Ahmedabad: હાલ ગુજરાત ભરમાં વરસાદી માહોલ(Gujarat rain) છવાયેલો છે ત્યારે આ પહેલા હવમાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં 12 તારીખથી વરસાદનું જોર ઘટશે. પરંતુ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ (Heavy rain)વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી દરિયો તોફાની બની શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યનાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હાલ રાજ્યના દરિયા કાંઠે 50 કિલોમીટરની ઝડપ સુધી પવન ફૂંકાઈ રહ્યો છે. ગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતૂર બનતાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. દ્વારકામાં ગોમતીઘાટે પણ અંદાજે 12થી 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં વિજયનગરમાં 5.59 ઈંચ, વિજાપુર 4.56 ઈંચ, તલોદ 4 ઈંચ, હિંમતનગર 4 ઈંચ, માણસા 4 ઈંચ, રાધનપુર 4 ઈંચ, ઈડર 4 ઈંચ, ભિલોડા 3 ઈંચ, પોશિના 2.5 ઈંચ, ઉમરપાડા 2.5 ઈંચ, મહેસાણા 2.5 ઈંચ, ખેરાલુ 2.5 ઈંચ, પ્રાંતિજ 2.5 ઈંચ, દાંતા 2.5 ઈંચ, જોટાણા 2.5 ઈંચ, કડી, બારડોલી અને પાલનપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

Google search engine