ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 5 દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: જુલાઈ મહિનામાં ગુજરાતને ધમરોળ્યા(Gujarat Rain) બાદ મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદની સિસ્ટમ ફરી સક્રિય બની છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તંત્ર દ્વરા માછીમારોને 8 અને 9 ઓગષ્ટના રોજ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 177 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં 5 ઈંચ અને સાબરકાંઠાના વડાલીમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચાલુ સીઝનમાં અત્યાર સુધી રાજ્ય ભરમાં સરેરાશ 24 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. જેમાં કચ્છમાં 21 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ, મધ્ય ગુજરાતમાં 20 ઈંચ, સૌરાષ્ટ્રમાં 18 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 50 ઈંચ વરસાદ નોંધાયો છે.
નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સપાટી જાળવી રાખવા માટે આવક કરતા વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ પાણીની આવક 24,124 ક્યુસેક છે, જ્યારે જાવક 44,462 ક્યુસેક છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.40 મીટરે છે. એક દિવસમાં નર્મદા ડેમની જળ સપાટી 10 સેમી વધી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.