મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન તરીકે મંજૂર કરેલા ૬૦૦ કરોડના પ્રોજેક્ટ સ્થગિત કર્યા

આમચી મુંબઈ

ટાર્ગેટ આદિત્ય ઠાકરે-૨

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં નવી સરકારનું ગઠન થયા બાદ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સતત નિશાન પર આવ્યા છે અને રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રવાસન અને સાંસ્કૃતિક ખાતાના પ્રધાન તરીકે લીધેલા રૂ. ૬૦૦ કરોડના નિર્ણયોનું ઓડિટ કરવાનો નિર્ણય લીધો હોવાથી રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. મંત્રાલયનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકારે વિવિધ પ્રવાસન અને ધાર્મિક/સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં સ્થળોએ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ. ૩૮૧ કરોડનું ભંડોળ ફાળવ્યું હતું. આવી જ રીતે એમટીડીસીને પણ રૂ. ૨૧૫ કરોડનું ભંડોળ માળખાકીય સુવિધાના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા. આ નિર્ણયો પર રોક લગાવવામાં આવી છે. આવી જ રીતે મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા એમટીડીસીનાં વિવિધ સ્થળોના માળખાકીય વિકાસના કામ હાથ ધર્યા છે. આવી જ રીતે ઠાકરે પરિવારના કુળદેવી એકવીરા માતાના મંદિર સહિત અન્ય પુરાતન મંદિરોના વિકાસ માટે રૂ. ૧૦૧ કરોડની ફાળવણી કરવામાં આવી હતી તેના પર પણ રોક લગાવવામાં આવી છે.
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને આદિત્ય ઠાકરેને ટાર્ગેટ બનાવવા સાથે સરખાવવામાં આવી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં આદિત્ય ઠાકરેના પ્રિય પ્રોજેક્ટ શિવાજી પાર્કના રિડેવલપમેન્ટ પર રોક લગાવવામાં આવી હતી અને હવે આ પ્રોજેક્ટ માટે નવેસરથી નાગરિકોની સુનાવણી થઈ રહી છે. બીજી તરફ પર્યાવરણ ખાતાના પ્રધાન તરીકે છેલ્લા અઢી વર્ષમાં આદિત્ય ઠાકરેએ લીધેલા બધા જ નિર્ણયોનું ઓડિટ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હતો.
મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ માળખાકીય વિકાસના જે કામો માટે આ ભંડોળ ફાળવવામાં આવ્યું છે તેમાં ઈમારતની આસપાસ રિટેઈનિંગ વોલ બાંધવી, સામાનઘર, શાવર વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના હતી. સામાન્ય રીતે બજેટના સાત ટકા ખર્ચ આ બધી વસ્તુ પર કરવામાં આવતો હોય છે, પરંતુ તેની પ્રક્રિયા એવી હોય છે કે વિધાનસભ્ય/સંસદસભ્ય દ્વારા કામની ભલામણ કરવામાં આવ્યા બાદ તેને જિલ્લા કલેક્ટરના માધ્યમથી તેને સરકાર પાસે મોકલવામાં આવે છે અને જનપ્રતિનિધિની માગણી બાદ પાંચ સભ્યોની સમિતિ દ્વારા આ પ્રસ્તાવને તેમની નિયમાવલી અને માર્ગદર્શિકાને આધારે મંજૂરી આપવામાં આવે છે.
જોકે, પ્રવાસન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે અને સાંસ્કૃતિક બાબતોના ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ બજેટને વહેંચી નાખ્યું હતું અને કામને માન્યતા આપી દીધી હતી. હવે એકનાથ શિંદે સરકારની નજર આ મંજૂરી પર પડતાં તેના પર રોક લગાવવામાં આવી છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.