વધારે મેદસ્વીપણું તથા પ્રી-ડાયાબિટીક સ્થિતિમાં બદામને ચાવીને પછી ભોજન લેવું એટલે કે, ભોજન પહેલાં બદામ ખાવાથી બ્લડસુગરને નિયંત્રિત રાખી શકાય છે, એવો દાવો એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. ‘યુરોપિયન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન’માં આ અભ્યાસ તાજેતરમાં પ્રગટ કરાયો છે. ભારતીય અભ્યાસકર્તાઓને પણ સામેલ કરનારા આ અભ્યાસમાં કેટલાક લોકો ઉપર કરાયેલા પ્રયોગોના આધારે સંશોધકોએ જોયું કે સતત ત્રણ મહિના સુધી બદામના ઉપયોગથી પ્રીડાયાબિટીસ કે ગ્લુકોઝની તકલીફને લગભગ 23.3 ટકા સુધીના સ્તરે લાવી શકાય છે.
આ રસપ્રદ અભ્યાસમાં 60 માણસોએ સમગ્ર પ્રયોગના સમયગાળા દરમિયાન પોતાના સવારના નાસ્તાની, બપોરના કે રાત્રિના ભોજનની 30 મિનિટ પહેલાં 20 ગ્રામ બદામ ખાધી. સંશોધકોએ નિષ્કર્ષ કાઢ્યો કે, ભોજન પહેલાં બદામ ખાવાથી ડાયાબિટીસની પ્રગતિ અટકી જાય છે. નવી દિલ્હી ખાતે ફોર્ટિસ-સી-ડીઓસી સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ડાયાબિટીસ, મેટાબોલિક ડીસીઝીસ એન્ડ એન્ડોક્રિનોલોજીના પ્રોફેસર અને ચેરમેન અનૂપ મિશ્રા આ સમગ્ર અભ્યાસના મુખ્ય લેખક છે. તેમણે કહ્યું કે, આ અભ્યાસનાં પરિણામો પરથી ફલિત થયું છે કે, ભોજનની પદ્ધતિના ભાગરૂપે બ્લડ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં બદામ એક મહત્ત્વનું ચાવીરૂપ વિભેદક બની રહે છે. તેમણે જણાવ્યું કે, આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે, ભોજન પહેલાં બદામનો નાનો ટુકડો સુધ્ધાં ચાવી જવાથી ભારતમાં એશિયન ભારતીયોમાં પ્રીડાયાબિટીસને ગ્લાયકેમિક કંટ્રોલ ઝડપથી અને ચમત્કારિક રીતે સુધારી દે છે. છે માત્ર ત્રણ દિવસમાં જ સુધારો લાવી દે છે. બદામમાં રહેલું ફાઇબર, મોનો-અનસેચ્યુરેટેડ ચરબી, જસત અને મૅગ્નેશિયમનું પ્રમાણ તમારા શરીરમાં ગ્લાયકેમિક કંટ્રોલને સુધારે છે અને ભૂખ ઘટાડે છે.
આ અભ્યાસનાં સહ-લેખિકા અને ન્યૂટ્રિશન રીસર્ચ ગ્રુપ, નેશનલ ડાયાબિટીસ, ઓબેસિટી તથા કોલેસ્ટ્રોલ ફાઉન્ડેશનનાં વડાં સીમા ગુલાટીએ પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે, ભોજન બાદ બ્લડ ગ્લુકોઝ લેવલના જોખમને ઘટાડવામાં ભોજન પહેલાંની 30 મિનિટમાં બદામ ખાવાની આ પ્રકારની ભોજન-વ્યૂહરચના ડાયાબિટીસના વધતા વ્યાપને નાથવામાં સારો વિકલ્પ બનશે.
અભ્યાસકર્તાઓનો દાવો છે કે, વિશ્વભરમાં ડાયાબિટીસના વ્યાપની સ્થિતિ અને પ્રિડાયાબિટીસમાંથી ડાયાબિટીસ થવાના દરને જોતાં આ અભ્યાસના નિષ્કર્ષો ખૂબ જ સાર્થક નીવડે તેવા છે.
હવે તમને એમ વિચાર આવે કે બદામ કેટલી મોંઘી છે તો જરા વિચારજો. ડાયાબિટિસના દરદી થઈને પરેશાન થવા કરતા તો લગભગ આ સસ્તું જ પડશે.