મોંઘવારીની ચક્કીમાં પીસાતી સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ પર GST લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સામાન્ય ઘરના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું હતું ત્યારે હવે અમુલે દુધના ભાવમાં ફરીથી વધારો(Amul Milk price hike) કર્યો છે. અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો 17મી ઓગસ્ટ એટલે કે આવતી કાલથી લાગુ થશે. છેલ્લા 6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલા ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. વધારા બાદ તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ થી ૫૦૦ મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. ૩૧ થશે, જ્યારે ૫૦૦ મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. ૨૫ અને ૫૦૦ મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. ૨૮ પ્રતિ થશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારા અંગે અમૂલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચ આશરે 20% વધી ગયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમારા સભ્ય યુનિયનોએ પણ ખેડૂતોના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8-9%ની રેન્જમાં વધારો કર્યો છે. અમૂલ દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.
નોંધનીય છે કે દુધના ભાવમાં વધારાને પગલે દુધની બનાવટો જેવીકે છાસ, દહીં, બટર, ચીઝ, પનીર, ઘી ના ભાવમાં વધારો થઇ શકે છે.

Google search engine