પ્રાસંગિક -મુકેશ પંડ્યા
આપણે ત્યાં શ્રાવણ મહિનાની વદ સાતમે શીતળા સાતમ ઉજવાય છે તે રીતે ઉત્તર ભારતમાં ફાગણ વદ પાંચમને રંગપંચમી ઉજવાય જાય પછી જે સાતમ આવે ત્યારે શીતળા સાતમ ઉજવાય છે. બંને વ્રતોમાં પણ સામ્યતા છે.
પુત્રના લાંબા આયુષ્ય માટે શીતળામાની પૂજા-અર્ચના થાય છે. આ દિવસમાં શીતળામાને ઠંડું અને આગલા દિવસે બનાવેલું વાસી ભોજન ધરાવવામાં આવે છે. આવતી કાલે ૧૪ માર્ચે ઉત્તર ભારતમાં આ પર્વ મનાવવામાં આવશે જે બસૌડા પર્વ તરીકે પણ પ્રખ્યાત છે. (બસૌડા એટલે ઠંડું અને વાસી ભોજન કરીને ઉજવાતું વ્રત) ધાર્મિક દૃષ્ટિએ માતાજીની ભક્તિ કરવી અને પોતાના પરિવારની સુરક્ષા તેમ જ આરોગ્ય માટે પ્રાર્થના કરવી એમાં પરમ શક્તિ પ્રત્યેની આપણી આસ્થા જ કામ કરી જાય છે, પરંતુ આ વ્રત જે સમયે આવે છે તે પણ અતિ સૂચક છે. વૈજ્ઞાનિક છે. ચાલો આપણે થોડા ઊંડાં ઊતરીએ.
શ્રાવણ મહિના બાદ શરદઋતુ આવે છે જેમાં અતિશય ગરમી પડે છે તો ફાગણ મહિના બાદ પણ ઉનાળાની ગરમી શરૂ થાય છે. આ બે ગરમ ઋતુઓ શરૂ થાય એ પહેલાં જ શીતળા માતાની પૂજા અર્થાત શીતળતાને પ્રસન્ન કરવાની પ્રક્રિયા શરૂ થાય છે એ વાત સાંકેતિક નથી લાગતી?
શીતળામાતાની પૂજા કરતી વખતે તેમને જળ ચઢાવી બાકીનું જળ પોતાના મસ્તક પર અને પરિવારના સભ્યો પર પણ છાંટવાનું હોય છે જેનો ઉદેશ્ય ગરમીના દિવસો આવી રહ્યા છે તેના પહેલાં શીતળતા અર્થાત ઠંડક પ્રસરાવવાનો હોઇ શકે.
જોકે, શીતળામાતાને ઠંડું ભોજન ધરાવાય છે અને ભક્તો પણ આ દિવસે ઠંડું ખાય છે એ બાબત આપણને વિચાર કરતા મૂકી દે છે. ઠંડું ભોજન એટલે ઉષ્ણતામાનમાં ઠંડું કે પ્રકૃતિમાં ઠંડું? એ વાત ખરેખર વિચારવા
જેવી છે.
આગલી રાતે રસોઇ કરીને બીજે દિવસે ભોજન કરવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે આ ભોજન ઉષ્ણતામાનમાં ઠંડું જ હોવાનું. માત્ર ઠંડુ જ નહીં તે એક રાત પડી રહે અને બીજા દિવસે ઉપયોગમાં લેવામાં આવે એટલે વાસી પણ બની જાય છે.
હવે શ્રીકૃષ્ણે ગાયેલી ભગવદ્ગીતા જેમાં જીવન જીવવાની પૂરી પદ્ધતિ વર્ણવી છે તેમાં વાસી ભોજનનો નિષેધ છે. આગલી સાંજે બનાવેલા ભોજનને તામસી ભોજન ગણાવાયું છે. આવા સંજોગોમાં ઠંડું ભોજન એટલે પ્રકૃતિમાં ઠંડું ભોજન ખાવાનો નિર્દેશ હોઇ શકે જેથી આવનાર ગરમીના દિવસોમાં તન-મનમાં ઠંડક રહે અને પિત્તનો પ્રકોપ ન થાય.
શીતળા માતાના વ્રતમાં તેમની પૂજા-અર્ચના-આરતી પછી જે ભોગ ધરાવાય છે તે તમામ ભોજ્ય પદાર્થો પણ પિત્તનાશક છે. જેમ કે પૂરી, લાપસી, ચૂરમા, મીઠા ભાત (ઓલિયા), રબડી, પૌંઆ વગેરે વગેરે.
શીતળા માતાને જે લીમડાનો હાર પહેરાવવામાં આવે છે તે પણ સૂચક છે. આ લીમડો પણ ઠંડકનું પ્રતીક છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચૈત્ર માસના પ્રારંભે લીમડાનું પાણી પીવાનો કે લીમડાના ફૂલની ચટણી ખાવાનો રિવાજ છે જેથી આવનારી ગરમ ઋતુ સામે રક્ષણ મેળવી શકાય.
ગરમીમાં પણ શરીરની પ્રકૃતિ ઠંડી રહે. ગરમીમાં અળાઇ, ગુમડાં જેવા ચામડીના રોગ વકરે છે. શીતળા, ઓરી, અછબડા જેવા રોગોનો પ્રકોપ વધે છે.
બાળકોમાં આ પ્રકારની બીમારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે એટલે જ મહિલાઓ તેમનાં બાળકોને આવા ગરમીના રોગોથી બચાવવા શીતળામા અર્થાત્ શીતળતાને પ્રસન્ન કરવા ઠંડું ખાય એમાં લોજિક છે, પરંતુ આ ખાદ્ય પદાર્થો માત્ર ઉષ્ણતામાનમાં જ નહીં, પણ પ્રકૃતિમાંય ઠંડા હોવા જરૂરી છે.
ગરમીની પહેલાં જ આવા વ્રતો મૂકીને પૂર્વજોએ આપણને પાણી પહેલાં જ પાળ બાંધી લેવાનું સૂચન કર્યુ છે તે ખરેખર આવકારદાયક છે, પરંતુ ફક્ત અંધશ્રદ્ધા રાખીને આવા વ્રત ઉજવવાને બદલે આજના શિક્ષિત યુગમાં આંખકાન ખુલ્લા રાખીને આવા વ્રતો પાછળ રહેલા વૈજ્ઞાનિક અભિગમનો સૂક્ષ્મપણે અભ્યાસ કરીને તેને અમલમાં મૂકવાની જરૂર છે. માત્ર એક જ દિવસ નહીં, પૂરા ઉનાળા દરમ્યાન શીતળ પદાર્થો આરોગીને આપણે આ વ્રત ઉજવી શકીએ અને તન-મનને નીરોગી રાખી શકીએ તેમ છીએ.
દૂધ કે દૂધમાંથી બનતા પદાર્થ ઉષ્ણતામાનમાં ગરમ હોય તો પણ પ્રકૃતિમાં ઠંડા જ હોય છે. મીઠા ભાત ઉષ્મતામાનમાં ગરમ હોય તો પણ પ્રકૃતિમાં ઠંડા હોય છે.
ભાદરવાની ગરમીમાં ગણપતિને ધરાવાતા લાડવા-મોદક આરોગવાનો કે શ્રાદ્ધપક્ષની ઉજવણીમાં ખીર-પૂરી ખાવાનો જે રિવાજ છે તે પણ શરીર-મનને ઠંડક આપે છે.
આસો મહિનામાં શરદપૂર્ણિમાએ જે દૂધ-પૌંઆ ખાવાનો રિવાજ છે તે પણ શરીરને ઠંડક આપે છે. ટૂંકમાં ગરમી શરૂ થાય એ પહેલાં જ શીતળા માતાને પૂજવાનો જે રિવાજ છે તે આપણને યાદ અપાવે છે કે હવે શરીરની રક્ષા માટે શીતળતાને પ્રસન્ન રાખવાની છે. જેના તન-મન સ્વસ્થ હોય એ જ આત્માના કલ્યાણ અર્થે પણ આગળ વધી શકે છે.