બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોષી
નવા વર્ષનું આગમન નવી ઊર્જા લઈને આવે છે. વીતેલા વર્ષને ભૂલી નવી શરૂઆત કરવાનો સમય એટલે નવું વર્ષ. નવાં આયોજનો, સંકલ્પો કરવાનો સમય એટલે નવું વર્ષ. આ તે સમય છે જ્યારે દરેક જણ થોડું વધુ સ્વસ્થ ખાવાનું શરૂ કરે છે, જીમમાં જાય છે અથવા કોઈ નવો શોખ શીખવાનો પ્રયાસ કરે છે. જ્યારે આપણે નવા વર્ષ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે તેને આ વર્ષે લોકો સમક્ષ હું નવા અવતારમાં આવવાની તક તરીકે જોઈએ છીએ. જેમ આપણે વ્યક્તિગત જીવનમાં નવા વર્ષને નવી ઉમ્મીદ તરીકે જોઈએ છીએ તેજ રીતે વ્યવસાયને પણ જોઈએ છીએ. આવનારા વર્ષમાં વ્યવસાય માટે પણ નવા સંકલ્પો અને આયોજનો બનાવીયે છીએ.
સામાન્યત: આપણે જયારે વ્યવસાયના ધ્યેય નવા વર્ષ માટે નક્કી કરતા હોઈએ છીએ ત્યારે કેટલું ટર્નઓવર કરીશું, પ્રોફિટ કેટલો વધારશુ, નવી બ્રાન્ચ કે પછી નવી લાઈન શરું કરશું ની વાતો આવરી લેતા હોઇશું. આજે નવા વર્ષે આ વાતોની સાથે તેવા સંકલ્પો કરવાની કોશિશ કરીયે જે આપણને આપણા વ્યવસાયમાં લાંબા ગાળા સુધીનો લાભ આપે, એક માનનીય પેઢી બનવામાં મદદ કરે, પ્રખ્યાત બ્રાન્ડ બનાવે જેની સાથે લોકો કામ કરવા તત્પર હોય.
એમ કેમ ના થઇ શકે કે મારા નવા વર્ષના વ્યક્તિગત અને વ્યવસાયિક સંકલ્પો એકજ હોય. સામાન્ય રીતે નવા સંકલ્પોની વાત આવે ત્યારે મોટેભાગે લોકો વિચારતા હોય છે કે; આ વર્ષે વજન ઓછું કરવું છે, સ્વાસ્થ્ય વર્ધક અર્થાત હેલ્ધી જીવન જીવવું છે, ઘરના અને મિત્રો સાથે વધુ સમય પસાર કરવો છે, વ્યસનો છોડવા છે, નવું શીખવું છે, નવા સ્થળો જોવા છે, પર્યાવરણ માટે કશુંક કરીશું, ખર્ચો ઓછો અને બચત વધુ કરીશું, બધાં કામો આયોજન બદ્ધ કરીશુ, જીવનને પૂરું માણીશું. આમાંથી જો એકાદ સંકલ્પ પણ પૂરો થયો તો આવતા સમયમાં બીજા પૂરા કરવાની આશા જગાડશે. ઉપરના સંકલ્પોનો વિચાર કરીશું તો જણાશે કે તે એક વ્યક્તિને સંપૂર્ણ વ્યક્તિમત્વ આપી શકે છે. જો આજ વાતો વ્યવસાય માટે વિચારીએ તો? ચાલો જોઈએ આ સંકલ્પો કેવી રીતે તમારા વ્યવસાયને અથવા બ્રાન્ડને લાગુ પડે છે.
સૌ પ્રથમ હેલ્ધી જીવન જીવીશું, આને તમારા વ્યવસાયની હેલ્થ સાથે સરખાવો. સ્વસ્થ જીવનશૈલી કે વ્યવસાય માટે અમુક વાતો છોડવી પડે છે જે હાનિકારક હોય અને ફાયદાકારક વાતો અપનાવવી પડે છે. વિચારો કે કઈ વાતો છે જે તમારા વ્યવસાયના વિકાસની આડે આવે છે. કાલ પર ઠેલવવાની આદત, સિસ્ટમ અને પ્રોસેસનો અભાવ, ગ્રાહકો અને સપ્લાયરોને ખોટા વાયદા, નવા ગ્રાહકો કેવી રીતે આવશે તેનું પ્લાનિંગ ના હોવું, કેટલા ટકાએ ધંધો કરવોની કલેરિટી ના હોવી, મન ફાવે તે રીતે વેપાર કરવો, બેલેન્સ શીટની અવગણના, આજે આ તો કાલે બીજુની વિચારધારા, લોકો સાથેનો વ્યવહાર, વગેરે.
આ વાતો સમય જતા આદત બને છે અને વ્યસનનું સ્વરૂપ ધારણ કરે છે અને તેમાંથી બહાર આવવું મુશ્કેલ થઇ જાય છે. આથી આ વ્યસન બને તે પહેલા આ રોગને ઊગતો ડામો. આવી બાબતો વ્યવસાયને બીમાર કરે છે અને તેની હેલ્થને સીધી અસર થાય છે. આ બાબતો પર વિચાર કરી આના પર કામ કરો, એવી આદતો અપનાવો જે વ્યવસાયને હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રદાન કરે.
ઘરના અને મિત્રો સાથે વધુ સમય પસાર કરવો. આને તમારા વ્યવસાયમાં તમારા કર્મચારીઓ, વેન્ડર અને ગ્રાહકો સાથે સરખાવો. જે બ્રાન્ડ અથવા વ્યવસાય આ લોકો સાથેના સંબંધમાં રોકાણ કરે છે તે ખરા અર્થમાં ગ્રાહકલક્ષી બ્રાન્ડ બને છે. આ સંબંધ ના કેવળ તમને તેઓ સાથે ભાવનાત્મક રીતે જોડે છે પણ તમને આ લોકો થકી કેટેગરી અને વ્યવસાયની રગે રગની માહિતી આપે છે. બીજું, તમારા કર્મચારીઓ તમારી તાકાત છે. કર્મચારીને સંપત્તિ તરીકે જોવો. તેઓને સ્વતંત્રતા આપો કામ કરવાની, વ્યવસાયને આગળ વધારવા તેઓનાં સૂચનો લો. તેઓને અનુભવ આપો કે આ તમારી બ્રાન્ડ છે, તમારી કંપની છે જે તમે ચલાવી રહ્યા છો. આમ આ લોકો સાથેનો ભાવનાત્મક સંબંધ તમને લાંબા ગાળે સમજાશે. કારણ સરળ છે જો આ લોકો તમારી સાથે હશે તો તમે નિશ્ર્ચિત થઈને વ્યવસાય કરશો અને તમારા વ્યવસાયને વિસ્તારવા વિષે વિચારશો.
નવી શીખવાની આદત. આજનો સમય સ્કિલ ડેવલપમેન્ટનો છે. ટેક્નોલોજીના સહારે રોજ નવા ફેરફારો જોવા મળે છે. જો તમે નવું નહિ શીખો અથવા સમય સાથે નહિ ચાલો તો પાછળ રહી જશો. તમારા વ્યવસાય અને કેટેગરીમાં શું નવું થઇ રહ્યું છે, કઈ નવી સ્કિલ પોતે અને તમારા કર્મચારીઓએ શીખવાની જરૂર છે તેનો અભ્યાસ કરો અને શીખો. તમારા માટે અને તમારા કર્મચારીઓ માટે વર્ષ દરમ્યાન અમુક સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો પહેલેથીજ પ્લાન કરો. તેના માટે અલગ બજેટ અને સમય ફાળવો. નવું શીખવું તમને ના ફક્ત સ્પર્ધામાં ઊભા રાખશે પણ તમારો વ્યક્તિગત સ્તરે પણ વિકાસ કરશે જે તમને અપડેટેડ વેપારી અને વ્યક્તિ બનાવશે.
નવાં સ્થળો જોવા છે અર્થાત નવી જગ્યાઓ એક્સપ્લોર કરવી. આને તમે નવાં શહેરોમાં તમારા પગ પેસારા સાથે સાંકળો. તમારા વ્યવસાય કે બ્રાન્ડ માટે કયાં નવાં શહેરો સાનુકૂળ છે, ત્યાંનો ગ્રાહક તમને આસાનીથી અપનાવશે, તમારા પ્રોડક્ટ સર્વિસની ત્યાં જરૂરત છે વગેરે બાબતો જાણી તમારા વ્યવસાયને વિસ્તારવા માટે કટિબદ્ધ થાવ. નવાં શહેરો સાથે તમારી હયાત કેટેગરીમાં બીજા કયા નવા પ્રોડક્ટ કે સર્વિસ તમે લાવી શકો છો, બ્રાન્ડ ઍક્સટેંશનની સંભાવનાઓ વિચારો. આમ નવા વર્ષે નવું એક્સપ્લોર કરવાની તૈયારી કરો.
પર્યાવરણ માટે કશુંક કરીશું. આને પરપઝ સાથે સરખાવો. આજે મોટી બ્રાન્ડ અને કોર્પોરેટ્સ પરપઝ અને સસ્ટેનેબિલિટી પર વધુ જોર આપે છે. આજનો ક્ધઝ્યુમર પણ પર્યાવરણલક્ષી અને સોશ્યિલ રિસ્પોન્સિબલ સિટીઝન છે. તે આવી બ્રાન્ડ અને કોર્પોરેટ્સ સાથે જોડાવામાં ગર્વ અનુભવે છે અને તેમની પાસેથી માલ ખરીદવાનું પસંદ કરે છે. આથી તમારા વ્યવસાયને કોઈક આવી સામાજિક પહેલ સાથે જોડો.
ખર્ચો ઓછો અને બચત વધુ કરીશું. આ સામાન્ય જ્ઞાન છે જે આપણને ખબર હોવા છતાં આના ચક્રવ્યૂહમાં ફસાઈયે છીએ. ઘણીવાર નફો વધુ આવતો જોઈ આપણે ન જોઈતા ખર્ચ વધારી નાખીયે છીએ અથવા અમુક ખર્ચ કરીશું તો નફો વધશે જેવી માનસિકતા પણ ધરાવીએ છીએ. જેમ કે, ઑફિસમાં જરૂરી ન હોય તેવા રાચરચીલા પાછળ ખર્ચો, જરૂરત કરતા વધારે સ્ટાફ રાખવો, પ્લાનિંગ વગરના માર્કેટિંગના ખર્ચા (માર્કેટિંગ પાછળ ખર્ચ જરૂરી છે પણ પ્લાંનિંગ સાથે હોય તે), ના જોઈતા ક્ધસલ્ટન્ટને રોકવા, વગેરે. બચત તે બીજો ભાઈ છે અને સેવિંગ્સ ઇસ અર્નિંગ તે આપણે સાંભળ્યું છે તેથી સારા અને કપરા બંને સમયમાં આ આપણને કામ લાગશે.
આમ તમારા વ્યક્તિગત સંકલ્પોને વ્યવસાયિક સંકલ્પ સાથે સાંકળો, ના ફક્ત સફળ વર્ષ માટે પણ આવનારાં વર્ષો માટે. આપણે જાણીયે છીએ કે, આરંભે શૂરા તેમ હર વર્ષે ઉત્સાહમાં આપણે આપણા સંકલ્પો પૂરા કરવા મથી પડીયે છીએ અને થોડા સમયમાં ક્યારે તે બંધ થઇ જાય છે ખબર નથી પડતી. આમ ના થાય તે માટે પોતાને કટિબદ્ધ કરો કે આજથી બધાં કામો આયોજન બદ્ધ અને નિયમિતતાથી કરીશું. આ ગુણ લાંબા સમય સુધી આપણને અને આપણા વ્યવસાયને સાચવશે જેથી તમે તમારા જીવનને તથા વ્યવસાયને ભરપૂર માણી શકશો.