Ahmedabad: જુલાઈ મહિનામાં ગુજરતને ધમરોળ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બંધાશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના બધા જ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદને પગેલ રાજ્યના ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેનાથી પીવાના અને ખેતી માટેના પાણીની ચિંતા ટળી છે. 55 જળાશયો હાઈએલર્ટ પર છે. નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી ગઈ છે.
વરસાદે વિરામ લીધા બાદ રાજ્યભરમાં ગરમીનો પારો ફરીથી ઉપર ચડી રહ્યો છે જેણે કારણે લોકો બફારોનો અનુભવ કરી રહ્યા છે. હવે વરસાદની સિસ્ટમ ફરી બંધાઈ રહી છે. રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ હતું. શહેરમાં અમુક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ વરસતા બફારામાંથી લોકોને રાહત મળી હતી. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં પડી શકે છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 70.07 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા, સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 56.86 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં હાલમાં 90થી 100 ટકા ભરાયેલા 55 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 6 ડેમ એલર્ટ પર છે. જ્યારે 18 ડેમમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો હોવાથી વોર્નિંગ પર છે. તે ઉપરાંત 127 ડેમમાં 70 ટકા જેટલો પાણીનો જથ્થો છે. રાજ્યના જળાશયોમાં હાલ 66.87% પાણીનો જથ્થો છે. નર્મદા ડેમની સપાટી હાલમાં 131.73 મીટર પહોંચી ગઈ છે.
