સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
લાંબાગાળાથી ચાલી આવતી, સ્વીકૃત થયેલ જીવનશૈલી એટલે પરંપરા. તેની પાછળ હેતુ પણ હોય અને સચોટ કારણો પણ. તે અનુમાનીત પણ હોઈ શકે અને અનુભવ યુક્ત પણ. સમાજમાં એક પ્રકારનો ચીલો ચીતરાઈ જતો રહે છે. આ ચીલાની યથાર્થતા તથા સંભાવનાઓ લગભગ બધા જ માન્ય રાખે છે. સમય જતાં તે સમાજની ઓળખ બની રહે છે. સ્થાપત્ય પણ પરંપરા સ્થપાતી હોય છે, જે જે તે સમયની શૈલી તરીકે ઓળખાતી હોય છે.
માનવી તેના પ્રારંભિક તબક્કામાં “શરણ માટે ઝાડ અથવા ગુફાનો સહારો લેતો. ઝાડ પાસેથી તેને લાકડું મળ્યું તો ગુફા પાસેથી પથ્થર. આ બંને સામગ્રીના સરળ ઉપયોગથી ન્યૂનતમ, કાર્યક્ષમ તથા સંજોગો અનુસારની રચના અસ્તિત્વમાં આવતી ગઈ. સમાજ વ્યવસ્થા ઊભી થતાં તેમાં પરસ્પરની જાણકારીનો ઉપયોગ થતો ગયો અને તેની સાથે પરસ્પરના સહકારથી નવા પડકારો ઝીલવાની ક્ષમતા પણ વિકસતી ગઈ. બાંધકામમાં હવે ક્યાંક સામૂહિકતા આવતી થઈ. પરસ્પરના સહકાર અને વિચારોથી તેમાં સમાનતા પણ વિકસતી થઈ.
આ સમાનતા સમય જતાં શૈલીમાં રૂપાંતરિત થવા લાગી. આમ પણ “સમાજની ભાવના દૃઢ કરવા એક પ્રકારની વ્યવસ્થા પણ જરૂરી ગણાઈ. કેટલાક સર્જનાત્મક તથા સંવેદનશીલ નિર્ણયો ઉમેરાતાં તેમાં લાગણીસભર કલાત્મકતા ઉમેરાઈ. એક વાર એક પ્રકારની રચનામાં “અનુકુળતા આવી જતાં લાંબા સમય સુધી તેની સ્વીકૃતિ જળવાઈ રહી અને પરંપરાગત શૈલી અસ્તિત્વમાં આવી.
તે સમયે સામગ્રી તથા તેના ઉપયોગની તકનિકમાં લાંબા સમય સુધી બદલાવ આવતો ન હોવાથી તે બાંધકામની પરંપરા લાંબા સમય સુધી સ્થાપિત અને પ્રચલિત રહેતી. જીવનશૈલી પ્રમાણે તે અસ્તિત્વમાં આવી અને એકવાર સ્વીકૃત થયા પછી તે જીવનશૈલીને અસર કરવા માંડે.
આજે બાંધકામનો જે પ્રકાર છે તે પણ આવાં જ કારણોસર વિકસેલ શૈલી છે. તે વખતના સમયને તે પ્રકારની સ્થાપત્ય-રચના ઈચ્છનીય હતી તે આજે પણ સાંપ્રત પરિબળો અનુસાર પ્રવર્તમાન રચનાશૈલી તો ઇચ્છનીય છે જ. તે વખતે પ્રાપ્ય સામગ્રીનો કળાત્મકતાથી મહત્તમ ઉપયોગ થતો તો આજે પણ એ જ થાય છે- માત્ર કળાત્મક્તાની વ્યાખ્યા ક્યાંક બદલાઈ છે. પણ આ બદલાવ માત્ર સ્થાપત્યમાં જ નથી, તે તો સમાજના બધાં જ ક્ષેત્રોને અસર કરે છે. તે વખતે પણ કેટલીક બાબતો ફેશન તરીકે સ્વીકારાતી અને આજે પણ એમ જ બને છે. માત્ર ફેશન જુદી જુદી છે.
સમય એવો હતો જ્યારે દાયકાઓ સુધી બાંધકામની નવી સામગ્રી ન હતી આવતી અને તેના ઉપયોગની તકનિકમાં પણ કોઈ વિકાસ લાંબા સમય સુધી જોવા મળ્યો. ઔદ્યોગિક ક્રાંતિ પછી આ બંને બદલાવમાં ઝડપ આવી ગઈ. આજે સમય એવો છે કે દર બીજા-ત્રીજા વરસે નવી સામગ્રી આવે છે અને ઇજનેરી ક્ષેત્રમાં પણ નિતનવી સંભાવના વિકસતી જાય છે. પછી પરંપરા ક્યાંથી સ્થપાય! ઉપકરણોમાં જેમ દર વરસે નવું મોડલ આવે છે તેમ સ્થાપત્યમાં પણ દર વરસે જાણે નવી હવા વિકસે છે.
સમાજ એક બાબતને પચાવે એ પહેલાં નવી લોભામણી બાબત સામે આવીને ઊભી રહે છે. હવે તો પાંચ વરસ સ્વીકૃત બને તે બાબતને પણ પરંપરાનું લેબલ લગાડી શકાય. વ્યક્તિ જે તે બાબતે પરિપક્વતા સિદ્ધ કરે તે પહેલાં જ બદલાવ આવી જાય છે. ઊંડાણમાં ઊતરવાની સંભાવના જ, આવાં ક્ષેત્રોમાં, ઓછી થતી જાય છે. અને કોઈ ઊતરવા માગે તો પણ આજની ભાગદોડવાળી જિંદગીમાં તે શક્ય નથી બનતું. આખરી
ઓપ આપતી સામગ્રીમાં તો જે ઝડપે
બદલાવ આવે છે તેને કારણે દૃષ્ય અનુભૂતિની સમૃદ્ધિની વ્યાખ્યા જાણે છાસવારે બદલાય છે.
જરૂરિયાતો ઝડપથી બદલતી ગઈ. ઓછા સમયગાળામાં બાંધકામ પૂર્ણ કરવાની મહેચ્છા પણ વ્યાજબી ગણાવા લાગી. “અનુકૂળતાની વ્યાખ્યા પણ લગભગ તેના સીમાડા સુધી પહોંચવા લાગી. માનવીની સામાજિકતા માત્ર ઔપચારિક બની રહેતી થઈ અને તેથી વ્યક્તિગત ઓળખને વધુ ને વધુ મહત્ત્વ અપાતું થયું-માનવી સામાજિક પ્રાણી તરીકે ઘટતો ગયો. હવે ઉપકરણ અને મકાનની જેમ સમાજ એ ઉપયોગિતાનું સાધન ગણાવવા લાગ્યો. આ બધામાં પણ પોતાની આગવી “રજૂઆત પણ જરૂરી બની. આવું આગવાપણું સ્થાપત્યમાં લાવવા ગતકડાં થતાં ગયાં. આ બધી બાબતો આજે પરંપરા બનતી જાય છે.
સામાન્ય માનવી પણ સંપન્ન બનતો ગયો અને યુગોથી દબાઈ રહેલી તેની, પોતાની ઓળખ સ્થાપવાની મહેચ્છા દૃઢતાથી આકાર લેતી થઈ અને વિવિધતાની નવી ક્ષિતિજો વિકસતી ગઈ.
કાયદા-કાનૂને પણ ક્યાંક આજની પરંપરા સ્થાપવામાં એક ભૂમિકા ભજવી. હવે સ્થાપત્યનું વ્યાપારિકરણ સ્થાપત્યની સમૃદ્ધિ પર હાવી થવા લાગ્યું.
સ્થાપત્ય ક્યાંક પસંદ ન રહેતાં મજબૂરી બનતી ગઈ. છતાં પણ મોઢાં પર હાસ્ય ધારણ કરી માનવી ઊંડાણમાં ઊતર્યા વગર ખુશ થતો રહ્યો. હવે પસંદગીમાં ચીવટતા મર્યાદિત બાબતો માટે જ રહી અને મકાનની મોટાભાગની બાબતો ચલાવી લેવાતી થઈ. આ બધાને કારણે આજે જે પ્રકારનું સ્થાપત્ય જોવા મળે છે તે જ અત્યારની પરંપરા બની ગયું.
લગભગ એકધારી સમાનતા, દેખાવ માટે કરાતી ટાપટીપ ઓરડાની ગુણવત્તા કરતાં સંખ્યાનું મહત્ત્વ, હવા-ઉજાસ માટે સમખાવા પૂરતી કુદરતી વ્યવસ્થા, આંતર્ભિમુખતાને મળતું પ્રાધાન્ય, તકલાદીપણાં માટેની ચોક્કસ બાબતોની સ્વીકૃતિ, ગીચતામાં ગોપનીયતા શોધવાના પ્રયત્ન, સામૂહિકતાને લાચારી ગણવાની તૈયારી, મકાનને યંત્ર માફક- મુખ્યત્વે સગવડતા માટેના સ્થાન જેવી સમજ- આ અને આ પ્રકારની બાબતો ત્યારના સ્થાપત્યની પરંપરા છે, જે માનવીના જીવન તથા તેના સમાજ સાથેના તાણાવાણાને અસર કરે છે. જોકે, આ પરંપરા થોડા સમયમાં જ બદલાતી રહેશે, પણ તેની દિશા તો આ તરફની જ રહેશે.