શિવજીની પૂજામાં નાગનું અનેરું મહત્ત્વ

સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી – મુકેશ પંડ્યા

આજે શ્રાવણ વદ પાંચમને નાગપંચમીનો દિવસ. શંકર ભગવાન તેને મિત્રની માફક ગળે લગાડે છે એટલે તેમને નાગેન્દ્રહારાય તરીકે પણ નવાજવામાં આવે છે. શિવપંચાક્ષર સ્તોત્રમની પ્રથમ પંક્તિ જ નાગેન્દ્રહારાય શબ્દથી શરૂ થાય છે.
‘નાગેન્દ્રહારાય ત્રિલોચનાય, ભસ્માંગરાય મહેશ્ર્વરાય,
નિત્યાય શુદ્ધાય દિગંબરાય, તસ્મૈ નકારાય નમ:શિવાય!’
શિવજી ગળાની ફરતે હારની માફક નાગને વીંટાળે છે એટલે નાગેન્દ્રહારાય કહેવાયા. આજે અનેક ભક્તો ભગવાન શંકરની સાથે નાગને પૂજશે. નાગને એક દેવતા તરીકે સ્થાન મળ્યું તે યોગ્ય જ છે. જેમ શિવશંકરને પ્રિય એવા નંદી (બળદ) કૃષિપ્રધાન દેશમાં અનાજ ઉગાડવા મદદરૂપ બને છે, તેમ તેમને પ્રિય એવા સર્પ પણ ખેતરમાં ઉગેલા અનાજનું રક્ષણ કરવા સહાયરૂપ બને છે. ખેતરમાં પાક લહેરાતો હોય ત્યારે ઉંદરોની વસતિ વધી જાય તો બધો જ પાક સાફ કરી નાખે. આ ઉંદરોની વસતિને નિયંત્રિત રાખે છે આપણા નાગદેવતા. ખેતરમાં દર બનાવીને રહેતા નાગ ઉંદરને પોતાનો ખોરાક બનાવી ખેતરનું રક્ષણ કરે છે એટલે જ તેમને ખેતરપાળ અર્થાત્ ક્ષેત્રપાળ પણ કહેવાય છે. જૈનધર્મીઓમાં પણ નાગદેવતા આદરને પાત્ર છે.
આજે લોકો ભગવાનના નાગેન્દ્રરૂપની પૂજા કરશે. નાગનો આદર સત્કાર કરશે પણ શું રોજ આપણે નાગને ભગવાનરૂપે જોઇએ છીએ. જો ઘરમાં સાપ દેખાય તો તેને મારી ન નાંખીએ ત્યાં સુધી જંપ વળતો નથી.
યશસિંહ નામના એક પર્યાવરણવાદી અને વાઇલ્ડ ફોટોગ્રાફર કહે છે કે જો નાગને તમે છંછેડો નહીં અને મારવા ન દોડો તો તમને કશું નુકસાન નથી કરતો. તેને એકલો છોડી દો તો એ કંઇ નથી કરતો, પરંતુ તેને મારવા જાવ તો એ સ્વરક્ષણ માટે હુમલો કરી શકે છે. જો નાગ દેખાય તો તેમને મારી ન નાખતાં, નાગ પકડનારાઓને ફોન કરીને બોલાવી લેવા જોઇએ. તેઓ તેમને પકડીને નજીકના જંગલમાં કે ખેતરમાં છોડી દેશે.
જેમ નાગ માટે ઉંદર ખોરાક છે તેમ નાગ પણ ગરુડ જેવા અનેક જીવોનો ખોરાક છે. તેને કારણે નાગની વસતિ પણ આપોઆપ નિયંત્રણમાં રહે છે. સૃષ્ટિમાં કોઇ પ્રાણી નકામું નથી. દરેક જીવની વસતિ પોષણ પામતી રહે અને દરેક જીવની વસતિ નિયંત્રણમાં પણ રહે તે માટે કુદરતે કરેલી આ સુંદર ગોઠવણ છે. આ રીતની ગોઠવણથી આપણું પર્યાવરણ પણ સમતોલ રહે છે.ખેતીવાડી પણ ફૂલેફાલે છે.
આજે આપણે નાગેન્દ્રહારાયની પૂજા કરીએ છીએ ત્યારે એક વાત યાદ રાખવી પડે કે ભારતની વધતી જતી વસતિને પૂરતો આહાર આપવા ખેતરોનું સંરક્ષણ જરૂરી છે. આજે માણસ વસતિ પર કાબૂ રાખવા તૈયાર નથી. વસતિ નિયંત્રણ ધારાનો વિરોધ કરે છે. ખેતરોને નોન એગ્રીકલ્ચર જમીન બનાવીને તેમાં મકાનો બનાવી રહ્યો છે.
અલ્યા, સાપ રહેતા હતા એ ઘરો (ખેતરો)માં માણસ ઘૂસી ગયો. ઘર બનાવીને રહેવા લાગ્યો. પછી સાપ ઘરે ઘૂસી જાય તો કહે કે સાપ અમારા ઘરમાં ઘૂસી ગયો. આડેધડ નોન એગ્રિકલ્ચર જમીનો પાસ કરાવીને સાપના ક્ષેત્રમાં તો આપણે ઘૂસી ગયા છીએ અને હવે બૂમો મારીએ છીએ કે સાપ આપણા ઘરમાં ઘૂસી જાય છે. પહેલાના સમયમાં બે ગામે વચ્ચે નદી, સીમ-ખેતરો અને જંગલો રાખવામાં આવતા. પર્યાવરણ જળવાતું હતું. ખેતરના અને જંગલના જીવોને તેમના ક્ષેત્રોમાં જ ખોરાક મળી જતો. આજે માણસે બે ગામ વચ્ચેની નદીઓને નાળાં બનાવી દીધાં. જંગલો અને ખેતરોમાં આપણે મકાન બાંધવા લાગ્યાં.
ગામ સંસ્કૃતિને નષ્ટ કરીને શહેરીકરણ તો કર્યું, પરંતુ શું આ જ ખરેખરો વિકાસ છે? કે શહેરોની સાથે ગામડાં, ખેતરો અને જંગલો અને પૂરું પર્યાવરણ વિકસતું રહે એ સાચો વિકાસ છે તે પ્રશ્ર્ન ભગવાન નાગેન્દ્રહારાયની પૂજા કરતી વખતે આપણે આપણા આત્માને પૂછવાની જરૂર છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.