આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પર હુમલા થવાની ઘટનાઓ સતત વધી રહી છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના બની છે. જોહાનિસબર્ગમાં રહેતા મૂળ જંબુસરના જુબેર પટેલ નામના યુવાનની લૂંટના ઈરાદે આવેલા નીગ્રોએ ગોળી મારીને હત્યા કરી હતી. હાલ આ અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. સમાચાર મળતાં જ જંબુસર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બનાવની માહિતી મુજબ જંબુસરનો રહેવાસી જુબેર પટેલ નામનો યુવાન રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્થાયી થયો હતો. જ્યાં તે એક મોબાઈલ શોપમાં નોકરી કરતો હતો. સોમવારે નિગ્રો લૂંટના ઇરાદાથી શોપમાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે દુકાનદાર અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. નિગ્રો હથિયારો સાથે આવી પહોંચતાં નાસભાગ મચી હતી, જેના કારણે નિગ્રોએ ગોળીબાર કર્યો હતો.
આ ગોળીબારમાં જુબેરને ગોળી વાગતા ત્યાં જ ઢાળી પડ્યો હતો. જુબેર હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. દીકરાના મોતના સમાચાર મળતાં જ જંબુસર ગામ અને જુબેરના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પર સતત થઈ રહેલા હુમલાને પગલે ભારતમાં રહેતા સ્વજનો ચિંતિત બન્યા છે.