અમદાવાદમાં વરસાદનો બીજો રાઉન્ડ: એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો, રસ્તા પર પાણી ભરાયા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: આજે સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ(Rain) જામ્યો હતો. જે બાદ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં વિવિધ વિસ્તારમાં એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
શહેરના ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાલડી, વાસણા, વેજલપુર, શાહપુર, દરિયાપુર, શાહીબાગ, મેમકો, સરસપુર, મણિનગર, બોડકદેવ, સાયન્સ સીટી, વસ્ત્રાપુર, ઓઢવ, વિરાટનગર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના પગલે શહેર DEO એ આદેશ આપ્યો કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેક બુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવો. હજુ વરસાદની આગાહી હોવાથી ઘણી શાળાઓએ વિદ્યાથીઓ રજા આપી દીધી છે. સવારે કામકાજ માટે નીકળેલા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં વરસાદના કારણે ચામુંડા બ્રિજથી સરસપુર સુધી ભરાયેલા પાણીમાં ફીણ પણ જોવા મળ્યું હતું.  સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બાજુમાં આવેલ અરવિંદ મીલમાંથી  કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે જેના કારણે  સ્થાનિકોને ચામડીના રોગ પણ થાય છે.કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.

“>

વહેલી સવારથી મુશળધાર વરસાદને પગલે પોલીસનો મોન્સુનનો પ્લાન સક્રિય કરી દેવાયો છે. પોલીસ કમિશ્નરે તમામ અધિકારી કર્મચારીઓને સ્ટેન્ડ ટુમાં રહેવા આદેશ કર્યો છે. તમામ PI, ACP, DCP (ટ્રાફિક વિભાગ) સહીતના પોલીસ જવાનોને જાહેર જનતાને સહાય પૂરી પાડવા માટે તેમના સંબંધિત વિસ્તારોમાં સક્રિયપણે હાજર રહેવા સૂચન કર્યુ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ સાથે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે, 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદને પગલે રાજ્યના 50 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ આપવામાં આવ્યા છે, 50 પૈકી 27 ડેમ હાઈ એલર્ટ પર છે, 12 ડેમ એલર્ટ અને 11 ડેમ પર વોર્નિંગ આપવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.