જસ્ટિન બીબર, એન્જેલિના જોલી, અનુપમ ખેર ઇત્યાદિને હેરાન કરનારો ફેશિયલ પેરાલિસિસ

રોજ બરોજ

રોજ બરોજ – અભિમન્યુ મોદી

૧૧ જૂન ૨૦૨૨, સોશિયલ મીડિયા પર દુ:ખભર્યા હેશટેગ ફરવાના શરૂ થઈ ગયા, કોઈએ જુના વીડિયોઝ શેર કર્યા તો કોઈએ તેના જૂના ગીતો પર રીલ્સ બનાવવાની શરુ કરી દીધી, વાત થઈ રહી છે જસ્ટિન બીબરની.., સાંજે ૭:૫૩ કલાકે જસ્ટિન બીબરે પોતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલા ૨:૫૪ મિનિટના વીડિયોમાં પોતાનું દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેને ફેશિયલ પેરાલિસિસ થઈ ગયો છે. અને હવે ચહેરો લકવાગ્રસ્ત થઈ જવાના કારણે તેના ઘણા શો કેન્સલ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં પણ ચાહકોમાં દુ:ખનું મોજું ફરી વળ્યું અને લોકો આ રોગ બાબતે માહિતી એકત્ર કરવા લાગ્યા. કોઈએ આ રોગને હાફ પેરાલિસિસ ગણાવ્યો તો તાજતેરમાં એમએક્સ પ્લેયરના બિગ બોસની સસ્તી કોપી સમા ’લોકઅપ’ શોના વીનર મુન્નવર રાણાએ બાબા રામદેવની બંધ આંખ સાથે આ રોગની સરખામણી કરી. આ બધા વચ્ચે બોલીવુડ અને હોલીવૂડ અન્ય ઘણાં સેલેબ્સ પણ સામે આવ્યા જેઓ આ રોગના શિકાર બન્યા હતા. મુન્નવર રાણાની ટીખળ બાદ જસ્ટિન બીબરે બીજો વીડિયો પોસ્ટ કર્યો અને ખુલાસો કર્યો તેની આ હાલત રામસે હંટ સિન્ડ્રોમના કારણે થઈ છે. વીડિયોમાં તે કહે છે કે તેની એક આંખ ઝપકી નથી રહી. તે હસી પણ નથી શકતો. વાઈરસે તેના કાન અને ચહેરાની નસો પર હુમલો કર્યો જેનાથી તેના ચહેરા પર લકવો મારી ગયો છે. તેણે પોતાના ફેન્સને ધીરજ રાખવા કહ્યું. તેમજ કહ્યું કે, તે નોર્મલ થવા માટે ચહેરાની એક્સરસાઈઝ કરી રહ્યો છે, પરંતુ તે કેટલા સમયમાં સ્વસ્થ થઈ જશે એ તો તેણે પણ નથી ખબર.
આ વીડિયો બાદ લોકોને ખબર પડી કે ‘રામસે હંટ સિંડ્રોમ’ નામની બીમારીથી બીબર પીડાય છે. પણ આ નવી વાત નથી, આ પૂર્વે ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ના શૂટિંગ દરમિયાન અનુપમ ખેરને પણ રામસે હંટ સિંડ્રોમ થયો હતો. આ ઉપરાંત જેમ્સ બોન્ડની પાંચેક ફિલ્મોમાં બોન્ડ બનેલા પિયર્સ બ્રોસનન, રેમ્બો ફેઈમ સિલ્વેસ્ટર સ્ટેલોન અને હંમેશા કોઈને કોઈ કારણોસર મીડિયામાં રહેનારી એન્જલિના જોલી પણ ‘રામસે હંટ સિંડ્રોમ’ના શિકાર થઈ ગયા છે.
રામસે હન્ટ સિન્ડ્રોમ ત્યારે થાય છે, જ્યારે દાદર અથવા ફોલ્લીઓ કાનની નજીકના ચહેરાની નસોને અસર કરે છે. રામસે હન્ટ સિન્ડ્રોમ એક પ્રકારનો વાઇરલ ચેપ છે. તે વેરીસેલા ઝોસ્ટર વાઇરસને કારણે થાય છે. ચિકનપોક્સ પણ આ વાઇરસથી થાય છે. આ વાઇરસ કાનની અંદર રહેલી ચહેરાની ચેતાઓને અસર કરે છે. જેના કારણે ચહેરાનો લકવો થવાની ભીતિ રહે છે. આ સિવાય વર્ટિગો, અલ્સર અથવા કાનમાં ઈજાઓ પણ હોઈ શકે છે. કાનમાં ગંભીર દુખાવો થાય છે, એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જાય છે, ચહેરાની એક બાજુમાં નબળાઈ લાગે છે, અરે ! એક આંખ બંધ કરવામાં અને આંખનો પલકારો કરવામાં મુશ્કેલી આવે છે. એક રિપોર્ટ મુજબ, આ રોગ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં માથાની ચોક્કસ ચેતાઓ વાઇરસથી પ્રભાવિત થાય છે.
આ રોગમાં સૌથી વધારે સમસ્યા ખાવા-પીવામાં થાય છે કેમ કે ન તો મોઢું ખુલે છે અને ન તો ખોરાક ચાવી શકાય છે. આવી સ્થિતિમાં ખાવાનું મોંમાં સંગ્રહિત થઈ જાય છે. મોંની અંદર જે લાળ હોય છે તે દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે. લકવો થવાથી તે ઘટી જાય છે. તેના કારણે દાંત સડવા લાગે છે અને મોંમાંથી દુર્ગંધ આવે છે. દર્દીને બ્રશ કરવામાં મુશ્કેલી થાય છે.
આ તો થઈ રોગ અને તેના લક્ષણોની વાત પણ વિચારો મને કે તમને આ રોગ થશે તો શું આટલી માહિતી મળશે ? અને જીવન સરળ થશે. ચહેરાની સાર સંભાળ અને કોસ્મેટિક સર્જરી પાછળ ધનાઢ્ય વર્ગ જેટલો ખર્ચ કરે છે, તેટલો તો ભારતની મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા એક સેલ્સમેનનો વાર્ષિક પગાર પણ નથી.
હાલ રામસે હટ સિન્ડ્રોમને પગલે જસ્ટિન બીબરને પોતાના ઘણાં શો કેન્સલ કરવા પડ્યા, પણ તેની નેટવર્થ કરોડોમાં નહીં પરંતુ અબજોમાં છે. તેની કુલ સંપત્તિ ૨૨ અબજ, ૨૮ કરોડ, ૦૬ લાખ, ૭૩ હજાર રૂપિયા છે. તે દર મહિને ૨ મિલિયન ડોલર એટલે કે ૧૫ કરોડ, ૬૨ લાખ, ૮૭ હજાર રૂપિયાની કમાણી કરી લે છે. તેની વાર્ષિક ઇનકમ ૨૩ મિલિયન ડોલર એટલે કે એક અબજ, ૭૯ કરોડ, ૭૩ હજાર અને ૫૦૦ રૂપિયા છે. વિચારો હવે તે તો દુનિયાના સર્વ શ્રેષ્ઠ તબીબની સારવાર મેળવી, બીમારીમાંથી રીકવર થઈને ફરી સંગીતના સૂરો રેલાવશે પણ સામાન્ય માણસનું શું ? એક અભ્યાસ એવું કહે છે કે, માણસ બીમાર પડે ત્યારે તેને થોડું આત્મજ્ઞાન લાધે છે. મોટા ભાગના લોકો સાજા થાય એ પછી એ જ્ઞાન ગુમાવી દે છે. બહુ ઓછા લોકો એ જ્ઞાનને અમલમાં મૂકી શકે છે.
જઇએ અને આપણી નજર સામે અંતિમ સંસ્કાર થતા હોય ત્યારે આપણને જીવનની સાર્થકતા સામે સવાલો થાય છે. આપણને બધી હાયહોય મિથ્યા લાગે છે. આપણે બધા ખોટી દોડધામ કરીએ છીએ. જિંદગીનું સત્ય તો આ જ છે. જિંદગીને સરસ રીતે જીવવાનો વિચાર કરીએ છીએ. બધા સાથે પ્રેમથી રહેવાનું, કોઇનું દિલ નહીં દુભાવવાનું, ક્યારેય ગુસ્સો નહીં કરવાનો, આવા બધા વિચારો સ્મશાનમાં આવતા રહે છે. જેવા સ્મશાનમાંથી બહાર આવીએ કે બધું જ બાષ્પીભવન થઇ જાય છે.
માંદા પડીએ ત્યારે પણ એવું થાય છે કે, આ જે કંઇ થયું છે એના માટે આપણે જ જવાબદાર છીએ. હવેથી લાઇફ સ્ટાઇલ બદલી નાખવી છે. સમયસર સૂવાનું અને ખાવા પીવાનું પણ વ્યવસ્થિત કરી નાખવાનું. કુટેવો છોડવાનો પણ વિચાર આવી જાય છે.
નિષ્ણાતોના મતે આ રોગ ચેપી નથી પણ ચિકન-મટનનું નિયમિત સેવન કરનાર અને મદિરાપાનમાં આરૂઢ લોકોમાં ક્યારે રામસે હંટ સિન્ડ્રોમ થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. તો શું આપણે રાહ જોઈને બેઠા છીએ કે કુદરતે આપેલી આ સુંવાળી કાયાને રોગનું ઘર બનાવીએ અને પછી સારવાર પાછળ ખુંવાર થઈ જઇએ ? કે જાતને સાચવીને જિંદગીને બચાવીએ.. ! તમારી સોશિયલ લાઈફ ગમે તેટલી કુલ હોય પણ જો શરીરના તંતુ સળવળવા લાગે તો શું કામનું ? મેટ્રો સિટીમાં આજકાલ આલ્કોહોલનું સેવન સામાન્ય થઈ ગયું છે.
એક સર્વે અનુસાર મહાનગરોમાં સતત ૧૨-૧૨ કલાક કામ કરતા યુવાનો મગજને રિલીફ આપવા ડ્રિન્ક પીવાના ડિંડક કરી બેસે છે અને ડ્રિન્કને જીવનના ટેંશનની ટેબ્લેટ સમું ગણાવી દે છે.. પણ આપણે આ ભાગદોડ કોના માટે કરીએ છીએ ? પરિવાર માટે.., જાત માટે પણ જીવન જ લિકરમાં લીક થઈ જાય તો ભાગદોડ શું કામની…? આપણે તો એટલું જ જાણીએ છીએ કે દુનિયાના ૬-૭ સેલેબ્સને રામસે હંટ સિન્ડ્રોમ થયો છે. પણ જો રોગ કોરોનાની જેમ ફેલાય તો શું થાય ? એ વિચારવા જેવું છે. ભારતમાં કદાચ ઘણા યુવાનો તેના શિકાર હશે બસ તેમના વિશે છપાતું નથી એટલે જ તે છુપાઈ જાય છે. ત્યારે બીબરની આ અવદશા લાલબત્તી સમાન છે. હવે જાત માટે ચેતવું અને સચેત થવું જરૂરી છે અને જો અચેતન રહીશું તો પરિણામ તમારી સામે છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.