલી ખૂબ જ ચિંતા કરે છે,તો પછી કેળવણી એ તો સમાજ ઘડતરનો પાયો છે, એ કાચા રહી જાય એ માતા-પિતા કેમ ચલાવી લે? માતાથી શ્રેષ્ઠ આ દુનિયામાં કોઈ શિક્ષક, માર્ગદર્શક કે મોટીવેશનલ સ્પીકર છે જ નહીં. માતા તો બાળકને શિવાજી, ભગતસિંહ, મહારાણા પ્રતાપ, વિવેકાનંદ, આઈન્સ્ટાઈન કે અબ્દુલ કલામ બનાવી શકે. બસ જરૂર છે તમારી અંદર રહેલી માતા તરીકેની તમારી સ્કિલ પીછાણવાની,ઓળખવાની. માવજત અને માર્ગદર્શન એ બે પાસાં આ જીવ જગતના ઇતિહાસને નક્કી કરે છે.‘સો શિક્ષક બરાબર એક માતા છે.’ એ વિચારમાં સમગ્ર કેળવણીનો વિચાર સમાવિષ્ટ છે.બાળકની પ્રથમ શાળા પરિવાર જ છે. બાળક જ્યારે બીજી પાઠશાળામાં જાય એ પહેલા પરિવારની પાઠશાળાના શિક્ષક તરીકે, એક માતા તરીકે આપે આટલું ધ્યાન આપવું અપેક્ષિત છે:
બાળકની અવલોકનશક્તિ વિકસાવો
બાળક સાથે આપે અનેક વખત બહાર જવાનું બનતું હશે. કોઈ પિકનિક કે પ્રવાસમાં કે પછી કોઈ જાહેર ફરવાના સ્થળે કે પછી કોઈ મંદિરમાં દેવ દર્શન કરવાના હેતુથી જવાનું બનતું હશે. આવા સમયે બાળક પોતાની કુતૂહલ વૃત્તિથી પ્રશ્ર્નો પૂછીને થકવતું હશે. આ સમયે જ માતા તરીકે આપની પરીક્ષા છે. આપે કંટાળવાનું નથી. બાળકના દરેક પ્રશ્ર્નના જવાબ આપો.
સમજણ આપો.તમારી સમજણ બહારના પ્રશ્નો આવે એવું પણ બને. આવા સમયે બાળકને તને ખબર ન પડે કે તારે એ જાણીને શું કરવું છે ? અથવા મને એ ખબર નથી. એવું કહીને બાળકની કુતૂહલ વૃત્તિને કુંઠિત ન કરતા. હા, આપને ઉત્તર ના આવડતો હોય એવું બને તો એવું કહી શકાય કે, હું તારા પ્રશ્ર્નનો જવાબ જાણીને પછી આપીશ. વિવિધ સ્થળોની મુલાકાત વખતે બાળકની સ્મરણ શક્તિ સતેજ કરવાનો અનોખો અવસર છે.જો તમે બગીચામાં હો, તો બાળકને જુદા જુદા ફૂલોની ઓળખ કરાવો. ફૂલોની વિવિધ સુગંધનો અનુભવ કરાવો. ફૂલોના અવનવા રંગોને ઓળખતા શીખવો. બગીચાના વિવિધ છોડનો પરિચય પણ કરાવી શકાય. તે દરેક છોડના અલગ અલગ પ્રકારના પાનના આકાર વિશે પણ કુતૂહલ જગાવી શકાય.આ બધી બાબતોને એવી રસપ્રદ બનાવી શકાય કે બાળકને ગાર્ડન છોડવાનું મન જ ન થાય. આવી જ કંઈક બાબતે પ્રાણીસંગ્રહાલયની મુલાકાત વખતે પણ આવું કરી શકાય.પ્રાણીઓની ઓળખ,તેનું કદ, તેની પ્રવૃત્તિ, તેનો ખોરાક, તેની પ્રકૃત્ત્ાિ. જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ વચ્ચેનો તફાવત. આવી બધી બાબતોથી બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ જગાવી શકાય.તેમજ જ્ઞાન અને સમજણમાં પણ વધારો કરી શકાય. કોઈ મંદિરમાં દેવ દર્શને જતાં પહેલા જ બાળકને કહેવામાં આવે કે,મંદિરમાં બરોબર અવલોકન કરજે.
ઘેર આવીને હું પ્રશ્ર્ન પૂછીશ.પહેલા આપે મંદિરમાં બધું સમજાવું જોઈએ.બાળકને મંદિરમાં દર્શન દરમિયાન કેટલું યાદ રહ્યું તેની પરીક્ષા ઘેર જઈને લઈ શકાય. ભગવાનની મૂર્તિનો આકાર કેવો હતો? ભગવાનના વાઘાનો રંગ કેવો હતો? મુગુટ કેવા પ્રકારનો હતો? મંદિરમાં બીજા કયા કયા ભગવાનની મૂર્તિ હતી? આવા વિવિધ પ્રશ્ર્નો દ્વારા બાળકની સ્મરણશક્તિ સતેજ બનાવી શકાય.તેમને યાદ કરવામાં મદદ પણ કરી શકો. યાદ ન આવતું હોય તો યાદ કરાવો. આથી તેમની હિંમત પણ વધશે.આવી જ રીતે ઘેર પણ આપ બાળકનો મેમરી ટેસ્ટ લઈ શકો.
ઘરમાં વપરાતી નાની મોટી ચીજ વસ્તુઓ એકઠી કરી ટેબલ કે મેજ પર એ ચીજ વસ્તુઓ ગોઠવી દો. બાળકને કહો કે આ બધી ચીજ વસ્તુઓ જોઈ લે. કઈ કઈ ચીજ વસ્તુઓ છે, એ તારે યાદ રાખવાનું છે. હું તને પૂછીશ. આપ એ બધી ચીજ વસ્તુઓ પર કપડું ઢાંકી દો. હવે બાળકને ચીજ વસ્તુ યાદ કરવાનું કહો. નક્કી કરો કે બાળક કેટલી વસ્તુ યાદ રાખી શક્યો.
આમ બે ત્રણ વખત કરો. બાળક ક્રમશ: વધારે વસ્તુઓ યાદ રાખતો થઈ જશે. આ રીતે બાળકની સ્મરણશક્તિને ચાર્જ કરો. કેટલાંક વર્તમાનપત્રોની બાલપૂર્તિમાં બે ચિત્રો આપવામાં આવે છે અને બંને ચિત્રો વચ્ચે તફાવત શોધવાનું કહેવામાં આવે છે.આવું જ કંઈક આપ પણ બાળક પાસે કરાવી શકો. બાળકને આવી બધી રમતો દ્વારા ખૂબ આનંદ આવતો હોય છે. આમ બાળકની સ્મરણ શક્તિ દિવસે દિવસે તીવ્ર બનતી જાય છે.
વ્યવસ્થાપનશક્તિ વિકસાવો
આજે મોટેભાગે એવું બને છે કે બાળકને પોતાનાં કાર્યો કરવા માટે કુટુંબના સભ્યો તક જ આપતા નથી.બાળકને તમામ પ્રવૃત્તિ જેવી કે ઊઠે ત્યારે બ્રશ ઉપર પેસ્ટ લગાવવાથી માંડીને તૈયાર થઈને સ્કૂલે જવા માટે દફતર, બૂટની દોરી બાંધી આપવી, વોટરબેગ ભરીને તૈયાર કરવી. એટલું જ નહીં પણ વેન કે રિક્ષામાં બેસાડતી વખતે માતા કે પરિવારના સભ્યો દફતર ઉપાડીને મૂકવા સુધીની સહાયક પ્રવૃત્તિ કરતા હોય છે. આ પ્રવૃત્તિઓ બાળકને સ્વતંત્ર રીતે કરવા દેવામાં આવતી નથી. હકીકતમાં બાળક પોતાની નાની મોટી કામગીરી જાતે કરતા શીખે એ ખૂબ આવશ્યક છે. પોતાનું દફતર વ્યવસ્થિત રાખે.
પુસ્તકો વ્યવસ્થિત રાખે.પુસ્તકોના પૂઠાં ચડાવતા શીખે.આ બધું ખૂબ જરૂરી છે.શાળાએ જતા પહેલા પિરિયડ મુજબનાં પુસ્તકો દફતરમાં મૂકે. શૈક્ષણિક સાધનો મૂકવાનું ન ભૂલે.આ બધી બાબતોની ટેવ તેમને પડવા દેવી જોઈએ.ઘરમાં વર્તમાનપત્રોને પણ વ્યવસ્થિત ગોઠવીને નક્કી કરેલી જગ્યાએ મૂકે. પોતાની પથારી વ્યવસ્થિત રાખે.ચાદર, ઓછાડ વગેરે સરખા ગોઠવે. આ બધું બાળક જાતે કરતા શીખે એ અપેક્ષિત છે. આજે બાળકો ખૂબ લાડકોડથી ઉછરે છે. એની સામે કોઈ ફરિયાદ ન હોઈ શકે.પોતાના બાળકને લાડકોડ કરવાનો દરેક મા બાપને અધિકાર છે. પણ આ લાડકોડનો અતિરેક ન થાય અને બાળક પરજીવી ન બની જાય એ ધ્યાન રાખવું એ પણ મા બાપની ફરજમાં આવે છે. બાળક મોટા થતા સુધીમાં કોઈ પણ કામગીરી જાતે ન કરતો હોવાથી તેમનામાં જે કૌશલ્યો વિકસવા અપેક્ષિત છે એ કૌશલ્યો જો વિકાસે નહીં, તો આ બાબતે માતા અને પરિવાર જવાબદાર છે.મોટા થઈને આગળના અભ્યાસ માટે વિદેશ જતાં બાળકોને આ સમસ્યા ખૂબ સતાવે છે.ત્યાંની મજૂરી મોંઘી પડી જાય છે. બધા કામ જાતે કરવાના હોય છે. જાતે કામ કરતાં શીખ્યો નથી. આવા સમયે બાળક અને વાલીની આંખ ખૂલે છે.પણ,ત્યારે તો મોડું થઇ ગયું હોય છે! માત્ર પાઠ્યપુસ્તક,પરીક્ષાઓ કે પરિણામમાં મળતો રેંક જ બાળક માટે પર્યાપ્ત નથી.શાળા સમયના છ કલાક સિવાયની ૧૮ કલાકની ઘર પાઠશાળા પણ વિદ્યાલય જ છે.આપણે સૌ બાળકના સર્વાંગીણ વિકાસની વાતો કરીએ છીએ. પાઠ્યપુસ્તક ભણીને, ગોખીને પરીક્ષામાં ઓકીને,માર્કશીટમાં ‘એ’ગ્રેડ મેળવીને હરખાઈ જવાની જરૂર નથી.આમ સર્વાંગીણ વિકાસ શક્ય નથી. બાળકને વરસાદના પાણીમાં નહાવા ના દઈએ.બાળકને ધૂળમાં રમવા ના દઈએ.શેરીનાં બાળકો સાથે ધીંગામસ્તી કરવા ના દઈએ. શાળામાં થતી સહાભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ના દઈએ,તો પછી બાળકનો સર્વાંગીણ વિકાસ ક્યાંથી શક્ય બને?
આવો, માતાઓ! આપ શિક્ષક કરતાં લગીરેય ઓછા નથી.આપ સૌ શિક્ષક સમાન છો.આપના બાળકને કેળવવામાં આપને રસ હોય એટલો બીજા કોઈને સંભવી જ ના શકે. માટે ભરપૂર આત્મવિશ્ર્વાસ અને અખૂટ શ્રદ્ધા સાથે આપના બાળકમાં રસ દાખવવાનું શરૂ કરી દો.આપણે સૌ સાથે મળીને બાળકને ઉત્તમ નાગરિક બનાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular