અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રન: કર્ણાવતી ક્લબ પાસે થાર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બે યુવાનોના મોત, કારમાં સવાર યુવાનો ફરાર

આપણું ગુજરાત

અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને એસ.જી.હાઇવે પર અકસ્માતોની સંખ્યા ગંભીર રીતે વધી રહી છે. ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણાતા શહેરના કર્ણાવતી કલબ નજીક વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત કરીને કારમાં સવાર યુવાનો નાસી છૂટ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, આંબલી ગામનો રહેવાસી સુરેશ ઠાકોર અને ઘુમા ગામનો રહેવાસી સારંગ કોઠારી સરખેજ સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. નોકરી પત્યા બાદ બંને એક બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે કર્ણાવતી ક્લબની બાજુમાંથી એસપી રીગરોડ તરફ જવાના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બેફામ ગતિએ રોંગ સાઈડમાં આવતી થાર કારે બાઈકને અડફેટે લેતા બંને મિત્રો ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજા પહોંચતા બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ અકસ્માતની જાણ થતાં જ આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ ગાડીમાં તોડફોડ કરી હતી. અકસ્માત બાદ કારમાં સવાર યુવકો ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે, આ કારમાં સવાર યુવકો નંબર પ્લેટ પણ ઉખાડીને લઈ ગયા છે. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.