વડોદરાથી કેજરીવાલની વધુ એક ગેરંટી, ‘AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે બપોરે તેઓ વડોદરા પહોંચ્યા હતા. તેમણે વિરોધપ્રદર્શન કરી રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓને વચન આપ્યું હતું કે, ‘જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.’
નોંધનીય છે કે જૂની પેન્શન યોજના અને પગાર વધારાને લઈને છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત સરકારના કર્મચારીઓ ગાંધીનગરમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘હું ગેરંટી આપું છું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું. ગઇકાલે પંજાબના મુખ્યપ્રધાનએ પણ જૂની પેન્શન યોજના અમલી બનાવવા કામગીરી શરૂ કરી દીધી છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણીમાં જિતાડવા કે હરાવવા માટે એ રાજ્યના સરકારી કર્મચારીઓ મોટી ભૂમિકા ભજવે છે. હવે ગુજરાત સરકારને અહંકાર આવી ગયો છે, હવે આ સરકારની હટાવવી જરૂરી છે. અમે તમારી પાસે એક જ મોકો માગીએ છીએ.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ મને અપશબ્દો કહે છે. બંનેની ભાષા પણ એક જ છે. મારો વાંક શું છે? હું ગુજરાતની મોંઘવારી દૂર કરવાની વાત કરું છું. હું શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ મફત આપવા માગું છું. અમે ગુજરાતના લોકોની ભલાઇની વાત કરીએ છીએ. હવે બંને પક્ષ મારી સામે મોટા નેતાઓ ઉતારશે.
કેજરીવાલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. આ અંગે તેમને કહ્યું કે મારી સામે મોદી મોદીના નારા લાગ્યા. હવે ભાજપને તેમની મજબૂત સીટો પર હારનો ડર લાગી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધી આવે ત્યારે મોદી મોદીના નારા નથી લગાવતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.