Homeદેશ વિદેશએલએસી પર કોઈપણ અટકચાળાનો ‘યોગ્ય પ્રત્યુત્તર’ અપાશે: લેફ્ટનન્ટ જનરલ

એલએસી પર કોઈપણ અટકચાળાનો ‘યોગ્ય પ્રત્યુત્તર’ અપાશે: લેફ્ટનન્ટ જનરલ

શ્રીનગર: અહીં નોર્ધન કમાન્ડ ઈન્વેસ્ટિચર સમારોહને સંબોધતાં જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે લશ્કર લદાખમાં ચીની આક્રમણનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે અને દેશની અખંડિતતા સુનિશ્ર્ચિત કરવા ભૌતિક પેટ્રોલિંગ સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દ્વિવેદીએ એમ પણ કહ્યું હતું કે ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધે આપણને અવરોધાત્મક અને બેવડા ઉપયોગ વાળી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું મહત્ત્વ સમજાવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે એલએસી પર એકપક્ષી રીતે યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસ સામે દેશના લશ્કરનો પ્રતિસાદ પૂર્ણ સમન્વય સાથે ઝડપી અને ચોક્કસ રહ્યો છે. ભવિષ્યમાં કોઈ પણ બદઇરાદાપૂર્વકની કાર્યવાહીનો આપણા ત્રણે પાંખનાં દળો મજબૂત ઈરાદા સાથે, યોગ્ય વલણ સાથે અને પૂરેપૂરા સમન્વય સાથે પ્રતિકાર કરશે.
તેમણે કહ્યું કે રાજદ્વારી અને ઓપરેશનલ સ્તરે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની મડાગાંઠને ઉકેલવા માટેના પગલાં પણ એકસાથે ચાલી રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું કે ઉત્તરી કમાન્ડ સતત વિકસતા જોખમો અને પડકારોનો સામનો કરવા માટે તૈયારી અને મનોબળની ઉચ્ચ સ્થિતિમાં છે.
“જમ્મુ અને કાશ્મીર અને લદાખમાં ભૌગોલિક પરિસ્થિતિ ઘણા પડકારો ઊભા કરે છે, ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ સરહદો પરના વિવિધ વિરોધીઓ તરફથી. અમે રાષ્ટ્રની લોકતાંત્રિક પરંપરાઓને જાળવી રાખીને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ, તેમણે કહ્યું.
આર્મી કમાન્ડરે નોંધ્યું હતું કે માહિતી યુદ્ધ, સાયબર અને અવકાશ યુદ્ધના નવા ડોમેઈન્સ તરીકે ઉભરી આવ્યા છે. ગતિશીલ અને બિન-ગતિશીલ બંને ડોમેઈન્સમાં અસ્પષ્ટ યુદ્ધ ઝોન એ એક પડકાર છે અને અમે વ્યૂહરચના સાથે સંકળાયેલી અસ્પષ્ટતાઓને સારી રીતે અનુકૂળ થઇ ગયા છીએ, તેમણે કહ્યું.
ઊંચાઈવાળા વિસ્તારોમાં સૈનિકો અને સ્થાનિકોનું જીવન બહેતર કરવા સાત સ્તરો વાળા વિશિષ્ટ વસ્ત્રો અને પર્વતારોહણનાં સાધનોને ઘરઆંગણે વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી દેશના સૈનિકોની ક્ષમતા વધારી શકાય. ઘણી ઊંચાઈએ તૈનાત લડાયક સૈનિકોના અનુકૂલનમાં એકંદર આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્યથી વિશેષ ટ્રેનિંગ અપાઈ રહી છે.
સ્પેક્ટ્રમ માટે નેટવર્કનો પાન-ઇન્ડિયા પ્રોજેક્ટ છેલ્લા એક વર્ષમાં પૂર્ણતાને આરે છે અને અંદાજે ૫૭ ટકા પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીર અને લદાખમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.
લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ એમ પણ કહ્યું કે સેના હવે સરહદી વિસ્તારોમાં પર્યટનની સુવિધા માટે લદાખની કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર સાથે કામ કરી રહી છે. (પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular