મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી
કુરાન શરીફ અલ્લાહની વાણી છે અનેે તે ઝમાનાના આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) પર ૨૪ વર્ષના સમય દરમિયાન કટકે કટકે નાઝિલ (અવતરી) છે. જેમ આપણે ગયા લેખમાં સૂરહ યાસીનની ફઝિલત (કૃપા – બરકત)થી પરિચિત થયા તેમ હવે આપણે કુરાન શરીફ વિશે જાણવા જેવી કેટલીક મહત્ત્વની માહિતીથી પરિચિત થશું. અત્રે એ નોંધનીય બની રહેવા પામશે કે બિન મુસ્લિમો તો ઠીક, પરંતુ ઈસ્લામી ફીરકાની કેટલીક જમાત અરબી અને ઉર્દૂ ભાષાની અજ્ઞાનતા અથવા એ તરફની ઉદાસીનતાના કારણે કુરાનના અભ્યાસથી સંપૂર્ણ અજાણ છે જે દુ:ખદ છે. ખાસ કરીને આવા અજ્ઞાન વાચકોને કુરાન વિશેની આ માહિતી ઘણી જ ઉપયોગી અને તેના પર અમલ કરવાની પ્રેરણા પૂરી પાડનારી બની રહેવા પામશે:
* કુરાને કરમી ‘બે’થી શરૂ થાય છે એટલે કે ‘બે’ શબ્દથી શરૂ અને ‘સીન’ એટલે કે ‘સીન’ શબ્દ પર ખત્મ (પૂરું) થાય છે.
* સૂરએ બકરહમાં મોમીનો પર રોઝા ફર્ઝ કરેલ છે તેનો ઝિક્ર (ઉલ્લેખ) આવેલ છે.
* કુરાન પાકમાં હઝરત જિબ્રઈલ અલયહિસ્સલામ (અ.સ.)નું નામ ૩ વખત આવેલ છે.
* કુરાનમાં સૌથી લાંબી આયત (વાક્ય) આયતુલ કુર્સી છે.
* મહાન ફરિશ્તા હઝરત જિબ્રઈલ (અ.સ.)ને સંપૂર્ણ અકલના માલિક કહેવામાં આવે છે.
* સૂરએ અનનિસામાં ઔરતોના હક્ક – અધિકાર બતાવેલ છે.
* સૂરએ માઈદામાં મોમીનોને નશો ન કરવાનો હુકમ છે.
* સૂરએ અનફાલમાં જંગેબદ્રમાં ફરિશ્તાઓના આવવાનો ઝિક્ર (ઉલ્લેખ) આવેલ છે.
* મસ્જિદે જરારનો ઝિક્ર સૂરએ તૌબામાં આવેલ છે.
* કુરાન શરીફમાં મે’રાજનો ઝિક્ર સૂરએ બની ઈસરાઈલ અને સૂરએ અન્નજમમાં છે.
* અસ્હાબે કહફનો ઝિક્ર સૂરએ કહફમાં આવેલ છે.
* અસ્હાબે કહફ ૩૦૦ વર્ષ ગુફામાં નિદ્રામાં સૂઈ રહ્યા.
* નજજાશી બાદશાહના દરબારમાં હઝરત જાફર તૈય્યારને સૂરએ મરિયમ પઢેલ હતી.
* કુરાન પાકમાં એક સૂરત (પ્રકરણ) સૂરએ મરિયમ છે જે ઔરતના નામ પર છે.
* નબીઓના નામ પર આવેલ સૂરતો સૂરએ યૂનુસ અલયહિસ્સલામ (અ.સ.), સૂરએ હૂદ (અ.સ.). સૂરએ યુસૂફ (અ.સ.), સૂરએ ઈબ્રાહિમ (અ.સ.), સૂરએ નૂહ (અ.સ.), સૂરએ મુહંમદ (સ.વ.અ.) છે જ્યારે હઝરત આઈશા સિદ્દીકા રદિયલ્લાહુઅન્હો જેઓ પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)ના પવિત્ર પત્ની છેનું પાક દામન (પવિત્રતા)નો ઝિક્ર સૂરએ નૂરમાં આવેલ છે.
* સૂરએ શુઅરામાં હઝરત સાલેહ (અ.સ.)ની ઊંટણીનો મોઝિજો (ચમત્કાર) આવેલ છે.
* સૂરએ અલ કસસમાં પયગંબર હઝરત (અ.સ.)નો લાંબો ઉલ્લેખ (ઝિક્ર) આવેલ છે.
* પયગંબર હઝરત લુકમાન (અ.સ.)નો ઝિક્ર પવિત્ર કુરાનમાં (પારા-૨૧) આવેલ છે તે ફલસફી અને હકીમ એટલે કે વિદ્વાન જ્ઞાતિ તબીબ હતા.
* સૂલેહ હુદેબીયા બાસ સૂરએ ફતહ નાઝિલ થઈ.
* કુરાન શરીફમાં પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)નું મુબારક નામ ચાર વખત આવેલ છે. ૧- સૂરએ આલે ઈમરાન, ૨- સૂરએ અહઝાબ, ૩- સૂરએ મુહંમદ અને ૪- સૂરએ ફત્હ.
* સૂરએ રહમાનને કુરાનની ઝીનત (શાન, શોભા) કહેવાય છે.
* પહેલી જુમ્આ (પ્રથમ શુક્રવાર) પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)ને ઈમામત કરી તે જગ્યા મસ્જિદે કુબા અને મદીના શરીફની વચ્ચે સામિલ બિન ઔફના મકામ પર છે.
* મસ્જિદે જિન્ન જન્નતુલ મોઅલ્લા (મક્કા શરીફ)ની નજદીક છે, જ્યાં પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)મે જિન્નાતોને કલમો પઢાવેલ.
* આપ હુુઝુરે અનવર (સ.અ.વ.) પર હઝરત જિબ્રઈલ (અ.સ.) ૨૪,૦૦૦ વખત વહી લઈને હાજર થયા.
* કુરાને પાકમાં સૌથી નાની સૂરત (વિભાગ) સૂરએ કૌસર છે.
* સૂરએ ઈખ્લાસમાં અલ્લાહ તઆલાએ વહદાનિયત (અલ્લાહ એક છે) – નો ઝિક્ર કરેલ છે.
કુરાન શરીફ વિશેની આ અને એવી બીજી જાણવા જેવી માહિતી આવતા અંકમાં વાચીશું. – કબીર સી. લાલાણી
****
નસીહત
જે શખસ ઈલ્મ પ્રાપ્ત કરવા માટે નીકળે તે જ્યાં સુધી ઘેર પાછો ન ફરે અલ્લાહના માર્ગમાં છે.
-અલ્લાહના રસૂલ (સ.અ.વ.)