કાસ્ટિંગ કાઉચને કારણે અનુપમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કહેવું પડ્યું હતું ટાટા બાય બાય, સંઘર્ષના દિવસોને યાદ કરી રહી છે રૂપાલી ગાંગૂલી

ફિલ્મી ફંડા

ટીવી ઈન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી અનુપમા સિરિયલથી ઘણી ફેમસ થઈ ગઈ છે. તેની સિરિયલ અને તેના પાત્રને દેશ વિદેશમાં પસંદ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો તેના અંગત જીવન વિશે પણ જાણવા માગે છે. તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયરને લઈને મોટો ખુલાસો કર્યો હતો.
રૂપાલી ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે. જોકે કાસ્ટિંગ કાઉચને કારણે તેનું ફિલ્મોમાં કામ કરવાનું સપનું ચકનાચુર થઈ ગયું હતું. રૂપાલીએ આ અંગે જણાવ્યું હતું કે, મારા પિતાને મેં વચન આપ્યું હતું કે હું મારી પ્રતિષ્ઠા સાથે ક્યારેય બાંધછોડ નહીં કરું. આ વચનને કારણે તેમણે મને હિરોઈન બનવાની મંજૂરી આપી હતી અને કાસ્ટિંગ કાઉચને કારણે મેં ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે તેનું ચલણ હતું એટલે તેનાથી ડીલ કરવું અશક્ય જેવું જ હતું. પિતાની ફિલ્મો ફ્લોપ થતાં મારો સંઘર્ષ વધુ કપરો બની રહ્યો હતો. પરિવારનું ભરણપોષણ કરવા માટે મેં વેટ્રેસ તરીકે પણ કામ કર્યું હતું. એક કલાકના 180 રૂપિયા મળતા હતાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આટલા પૈસા પણ વધુ લાગતા હતાં. જોકે, મેં મારા જીવનના ખરાબ સમયમાં હિમ્મત નહોતી હારી. મેં નાટકોમાં કામ કર્યું, બુટિકમાં પણ કામ કર્યું.
ટીવી ઓડિશન વિશે વાત કરતાં રૂપાલીએ જણાવ્યું હતું કે, ટીવી શો માટે જ્યારે મેં પહેલી વાર ઓડિશન આપ્યું ત્યારે એ શોના પ્રોડ્યુસર રાજન શાહી જ હતાં. એ વખતે હું વરલીથી અંધેરી ઓડિશન આપવા માટે ચાલતી ગઈ હતી, કારણ કે મારી પાસે ટિકિટ ખરીદવાના પણ પૈસા નહોતા. થાકને કારણે મેં ઓડિશનમાં ઘણી ભૂલો કરી હતી. મને ખબર પડી કે 1999માં આવેલી સિરિયલ દિલ હૈ કી માનતા નહીં માં ડબલ રોલ છે તો હું ઉત્સાહમાં આવી ગઈ અને રાજન શાહીને એક તક આપવા માટેની વિનંતી કરી. તો તેમણે મને બીજા દિવસે આવવાનું કહ્યું. ત્યારે મેં જુહુથી બસ લીધી અને પછી ઓડિશન આપ્યું હતું. તેમણે મારી પાસેથી છ સીનના ઓડિશન લીધા હતાં અને ત્યારબાદ મારી ટીવી શોની જર્ની શરૂ થઈ હતી.
રૂપાલી ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં ‘સાહેબ’ ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે. રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર તથા સ્ક્રીનરાઇટર હતા. રૂપાલીનો ભાઈ વિજય ગાંગુલી એક્ટર તથા પ્રોડ્યૂસર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.