નવી દિલ્હીઃ મોદી ‘સરનેમ’ લઈને માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભાનું સંસદપદ ગુમાવ્યા પછી હવે પાટનગર ખાતેના સરકારી બંગલાને ખાલી કરવાની તેમને નોટિસ મોકલી હોવાનું જણાવાયું હતું.
એના માટે લોકસભા હાઉસિંગ કમિટીએ સોમવારે રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મોકલી છે. કમિટીએ 22મી એપ્રિલના બપોરના બાર વાગ્યા સુધી તુગલક રોડસ્થિત સરકારી બંગલાને ખાલી કરવાનો આદેશ આપ્યો છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 30 દિવસમાં તેમનો સરકારી બંગલો ખાલી કરવાનો નોટિસ મોકલવામાં આવી છે, જેમાં પાંચ દિવસમાં સતત ત્રીજી વખત રાહુલ પર મુશ્કેલી આવી છે. આ અગાઉ મોદી સરનેમ અંગે ટિપ્પણી કરવાના કિસ્સામાં બે વર્ષ જેલની સુરતની સેશન્સ કોર્ટે સજા કરી હતી, ત્યારબાદ લોકસભામાંથી તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ અયોગ્ય હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 30 દિવસમાં બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ જો તેઓ ઈચ્છે તો હાઉસિંગ કમિટીને પત્ર લખીને તેની મુદત વધારી શકે છે. રાહુલને જો 30 દિવસ પછી બંગલામાં રહેવું હોય તો કમર્શિયલ રેન્ટ આપીને મહત્તમ છ મહિના સુધી રહી શકે છે.
લોકસભામાં સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ લોકસભાના સભ્ય રહે કે ના રહે, પણ લોકશાહીની લડાઈ લડતા રહેશે અને તેના માટે તેમને ભલે જેલમાં ધકેલવામાં આવે. એટલું જ નહીં, આ નિવેદનની સાથે તેમને બીજો વિવાદ છેડ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ગાંધી છે સાવરકર નહીં, તેથી તેઓ માફી માગશે નહીં. આ નિવેદન પછી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને સાથી શિવસેના પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે એવા સમાચાર વહેતા થયા છે. નિરંતર વિવાદમાં રહેલા રાહુલ ગાંધી પર એક પછી એક રાજકીય આફતો આવી રહી છે, જેમાં રાહુલ ગાંધીનું નામ લોકસભાની વેબસાઈટ પરથી પણ હટાવી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની સંસદીય સીટ વાયનાડને ખાલી બતાવી છે. ચૂંટણી પંચ પણ અહીંની સીટ માટે ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.