Homeઉત્સવશું પંજાબમાં ફરીથી ખાલિસ્તાનીઓ સક્રિય થઈ રહ્યા છે? જો જો ક્યાંક કે....

શું પંજાબમાં ફરીથી ખાલિસ્તાનીઓ સક્રિય થઈ રહ્યા છે? જો જો ક્યાંક કે. પી. એસ. ગિલની મહેનત એળે ન જાય!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં બની રહેલા બનાવોને કારણે કેટલાક જૂના ઘા પણ તાજા થઈ રહ્યા છે. ઇંદિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં દિલ્હી સહિત દેશભરમાં ૪૦૦૦ થી વધુ નિર્દોષ શીખ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને નિર્દયતાથી રહેંસી નાખવામાં આવ્યા હતા. કેટલાક રાજકીય નિરીક્ષકો ચિંતા કરી રહ્યા છે કે ક્યાંક પંજાબની શાંતિ ફરીથી નહીં ડહોળાય.
રાજકારણને બાજુ પર રાખીને વિચારીએ તો પંજાબમાં ખાલિસ્તાનવાદીઓ ઘણા જૂના ઘા તાજા કરી રહ્યા છે. ૯૦ના દાયકામાં જન્મેલી યુવા પેઢીને તો કદાચ ખ્યાલ નહીં હોય કે ૮૦ના દાયકામાં પાકિસ્તાનની નીચતાને કારણે કઈ રીતે પંજાબ ભડકે બળ્યું હતું.
ભારત – પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી પહેરેલા કપડે ભારત આવી જાત મહેનતથી સમૃદ્ધ થયેલા શીખો, પંજાબ અને હરિયાણા ઉપરાંત વિશ્ર્વ આખામાં ‘સાહસીક’ તરીકે જાણીતા થયા હતા. હરિયાળી ક્રાંતિનો પૂરો લાભ લઈ શીખ ખેડૂતોએ સારી એવી આર્થિક સમૃદ્ધિ મેળવી હતી. ડંખીલા પાકિસ્તાનના પૂર્વ આયોજન પ્રમાણે શીખ અને હિન્દુઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા માટે જર્નેલસિંહ ભિંદરણવાલે નામના એક સામાન્ય ધાર્મિક ઉપદેશકને પાકિસ્તાનની આઇએસઆઇએ પાનો ચઢાવ્યો. પંજાબ રાજ્યના વિવિધ રાજકીય સમીકરણોને કારણે ભિંડરણવાલેને ફાવતું આવી ગયું, અને ૮૦ના દાયકાની શરૂઆતથી પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદની શરૂઆત થઈ. પંજાબ બોર્ડર રાજ્ય હોવાથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ મારફતે અઢળક હથિયારો પંજાબમાં ઠલવાયાં. દરરોજ સેંકડો નિર્દોષ હિન્દુઓની હત્યા થતી એટલું જ નહીં, ભિંડરણવાલેને સાથ નહીં આપનારા શીખોને પણ છોડવામાં આવતા નહીં. ૧૯૮૩માં ધરપકડથી બચવા માટે ભિંડરણવાલે અને એની ટોળકીએ અમૃતસરના સુર્વણ મંદિરમાં ધામો નાખ્યો. સેંકડો શીખ આતંકવાદીઓ ગોલ્ડન ટેમ્પલના વિશાળ પરિસરમાં સંતાઇ ગયા. મંદિરમાં રહીને એમણે પંજાબ અને પંજાબની બહાર હત્યાઓ કરાવી. શીખોના જ એક સંપ્રદાય નિરંકારીઓને પણ ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા. સરકારી અધિકારીઓ, પોલીસ તેમજ બીજા સંપ્રદાયના લોકોની ગમે ત્યારે હત્યા થઈ જતી. સૂર્યાસ્ત પછી પંજાબની સડકો પર ભાગ્યે જ કોઈ નીકળતું. દેશભરના લોકોમાં ખૂબ ગુસ્સો હતો. આતંકવાદીઓ પવિત્ર ધાર્મિક સ્થળમાં છુપાયા હોવાથી સરકાર કોઈ તાત્કાલીક પગલા લેવા માગતી નહોતી. એ વખતે વડા પ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતા. પાકિસ્તાનથી તાલીમ પામેલા શીખ આતંકવાદીઓનો પ્રભાવ વધતો જ જતો હતો. કેટલાક ગેરમાર્ગે દોરાયેલા વિદેશી શીખોએ પણ ભિંડરણવાલેને ટેકો જાહેર કર્યો હતો. બહુમતિ શીખો જો કે ખાલિસ્તાનીઓની વિરૂદ્ધમાં હતા છતાં પણ ડરના માર્યા કોઈ બોલી શકતું નહોતું. ભિંડરણવાલે સાથે વાતચીતના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. એમને તો ફક્ત અલગ ખાલિસ્તાન જ જોઇતું હતું. ખાલિસ્તાનના આતંકવાદી સાથે જોડાનારા મોટા ભાગના આતંકવાદીઓ ભૂતકાળમાં રીઢા ગુનેગાર રહી ચૂક્યા હતા. તેમજ બૅંક લૂંટ, ખંડણીખોરી તેમજ હત્યા જેવા ગુનાઓ કરી ચૂક્યા હતા. પંજાબ રાજ્યમાંથી પસાર થતી બસ અને ટ્રેનમાં મુસાફરી કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. ઇન્દિરા ગાંધી પર આતંકવાદને નાથવાનું દબાણ વધી રહ્યું હતું.
છેવટે, ના છૂટકે ઇન્દિરા ગાંધીએ આતંકવાદીઓને મારવા અથવા તો પકડવા માટે સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલવાનું નક્કી કર્યું. રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીએ ભારતની જાસૂસી સંસ્થા રોને ચેતવણી આપી હતી કે પંજાબને ભારતથી અલગ કરવાની યોજના આઇએસઆઇએ બનાવી દીધી છે. પાકિસ્તાનના હજારો કમાન્ડો ભિંડરણવાલેને મદદ કરવા પંજાબ રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરશે. ૧૯૮૪ના જૂન મહિનાની ૧લી તારીખે ઇન્દિરા ગાંધીએ લશ્કરને મંદિરમાં પ્રવેશવાની છૂટ આપી અને એને ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ નામ આપવામાં આવ્યું. ૩જી જૂને લશ્કરની વિવિધ ટુકડીઓએ સુવર્ણ મંદિરને ઘેરી લીધું. પહેલાં તો આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપવામાં આવી. આ ઉપરાંત દર્શન માટે આવેલા યાત્રીઓને બહાર મોકલી આપવા માટે પણ આતંકવાદીઓને કહેવામાં આવ્યું. આમ છતાં પાંચમી જૂનની સાંજ સુધી આતંકવાદીઓએ સૂચનાનો અમલ કર્યો નહીં. પાંચમી જૂનની રાતથી હુમલાની શરૂઆત થઈ અને આઠમી જૂન સુધીમાં ભિંડરણવાલે સહિત મોટા ભાગના આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. આતંકવાદીઓ પાસેથી ચાઇનીઝ બનાવટના રોકેટ લોન્ચર ઉપરાંત ઘણા બધા આધુનિક શસ્ત્રો પણ મળ્યાં. દેશ આખામાં હોહા થઈ ગઈ. બહુમતી શીખોને લાગ્યું કે સરકારે મંદિરમાં લશ્કરને મોકલવાને બદલે બીજા કોઈ માર્ગે આતંકવાદીઓ સાથે પનારો પાડવાની જરૂર હતી. વિશ્ર્વ આખામાંથી ઘણી શીખ સંસ્થાઓએ પણ સરકારના પગલાની ટીકા કરી. ૧૯૮૪માં ૩૧ ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીના જ બે શીખ બોડીગાર્ડોએ ગાંધીની હત્યા કરી નાખી ત્યાર પછી જે થયું એ દેશના ઇતિહાસમાં કાળા અધ્યાય સમાન હતું. નિર્દોષ શીખોને ઘરમાંથી ખેંચી ખેંચીને મારવામાં આવ્યા જે માટે શીખ સમુદાએ કૉંગ્રેસને સંપૂર્ણપણે જવાબદાર ગણી.
ઓપરેશન ‘બ્લુ સ્ટાર’ પછી પણ પંજાબમાં શીખ આતંકવાદનો અંત આવ્યો નહોતો. ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા. રાજીવ ગાંધીએ પંજાબમાં શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા મળી નહીં. પાકિસ્તાન તરફથી પણ અવળચંડાઇ ચાલુ જ હતી. પંજાબમાં આતંકવાદનો કોઈ અંત દેખાતો ન હતો. ૧૯૮૭થી ૧૯૯૧ સુધી પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું. છેવટે ૧૯૯૨માં ચૂંટણી થઈ અને ચૂંટાયેલી કૉંગ્રેસ સરકારે જાંબાઝ પોલીસ અધિકારી કે.પી.એસ. ગીલને સંપૂર્ણ સત્તા સોંપી કોઈ પણ રીતે પંજાબમાંથી આતંકવાદ નાબૂદ કરવા કહ્યું. કે.પી.એસ. ગીલ ખૂબ જ કડક અને હોંશિયાર પોલીસ અધિકારી હતા. એમણે આતંકવાદનો ઉંડો અભ્યાસ કર્યો હતો.
તેઓ માનતા હતા કે આતંકવાદીઓ સાથે લટૂડા પટૂડા નહીં ચાલે. એમને ઠોકવા જ પડે. ગીલે પંજાબના પોલીસોને છૂટો દોર આપ્યો. આતંકવાદીને જોતા જ પહેલા એને ઠાર મારવાની સૂચના એમણે આપી. એમના શાસન દરમિયાન પંજાબમાં સેંકડો એન્કાઉન્ટર થયા. માનવ અધિકારવાદીઓએ ચીસાચીસ કરી મૂકી, પરંતુ ગીલ અડીખમ જ રહ્યા. પોલીસ-આતંકવાદીઓની અથડામણમાં કૂટાઇ ગયેલા નિર્દોષોને તેઓ ‘કોલેટરલ ડેમેજ’ (એટલે કે સૂકા ભેગું લીલું બળે) ગણાવતા હતા. પંજાબમાંથી આતંકવાદને સંપૂર્ણ નાબૂદ કરવા માટે એમણે ઓપરેશન ‘બ્લેક હન્ટ’ લોન્ચ કર્યું અને ગોલ્ડન ટેમ્પલમાં રહી ગયેલા આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો. એમના જાન પર મોટું જોખમ હતું છતાં પણ ડર્યા વગર એમણે પંજાબને આતંકવાદ મુક્ત કર્યું. દેશ-વિદેશના કેટલાક ચાંપલાં અંગ્રેજી અખબારો તેમજ સેક્યુલરીયાઓ-સામ્યવાદીઓ ગીલની આકરી ટીકા કરતાં. આમ છતાં સુપરકોપ ગીલે બેફીકરાઈથી એમનું કાર્ય કર્યે રાખી પંજાબને આતંકવાદીઓથી મુક્ત કર્યું હતું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular