સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
સ્થાપત્ય એ એક રીતે જોતાં વિરોધી બાબતોના સહઅસ્તિત્વની ઘટના છે. અહીં જેટલું મહત્ત્વ પ્રકાશનું છે તેટલું જ મહત્ત્વ છાયાનું છે અને આ બન્નેના સમન્વયથી પૂર્ણતા ઊભરે છે. અહીં આવનજાવનનું જે સ્થાન છે તે જ સ્થાન સ્થાયી કાર્યક્ષેત્રનું છે. સ્થાપત્યની રચનામાં જે અગત્ય દળદારાની છે તેટલી જ અગત્ય અવકાશની છે. અહીં દીવાલની અને તેમાં બનાવાયેલ બાકોરાની સમાન ભૂમિકા છે એમ કહેવાય. હવે તો આવું બાકોરું દીવાલમાં નહીં પણ મકાનમાં જ બનાવી દેવાય છે- મકાનની આરપાર નીકળતું કાણું કે જ્યાંથી પક્ષીઓ પણ પસાર થઈ શકે.
મકાનમાં બનાવાતું બાકોરું એક અનેરી ઘટના છે. સનાતની સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે અભાવની અનુભૂતિ માટે ભાવની સઘનતા જરૂરી છે. ભાવના અભાવે જ અભાવ વર્તાય. ન હોવાપણાંની પ્રતીતિ ત્યારે જ થાય કે જ્યારે તેની નજીકમાં સઘનતાપૂર્વકનું હોવાપણું હોય. દીવાલ હોય તો જ તેની વચ્ચેની બારી વર્તાય. આપણે અહીં દીવાલના નહીં પણ મકાનના બાકોરાની વાત કરીએ છીએ.
આ બાકોરું માત્ર દૃશ્ય-અનુભૂતિ માટે પણ હોઈ શકે અને ચોક્કસ ઉપયોગિતા માટે પણ. અત્યાર સુધી બનેલાં બાકોરા-યુક્ત મકાનો જોતાં એમ જણાય છે કે આવી રચના મુખ્યત્વે મકાનની દૃશ્ય-અનુભૂતિમાં નાટકિયતા લાવવા માટે જ કરાય છે. આવી રચનાથી મકાનનું દલદારપણું ઓછું થાય છે અને મકાન પ્રમાણમાં હળવું લાગે. મકાનમાં બનાવાતાં બાકોરાથી મકાનની અંદર જાણે આકાશને સમાવી લેવાય છે. આકાશનો જે આવો ટુકડો મકાનનો ભાગ બની જાય તે ઋતુ તથા સમય પ્રમાણે પોતાના રંગ-રૂપ બદલતો હોવાથી મકાનની અનુભૂતિ પણ નાટકીય રૂપે બદલાય છે. વરસાદની ઋતુમાં આ આકાશ વાદળાચ્છિદ લાગે તો ઉનાળામાં તપ્ત પણ આછા ભૂરા રંગનું સ્વચ્છ અને નિર્મળ.
મકાનની દિશા પ્રમાણે સૂર્યની ગતિ પ્રમાણે પણ આ બાકોરામાંથી દેખાતાં આકાશની અનુભૂતિ બદલાતી રહે. સવારમાં જ્યાંથી સૂર્યનાં કિરણો આવે તે બાકોરું જાણે સાંજે સૂર્યનાં કિરણોને ગળી જાય. પૂનમે તે બાકોરું ચંદ્ર માટેની ફ્રેમ બનાવે તો અમાસે તેમાં તારા ટમટમતાં હોય છે. તે રસિકતા ભરેલી ઘટના.
આવા બાકોરા ભૌમિતિક આકારનાં હોઈ શકે અને મુક્ત-આકારનાં પણ. આવા બાકોરાં મકાનની ભૌમિતિકતા મુજબનાં બનાવી શકાય અને પોતાની સ્વતંત્ર ભૌમિકતા મુજબ અલાયદી છાપ ઊભરાવતાં પણ. આવાં બાકોરાની રચનામાં કોઈ “આઘાત જેવા ભાવ પણ બનાવાયા છે અને ક્યાંક સહજપણે ઊભરેલાં પણ. આ પ્રકારનાં મકાનો જોતાં એમ પણ જણાશે કે ક્યાંક આવાં બાકોરાના અભાવ કરતાં મકાનના દળદાર અંગોનો ભાવ વધુ ધ્યાન ખેંચે તો ક્યાંક આ બાકોરા વધુ ધ્યાનાકર્ષક બને. એમ પણ જણાય છે કે જો બાકોરાનું પ્રમાણમાપ મોટું હોય તો આવા બાકોરાની આજુબાજુ બાંધકામ કરાઈ દેવાયું હોય તેમ જણાય તો જો બાકોરું પ્રમાણમાં નાનું હોય તો મકાનના બાંધકામમાં છીદ્ર પાડી દેવાયું હોય તેમ વર્તાય.
બાકોરું જો ભૌમિતિક આકારનું હોય તો તેનાથી ચોક્કસતા, દૃઢતા, સ્પષ્ટતા તથા નિયમિતતાનો ભાવ ઊભરે. આ આકાર સાથે ચોક્કસ ઉપયોગિતા પણ સંકળાયેલી હશે તેમ માનવા મન તૈયાર થાય. આવો આકાર મકાનની માળખાગત રચના સાથે પણ સંલગ્ન હશે જ એમ તરત અનુમાની લેવાય છે. ભૌમિતિક આકારની પસંદગી માટે આમ પણ પ્રશ્ર્નો ઓછા ઊભા થાય. તેની સામે મુક્ત આકારના પ્રયોજનમાં સંભાવનાઓ અપાર હોવાથી પસંદગીમાં વધારે સાવચેતી રાખવી પડે. આવા આકાર એક પ્રકારનું લચીલાપણું આણે. તેની અનુભૂતિમાં ભાવાત્મકતા વધુ જોડાય. તે સ્વતંત્ર આકાર હોવાથી મકાનની માળખાગત રચના સાથેનો તેનો સમન્વય પણ એટલો જ સહજ નથી રહેતો પણ વધુ નાટકિયતા માટે મુક્ત આકાર પ્રત્યે સ્થપતિનો ઝુકાવ વધુ જોવા મળે છે.
બાકોરું એ સ્થાપત્યની અનેરી ઘટના છે. આ વિસ્તારમાં જાણે બાંધકામ કરવાની માંડવાળ કરી દેવાય છે. મકાન એ દળ છે તો બાકોરું અવકાશ. મકાન એ સામગ્રી છે તો બાકોરું રીક્તતા. મકાન એ અસ્તિત્વ છે તો બાકોરું અભાવ છે. મકાન જો જવાબ ગણાય તો બાકોરું એ પ્રશ્ર્ન છે. મકાનને જો અતિક્રમણ કહીએ તો બાકોરું મુક્તતા છે. મકાન એ મર્યાદિત સંભાવનાનું પરિણામ છે તો બાકોરું અપાર સંભાવનાઓનું પ્રતીક. મકાન એ બંધિયારપણું આપે. સ્વતંત્રતા મકાનનો વ્યાપ સીમિત બની રહે છે તો બાકોરુંનો વ્યાપ વિસ્તૃત ગણાય. મકાન એ સમાવેશ છે તો બાકોરું ખાલીપણું. મકાનથી બાકોરાની સીમા બંધાય છે તો બાકોરું એ મકાનની સીમા મધ્યેનો વિદ્રોહ છે. મકાન એ ‘સમથીંગનેસ’ છે તો બાકોરું ‘નથીંગનેસ’. આ બધી કાવ્યમય વાતો થઈ. સાર એ છે કે બંને ભલે વિરોધી લાગે પણ બંને એકબીજાંના પૂરક છે,
અન્યથી જ પહેલાંની યથાર્થતા સચવાય છે.
મકાનની રચનામાં બનાવાતો ચોક-કોર્ટયાર્ડ એક પ્રમાણેનું બાકોરું જ છે, પણ તેને બાકોરા તરીકે “જોવું
કઠિન છે. અહીં મકાનના ઊભાપણાં જે છીદ્ર દેખાય તેની વાત છે. આ બાકોરું કંઈક હળવાશ લાવે છે તો કંઈક રાહત. તેનાથી અબાધિતતા સ્થપાય છે અને સાથે સાથે નિર્ધારિત પ્રયોજન પણ. હવા ઉજાસ માટે તે ઉપયોગી થાય જ પણ તેની સાથે આ બાકોરાને કારણે જે અંદરઅંદરનો દૃશ્ય-સંપર્ક સ્થપાય તે એક ઉત્સવીય ઘટના ગણાય.