ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો, આ બે દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ કેસરિયો ખેસ પહેરશે

આપણું ગુજરાત

Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ AAP અને ભાજપ પ્રચાર અને સંગઠન મજબૂત કરવાની કામગીરી પુરજોશમાં કરી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દિવસેને દિવસે ભાંગી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ બે દિગ્ગજ નેતા કોંગ્રેસનો સાથ છોડવા જઈ રહ્યા છે. પૂર્વ ગૃહપ્રધાન નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર 17મી ઓગસ્ટે અધિકારીક રીતે ભાજપા જોડાશે.
નરેશ રાવલ અને રાજુ પરમાર બંને અહેમદ પટેલ જૂથના છે. બંને નેતાઓ ઘણા સમયથી પક્ષથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે. આગામી બે દિવસમાં તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે ત્યાર બાદ 17મી ઓગસ્ટના રોજ ભાજપનો કેસરિયો ખેસ પહેરશે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં 60 જેટલા કોંગ્રેસી નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે. 2017ની ચૂંટણમાં કોંગ્રેસથી ચૂંટાયેલા 15 વિધાનસભ્યો ભાજપમાં જોડાયા છે. 2019માં થયેલી રાજ્યસભા ચૂંટણી પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામું આપ્યું, જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નથી.
થોડા દિવસ પહેલા સોમનાથમાં યોજેલી પત્રકાર પરિષદમાં રઘુ શર્માએ પોતાના વિધાનસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી. રઘુ શર્માએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે તેની મને ખબર છે. જે લોકો જીતી શકે તેમ નથી તે પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે? મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે તેની વિગતો મારી પાસે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.