બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગન અને તબ્બૂ સ્ટારર ફિલ્મ દ્રશ્યમ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. દર્શકો આજે પણ આ ફિલ્મને કે સાલગાંવકર ફેમિલીને ભૂલી શકયા નથી. હવે આ ફિલ્મની યશકલગીમાં એક વધું પીંછું ઉમેરાયું છે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ વિદેશમાં ધમાલ મચાવવા જઈ રહી છે.
તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 દરમિયાન ઈન્ડિયન પેવેલિયનમાં ભારતીય પ્રોડક્શન હાઉસ પેનોરમા સ્ટુડિયો અને દક્ષિણ કોરિયાના એન્થોલોજી સ્ટુડિયોએ ભાગીદારીની જાહેરાત કરી છે. આ જાહેરાત સમયે નિર્માતા કુમાર મંગત પાઠક અને જય ચોઈ ત્યાં હાજર હતા અને આ જ સમયે ફિલ્મ દ્રશ્યમની કોરિયાઈ રીમેકમાં બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમની ચીની રીમેક બનાવવામાં આવી હતી અને એનું નામ શીપ વિધાઉટ એ એફર્ડ રાખવામાં આવ્યું હતું. હવે આ શ્રેષ્ઠ મૂવી સિરીઝની સાઉથ કોરિયામાં રીમેક બનાવવામાં આવશે, જે ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે ગર્વની વાત છે.
દ્રશ્યમ ફિલ્મની કોરિયા રીમેક અને એન્થોલોજી સ્ટુડિયોની સાથે ભાગીદારી વિશે વાત કરતા કુમાર મંગતે જણાવ્યું હતું કે હું ખૂબ જ ઉત્સાહિત છું કે દ્રશ્યમ ફ્રેંચાઈઝી કોરિયામાં બનાવવામાં આવી રહી છે અને એનાથી ના માત્ર ભારતની બહાર આની પહોંચ વધશે પરંતુ હિંદી સિનેમાને વૈશ્વિક સ્તરે પણ સ્થાન મળશે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે?
ઉલ્લેખનીય છે કે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમના પહેલા પાર્ટને નિશિકાન્ત કામતે ડાયરેક્ટ કર્યું હતું અને આ ફિલ્મમાં તબ્બૂ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મની સ્ટોરી વિજય સલગાંવકર એટલે કે અજય દેવગનની આસપાસ ફરે છે, જેની પુત્રીના હાથે એક હત્યા થઈ જાય છે. પોતાની પુત્રીને પોલીસથી બચાવવાના ચક્કરમાં તે એવું કંઈક કરે છે, જે તેના સમગ્ર જીવનને બદલી નાખે છે. પોતાની ફેમિલીને બચાવવા માટે વિજય તેનાથી શક્ય તેટલા બધા પ્રયાસો કરે છે.