Homeધર્મતેજજીવનમાં આવતી ચિંતા ચિંતનમાં બદલાઈ જશે, જો આપણે ભરતજીના ચરિત્રનું શ્રવણ કરીશું

જીવનમાં આવતી ચિંતા ચિંતનમાં બદલાઈ જશે, જો આપણે ભરતજીના ચરિત્રનું શ્રવણ કરીશું

માનસ મંથન -મોરારિબાપુ

આજે હું ને તમે ઉત્પાતમાં છીએ. કોઈ સીમિત ઉત્પાતમાં છે, તો કોઈ અમિત ઉત્પાતમાં છે. પોતપોતાના જીવનમાં પૂછો. આખો સંસાર, બધા ઉત્પાતમાં પડ્યા છે. ફરક એટલો છે કે કેટલાકના ઉત્પાતો સીમિત છે, કેટલાકના અમિત છે, અસીમ છે. ઉત્પાત ત્રણ પ્રકારના હોય છે –
નિજી ઉત્પાત: જે સાધનાના વિષયમાં થાય છે; સ્વયંના વિષયમાં થાય છે કે આમ કેમ ન થયું? કંઈ રુકાવટ છે? ક્યાં કાણાં છે? અમૃત કેમ નીકળી જાય છે? નિજી ઉત્પાત, સ્વનો ઉત્પાત.
પારિવારિક ઉત્પાત: બધાના જીવનમાં પારિવારિક ઉત્પાત રહે છે અને આ સંસારીઓના જીવનમાં જ સાચું છે એમ નહીં, કદી કદી સાધુઓના જીવનમાં પણ ઘટના બને છે. સંસારીઓના સાંસારિક, પારિવારિક ઉત્પાત હોય છે, તેવી રીતે મહાપુરુષોના શિષ્યવૃંદ પણ એક પરિવાર બની જાય છે, પછી એનો પણ થોડો બહુ ઉત્પાત શરૂ થઈ જાય છે, પારિવારિક ઉત્પાત.
સામાજિક ઉત્પાત: શું હું ને તમે આ ત્રણ ઉત્પાતોથી પર છીએ? તુલસીદાસજીએ મોટી કરુણા કરી, મોટું વરદાન આપી દીધું.
समन अमित उतपात सब भरतचरित जप जाग।
સંસારના સમસ્ત ઉત્પાતોનું શમન થઈ જશે, એ વરદાન આ ભૂમિના એક અવતાર ગોસ્વામી તુલસીદાસજીના આ આશીર્વાદ છે. તમારા જીવનના સમસ્ત, જેટલા હશે એટલા ઉત્પાતોનું શમન થઈ જશે, કેવી રીતે? ‘ભરત ચરિત જપ જાગ’ ભરત ચરિત્ર ગોસ્વામીજી કહે છે,यजानां जपयझोस्मि। જપ જપ છે. ભરત ચરિત્ર ગાયું, ભરત ચરિત્ર વાંચ્યું, ભરત ચરિત્ર સમજ્યા, ભરત ચરિત્ર ગુનગુનાયા, ભરત ચરિત્ર શ્રવણ કર્યું, એ બધું જપયજ્ઞ છે. હું ને તમે આ જપયજ્ઞમાં બેઠા છીએ અને આ એક એવો જપયજ્ઞ છે જે આધિ ભૌતિક, આધિ દૈવિક, કોઈ પણ પ્રકારના તાપનું શમન કરે છે. ગોસ્વામીજીનો અભિપ્રાય છે કે ભરતજીનું ચરિત્ર જપયજ્ઞ છે. તમે માળા લઈને જપ કરો, સારી વાત છે, કરવા જોઈએ, પણ જો ન કરી શકો તો સાંભળો ભરત ચરિત્ર. ભરતજીમાં અખૂટ પ્રેમ છે, જે પ્રતિક્ષણ વર્ધમાન છે. ભરતજીમાં અતૂટ પ્રેમ છે જે તૂટતો નથી અને ભરતજીમાં અલૂટ પ્રેમ છે. જો તમે બીજાને લૂટવા માગો છો તો તમે પ્રેમી નથી. પ્રેમ એને કહે છે જેમાં તમે બીજા પાસેથી લૂટાવવા
રાજી થઈ જાઓ છો. ભરતજીનો પ્રેમ અજૂઠ છે, સાચો છે.
ભરતજીનું ચરિત્ર સાંભળશો તો ઉત્પાતોનું શમન થશે. સમસ્ત ઉત્પાતોનું શમન કરવાવાળું ભરત ચરિત્ર છે. વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન અને પૂરો સામાજિક ઢાંચો ઉત્પાતથી ભરેલો છે. ઉત્પાત કોને કહે છે? ઠીક સમજજો અને વ્યાસગાદી જે કહે તેને તમારા જીવનના અનુભવમાં લેજો. ભરત ચરિત્રનું શ્રવણ કરી જો તમારા ઉત્પાતનું શમન ન થાય તો ચૂક તમારી છે. ઉત્પાત કોને
કહે છે? ઉત્પાતની જડ શું? ગલત દિશા તરફની યાત્રા.
તમે બધા ઉત્પાત કરો છો, પણ તમને ઉત્પાતની મૂળ વ્યાખ્યા શી છે એ ખબર નથી. ચિંતા ઉત્પાત નહીં, ધ્યાન આપજો. ભરતચરિત્રનાં બધાં સૂત્રો વિપરીત છે. હું કહું છું કે ગાંઠ છોડવા માટે વિપરીત ક્રિયા કરવી પડે છે. જેવી રીતે ગાંઠ બંધાઈ છે, એનાથી તદ્દન વિરુદ્ધ ક્રિયા કરવાથી ગાંઠ છૂટે છે. જીવનમાં ચિંતા આવી અને તમે એક જગ્યાએ ચિંતાને લઈ બેસી ગયા તો બની શકે છે કે એ ચિંતા કદી ચિંતનમાં બદલાઈ જશે, પણ ચિંતા આવતાં તમે ઉત્પાત મચાવી દો છો, આ કેમ થયું? આ ફલાં, આ ફલાં, આ તમારો જે ઉત્પાત, એને કૃપયા રોકો, તમારી બહુ ઊર્જા (શક્તિ) એમાં ખતમ થઈ જાય છે. તમે મનોવિજ્ઞાનનો સિદ્ધાંત સાંભળ્યો છે કે જ્યારે વ્યક્તિને સપનું આવે છે તો સપનામાં પણ બહુ શક્તિ, ઊર્જા નષ્ટ થઈ જાય છે? જાગૃતિમાં જો ઉત્પાત કરશો તો ન જાણે કેટલી ચેતના ખર્ચાઈ જશે. ચિંતા થયા પછી-ચિંતા તો મારા શિવજીને જરૂર થઈ,
मोरेहु कहे न संसय जाहीं । बिधि बिपरीत भलाई नाहीं ॥
ચિંતા તો જરૂર થઈ, પણ ઉત્પાત નથી કર્યો,
होई हि सोई राम रचि। को करि तर्क बढावै साखा॥
अस कहि लगे जपन हरिनामा। गई सती जहँ प्रभु सुखधामा ॥
ઠીક સમજજો, તમે ચિંતા કરો ત્યાં સુધી તો ચાલો, વ્યવસ્થા છે, ચિંતાને ચિંતનમાં બદલવાની. કોઈ ચિંતા આવે, સંસારીને ચિંતા રહે, ચિંતા આવે તો બેસી જાઓ.होईहि सोई राम रचि राखा। તો એ ચિંતન બનશે, પણ ચિંતામાં આપણે બહુ ક્રિયાત્મક થઈ જઈએ છીએ અને એમાંથી ઉત્પાત થાય છે, તેથી પંજાબી કવિ દિલસાહેબ કહે છે,
कर नेक अमल ओर हरको सिमर,
उत्पात न कर, उत्पात न कर ।
ए दुःख जो तुज्को मिलता है,
निज कर्मका लेखा चूकता है ।
फरियाद न कर, फरियाद न कर,
कर नेक अमल और हरको सिमर,
उत्पात न कर, उत्पात न कर ।
તમે ચિંતા કરતાં કરતાં રેલવે સ્ટેશન પર પહોંચ્યા, દોડ્યા અને ટ્રેન ચાલી ગઈ. તો ટ્રેનની પાછળ દોડવાથી ટ્રેન પકડી શકશો? હં? તમારું કર્તવ્ય છે કે સ્ટેશન પર બેસી જાઓ, બીજી ટ્રેનની પ્રતીક્ષા કરો.
ઉત્પાત ન કર, ઉત્પાત ન કર.
ચિંતા ચિંતનમાં બદલાઈ શકે છે, જો તમે સત્સંગને ઠીક રીતે પચાવી શકો, પણ ઉત્પાત કર્યો તો સંતાપ વગર તમને કંઈ નથી મળવાનું. બીજી વાત, તમને ચિંતા કેવી રીતે થાય છે? બીજાનું સારું-ખરાબ યાદ કરીને, ફલાણાએ અમને એ કહ્યું હતું, એ કહ્યું હતું, એનું સ્મરણ કરવાથી ચિંતા થાય છે. જો તમે ઈચ્છો, એ યાદ કરીને દોડધામ શરૂ કરી દો કે આ કરો, આ કરો તો પછી ઉત્પાત થઈ જશે. ત્યાંના ત્યાં જ બેસી જશો તો એ સ્મૃતિ બની શકે છે કે તમારા જીવનના કેટલાયે પડદા ખોલી શકે છે. ઉત્પાત ‘રામચરિતમાનસ’માં મધુર શબ્દ છે.
‘સમન અમિત ઉતપાત સબ ભરત ચરિત
જપ જાગ’ તો ભરતચરિત્ર ઉત્પાતોનું શમન કરવાવાળું છે.
– સંકલન : જયદેવ માંકડ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular