Homeઉત્સવપક્ષીઓનું અનેરું વિશ્ર્વ રામસર સાઈટ: વઢવાણા પક્ષી અભયારણ્ય

પક્ષીઓનું અનેરું વિશ્ર્વ રામસર સાઈટ: વઢવાણા પક્ષી અભયારણ્ય

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ગુજરાત રાજ્ય કુદરતનાં અખૂટ ખજાનાઓથી ભરપૂર છે અને એ વાતથી આપણે સહુ કોઈ વાકેફ છીએ. વિશાળ જંગલો, વિશાળ દરિયા કિનારો, ખુલ્લાં ઘાસનાં મેદાનો, અફાટ રણપ્રદેશ જેવા અલગ અલગ કુદરતી પ્રદેશો અહીં આવેલા છે અને કુદરતી વન્યજીવો અહીં મુક્તપણે મહાલતા જોવા મળે છે. ગુજરાતનાં ઘણાં પ્રદેશો એવા છે જે આંતરરાષ્ટ્રીય ફલક પર નામના ધરાવે છે અને અહીં દેશ વિદેશથી લોકો પ્રકૃતિને મહાલતા જોવા અને કેમેરામાં કંડારવા માટે આવે છે.
વડોદરા નજીક આવેલા ડભોઇ પાસે સ્થિત વઢવાણા પક્ષી અભયારણ્ય આવું જ એક આંતરરાષ્ટ્રીય ફલક પાર નામના ધરાવતું સ્થળ છે. સદીઓથી આ વિસ્તાર દેશ વિદેશનાં પક્ષીઓમાં માનીતો છે. અહીં દેશ વિદેશનાં પક્ષીઓ શિયાળો વિતાવવા માટે અવારનવાર આવે છે અને શિયાળો પૂરો થતા જ ફરી પોતાનાં વતન પરત ફરે છે. તાજેતરમાં જ ભારત દેશમાંથી ચાર અલગ અલગ સાઇટ્સને રામસર સાઇટ્સમાં સમાવવામાં આવી જેમાંથી બે સાઈટ ગુજરાતની વઢવાણા પક્ષી અભયારણ્ય અને થોળ પક્ષી અભયારણ્ય છે. રામસરમાં સમાવેશ થનાર સાઈટ ગુજરાતમાં હોય એ ખૂબ જ વિશિષ્ટ સિદ્ધિ સમાન ગણી શકાય. રામસર એટલે ઈરાનમાં આવેલ એક વિશાળ કુદરતી સરોવર. ૧૯૭૧માં યુનેસ્કો દ્વારા વિશ્ર્વભરમાં આવેલા કુદરતી સરોવરો કે જે પક્ષીઓ અને અન્ય છીછરાં પાણી પર આધાર રાખનાર જીવસૃષ્ટિ માટે ઈરાનમાં આવેલા રામસર સાઈટનાં માપદંડ અનુસાર ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા અને એની જાળવણી માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા જે રામસર સાઈટ તરીકે ઓળખાશે ઓળખવામાં આવશે. ભારત દેશમાં કુલ ૪૨ જેટલી રામસર સાઈટ આવેલી છે અને એની જાળવણી યુનેસ્કોની દેખરેખ હેઠળ જે તે રાજ્યનાં વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.
વઢવાણા તાજેતરમાં જ રામસર સાઇટનાં લિસ્ટમાં શામેલ થતા વિશ્ર્વભરનાં પક્ષીવિદ્ોની નજરમાં આવી ગયું. મધ્ય એશિયા માઈગ્રેશન ફ્લાય વે રૂટનો ઉપયોગ કરીને યુરોપિયન અને એશિયન દેશોમાંથી આશરે ૮૦ જેટલી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ અહીં દર વર્ષે શિયાળો વિતાવવા માટે ઓક્ટોબરથી જ આવી જાય છે. જેમ જેમ શિયાળાની શરૂઆત થતી જાય એમ એમ વઢવાણા વિસ્તાર પક્ષીઓના કલરવથી અને આખું આકાશ કતારબંધ ઉડતા પક્ષીઓની હારમાળાથી સર્જાઈ જતું જોવા મળે છે. પ્રવાસ આપણે કરી જાણીએ છીએ પણ પક્ષીઓથી મોટું કોઈ પ્રવાસી જીવ નથી. આપણે માત્ર વિવિધ વિશ્ર્વને જોવા અને માણવા માટે પ્રવાસ કરીએ છીએ પણ પક્ષીઓ તો પોતાનાં જીવનને ટકાવી રાખવાનાં સંઘર્ષનાં ભાગ રૂપે પ્રવાસ કરે છે. કેટલાક પક્ષીઓ સાઇબિરિયા પ્રાંતમાંથી, તો કેટલાક રશિયાની ઓબ નદીનાં ઠંડા વિસ્તારમાંથી, કેટલાંક જાપાન વિસ્તારમાંથી તો કેટલાક હિમાલયનાં અતિ ઠંડાગાર સરોવરોમાંથી પોતાનાં બચ્ચાંઓને લઈને ખૂબ જ ઊંચી અને લાંબી મુસાફરી માટે ઉડાન ભરીને ગુજરાતનાં અલગ અલગ સરોવરોને સંઘર્ષના ભાગ રૂપે જીવનનો થોડા સમય માટે હિસ્સો બનાવે છે. વઢવાણામાં હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંજોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ વગેરે અહીંયા ગમતું અને સુરક્ષિત વિશ્ર્વ મેળવી લે છે.
વઢવાણા માટે પક્ષી અભ્યાસનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનાં
સાડા છ વાગ્યાનો છે. વડોદરાથી માત્ર દોઢેક કલાકની સફર પછી વઢવાણા પહોંચી શકાય છે. અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નાનકડી ચોકી છે જ્યાં સંપૂર્ણ માર્ગદર્શન પણ મળી રહે છે. કુદરતનાં માહોલમાં રત થઇ જવાય એવા ડલ રંગોનાં કપડાં જેવા કે ઓલિવ ગ્રીન વગેરે પહેરીને પક્ષી દર્શનનો લાભ લઇ શકાય. વઢવાણા સરોવરને સંપૂર્ણ પણે શાંતિથી જોવા માટે આશરે પાંચથી છ કલાકનો સમય જોઈશે જ. અહીં એક વોચ ટાવર છે જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતા પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે. અહીંના મુખ્ય ચેક લિસ્ટમાં રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, બાર હેડેડ ગીઝ, હેરિયર્સ, હવામાં કરતબો કરતું બ્લુ ટેઇલ્ડ બી ઇટર, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતા પેલીક્ધસ, પાણીમાં ચાંચ ડુબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઉડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતા વેંત જ સિસોટી મારતું લેસર વિસલિંગ ડક વગેરે વિવિધતમ સુંદર પક્ષીઓ અહીં માત્ર થોડા જ કલાકોમાં જોઈ શકાય. પંદરમી ઓક્ટોબરથી લઈ ને છેક ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી અહીં વિવિધ પક્ષીઓ જોઈ શકાય છે. સાથે દૂરબીન હશે તો સોને પે સુહાગા. બાળકોને નેશનલ જ્યોગ્રાફિક ચેનલનો અદ્દલ સાચો અનુભવ પ્રકૃતિ વિશ્વમાં વિહરીને જ આપી શકાય. અહીં તેઓ દેશમાં આવતા વિદેશી મહેમાનોથી માહિતગાર થશે અને વન્યસૃષ્ટિ તથા પ્રકૃતિ પ્રત્યે સંવેદના આપોઆપ જાગશે. માત્ર બાળકો જ નહિ પણ મોટેરાઓ પણ પક્ષી દર્શનનો શોખ આ રીતે જ કેળવી શકે છે. પક્ષીઓનાં મુક્ત વિશ્ર્વમાં એક વાર ડૂબકી લગાવ્યા પછી આ વિશ્ર્વને જાણવાની જિજ્ઞાસા આપોઆપ સહુને પક્ષી અભયારણ્ય ક્ષેત્રોમાં ખેંચી જશે જ.
કોઈ પણ સ્થળે પક્ષી દર્શન માટે જઈએ એટલે શોરબકોરને બાજુ પર મૂકીને ક્ષણભર માટે પ્રકૃતિએ ખુલ્લા મુકેલા ખજાનાને નિહાળીને સાંભળીએ. અહીં વિવિધ પક્ષીઓનાં મધુર કોલ્સ સાંભળવા મળશે જે તમને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી મુકશે. અહીં વિવિધ પક્ષીઓ બ્રીડિંગ માટે પ્રયત્નો કરતા દેખાશે તો વળી અમુક પક્ષીઓ પોતાના બચ્ચાંઓને સંઘર્ષનાં વિવિધ પાઠ ભણાવતા જોવા મળશે. ક્યાંય પણ પક્ષી દર્શન માટે જઈએ તો અમુક બાબતોનું ખૂબ જ ધ્યાન રાખીએ જેથી અજાણતાં પણ આપણે કુદરતની કડીમાં વિક્ષેપ ન બનીએ કે નિર્દોષ પક્ષીઓનાં જીવનમાં દખલ કરવાનું કારણ ના બનીએ. સામાન્ય રીતે લોકો જીવદયાનાં નામ પર પક્ષીઓને કંઈક ને કંઈક ખાવાનું આપતા હોય છે જે સંપૂર્ણ રીતે ખોટું છે. વિદેશી પક્ષીઓનું પાચનતંત્ર માણસ માટે બનાવેલા ખોરાકને પચાવી શકવા સક્ષમ નથી હોતું અને આપણો ખોરાક પણ તેઓને પોષણ આપી શકે એટલો પૌષ્ટિક નથી હોતો. તેઓ કુદરતનાં સંઘર્ષ સામે ટકી રહે એ રીતે જ ઘડાયેલા હોય છે અને તેઓની શિકાર કરવાની ક્ષમતા પણ એ રીતે જ કેળવાયેલી હોય છે જેને આપણે ખોરાંક આપીને મૂળભૂત શિકાર પદ્ધતિને ગેરમાર્ગે દોરીએ છીએ જે આપણે ન કરવું જોઈએ અને કોઈ કરતુ હોય તો પણ રોકવું જોઈએ. કોઈ પણ પ્રકારનાં ખાદ્ય પ્રદાર્થો આપીને આવા પક્ષીઓને આપણે પાંગળા બનાવી દઈએ છીએ અને જાણે અજાણે તેઓ સાથે અન્યાય કરીએ છીએ જે ન કરીને આપણે પક્ષીઓનાં વિશ્ર્વને આવકારવું જોઈએ અને તેઓને કુદરતી રીતે જ વિકસવા માટેનું વાતાવરણ પૂરું પાડીએ એટલે આપણે પર્યાવરણ માટે કંઈક સારા પગલાં ભર્યા ચોક્કસ ગણાશે જ. આ સિવાય પ્લાસ્ટિક કે કોઈ પણ જાતનાં માનવસર્જિત પદાર્થથી કુદરતી સ્ત્રોતોને પ્રદૂષિત ના કરવા જોઈએ. કુદરતને આ રીતે આપણે હાથ આપીશું તો કુદરત ચોક્કસપણે આપણને કંઈક વિશેષ જ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular