Homeઆપણું ગુજરાતગાયના ગોબરમાંથી કચ્છમાં બનેલી એન્ટી રેડિયેશન મોબાઈલ ચિપને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ

ગાયના ગોબરમાંથી કચ્છમાં બનેલી એન્ટી રેડિયેશન મોબાઈલ ચિપને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ

ગત ઓક્ટોબર ૨૦૨૦માં રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA)ના અધ્યક્ષ વલ્લભભાઈ કથીરિયાએ ગાયના છાણમાંથી બનેલી રેડિએશન ઘટાડતી “ચિપ” કે જેને દેશી ભાષામાં ‘ગૌસત્વ કવચ’ તરીકે ઓળખવામાં આવે છે તેના અનાવરણ કરતી વખતે કરેલા દાવાઓને જે-તે સમયે કેટલાક બુદ્ધિજીવીઓએ હસવામાં કાઢી નાખ્યા હતા જો કે બે વર્ષના વૈજ્ઞાનિક સંશોધનો બાદ આખરે આ દેશી ગાયના ગોબરમાંથી બનતી મોબાઇલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ મળી જતાં ગૌસેવકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ભારતીય નસલની ગાયોના ગોબરમાં હકારાત્મક ઊર્જાનો ભંડાર છે અને તેમાંથી બનાવામાં આવેલી આ ચિપ મોબાઈલ ફોન, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ માંથી નીકળતા નુક્સાનકારક રેડિએશન સામે રક્ષણ આપી, હકારાત્મક ઉર્જા શરીરને આપતી હોવાના દાવાને સાચો સાબિત કરવા માટે ભુજ તાલુકાના કુકમા ગામે આવેલી ગૌ-વિજ્ઞાન માટે સમર્પિત સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૬માં ભારતમાં સંભવત: પ્રથમવાર ગોબર એન્ટી રેડિયેશન ચિપ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ ઓર્ગેનિક ચીપના ઉત્પાદન માટે પેટન્ટ પણ ફાઇલ કરી હતી. છ વર્ષ સુધી આ ચિપની બેલાસ્ટીક ગેલવેનોમીટર પર ચકાસણી કરવા ૧૦ લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતું.
લાંબી રાહ જોયા બાદ આખરે કપરી કસોટીમાં પાર પડતાં ગાયના વિજ્ઞાનને `કાઉડન્ગ બેઝ્ડ રેડિયેશન અને એનર્જી માસ્કીંગ ચિપ્સ’ના નામે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી ગઈ છે.
કચ્છમાં ઇકો ટુરિઝમને વેગવંતુ બનાવવાના બે દાયકાથી પ્રયાસો કરનારા રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાયના વિષયનો ધીરે ધીરે સ્વીકાર થવા લાગ્યો છે ત્યારે હકારાત્મક ઉર્જા વધારતી ગોબર ચિપ્સને સરકારી પેટન્ટ મળતાં તેને વૈશ્વિક ઓળખ મળી છે.

રામકૃષ્ણ ટ્રસ્ટનું સંકુલ

ઉલ્લેખનીય છે કે, કુકમા સ્થિત સંસ્થામાં દેશી ગાયના પંચગવ્યમાંથી ૧૦૦ કરતાં પણ વધારે પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે જેમાં મુખ્યત્વે ગૌધુલી ધૂપ, કોડિયાં, હવન સામગ્રી, નાની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આવી વસ્તુઓ બનાવવા માટે નિ:શુલ્ક તાલીમ પણ અપાય છે જેનો લાભ સેંકડો યુવાનો લઇ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

RELATED ARTICLES

Most Popular