કેન્વાસ -અભિમન્યુ મોદી
બ્રિટનમાં ન્યુમેરોલોજી શીખવા માટે યુવાધન ઘેલું થયું છે. ન્યુમેરોલોજી એટલે અંકશાસ્ત્ર. બ્રિટિશરોના મતે બ્રિટનની અધોગતિ પાછળ અંકગણિતના જાદુગર જાસ્પર માસ્કલીનનું કુ-દૃષ્ટિ જવાબદાર છે. બ્રિટનનું સૈન્ય એક કિંવદંતી વર્ષોથી મમળાવ્યા કરે છે. જાસ્પરે બીજા વિશ્ર્વયુદ્ધ સમયે બ્રિટનને યુદ્ધમાં જીત અપાવવા અંકગણિતનું શાસ્ત્ર રચ્યું હતું. તેના આધારે જ બ્રિટને જર્મનીને ધૂળ ચાટતું કરી દીધું, પરંતુ ચર્ચિલે જાસ્પરને પૂરતું મહેનતાણું ન આપ્યું એટલે પોતાની જાદુઈ શક્તિની મદદથી તેણે બ્રિટનના અર્થશાસ્ત્રને નબળું કરી નાખ્યું. તો શું હવે યુવાધન ન્યુમેરોલોજીથી પાઉન્ડને બળિયો બનાવી દેશે? જોકે તેમાં યુવાધનને દોષ શું આપવો. અંકગણિતની રહસ્મય રમતમાં તો વિશ્ર્વની બૌદ્ધિક સંપદા પણ ગૂંચવાયેલી રહેતી.
બેન્જામીન ફ્રેન્કલીન અને લેનિન જેવા રાજકારણીઓ અંકગણિતના પુસ્તકને સાથે રાખીને ફરતા. તેઓ ટેરો કાર્ડની રમત નહીં પણ ટેરવાંમાં છુપાયેલાં રહસ્યોને સમજવા નિયમિત ગણતરીના મૂળભૂત સિદ્ધાંતો, અવયવ, વાસ્તવિક સંખ્યા; દશાંકી, દ્વિઅંકી, ત્રિઅંકીમાં રચ્યા પચ્યા રહેતા. ફ્રેન્કલીનના નિધન બાદ તેની ડાયરીમાંથી ગાણિતિક સંજ્ઞાઓ મળી આવી હતી. ગાણિતીય ક્રિયા કે સંબંધને વ્યક્ત કરવા, રાશિની પ્રકૃતિ કે ગુણ દર્શાવવા અથવા ગણિતમાં પ્રયોજાયેલા વાક્યખંડો કે વિશિષ્ટ સંખ્યાઓનો નિર્દેશ કરવા માટે ફ્રેન્કલીન ચોક્કસ સંકેતોનો જ ઉપયોગ કરતા હતા. આજસુધી તેમના આવા અંકોનો મર્મ કોઈ સમજી શક્યું નથી. અમેરિકન વિદ્યુતશાસ્ત્રી થોમસ એડિસનના એક સમયના હરીફ અને પ્રકાંડ વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લા આવા અંકગણિતથી ભવિષ્યનો ચિતાર આપી દેતા. ટેસ્લા જીવન પર્યંત એકાંતવાસમાં રહ્યા પણ તેમની પાસે અંકગણિતનું એવું શાસ્ત્ર હતું જેનો કોયડો નાસાના અત્યાધુનિક સોફ્ટવેર પાસે પણ નથી. ટેસ્લાના બ્રાન્ડ નેઈમ સાથે ધૂમ મચાવનાર ઈલોન મસ્ક પણ અંકગણિતમાં માને છે તેના દરેક ટ્વિટ પર એક ગાણિતિક સંજ્ઞા પોસ્ટ કરવામાં આવે છે, ટેસ્લા કારમાં પણ એન્જિન પર લાઇબ્નિત્સના સંકેતો ચીતરવામાં આવ્યા છે. જે જાણીતા ગણિતશાસ્ત્રીઓ લાઇબ્નિત્સના પુસ્તક પર આધારિત છે.
ભારતની પૃષ્ઠભૂમિ પર અંકગણિત વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમાંય સાતનો આંકડો વારંવાર નજરે ચડે છે.સિંધુ ખીણની સંસ્કૃતિમાં સાત રંગ, સાત વચન, સાત પાતાળ, સાત નિયમ,સાત યોગાસન જોવા મળે છે. બ્રહ્માંડમાં મૂળ ગ્રહોની સંખ્યા સાત, સમુદ્ર સાતની સંખ્યા સાત, જેના વડે જીવન સુરીલું મધુર બને તે સૂરની સંખ્યા પણ સાત અને ઋષિઓ પણ સાત જ છે એટલું જ નહીં ભારતની ઐતિહાસિક તવારીખમાં પણ સાત નંબર પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. ૧૭૫૭માં પ્લાસીનું યુદ્ધ, ૧૮૫૭માં અંગ્રેજો વિરુદ્ધ બળવો,૧૯૩૭માં બ્રિટિશ સત્તા હેઠળ ચૂંટણીઓ, ૧૯૪૭માં ભારતને આઝાદી મળી, ૧૯૬૭માં કૉંગ્રેસ નબળી પડતાં સંવિદ સરકારો થયા, ૧૯૭૭માં જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની, ૧૯૮૭માં વી. પી.સિંહ રાજીવ ગાંધીની સરકારમાંથી ફારેગ થઈ વડા પ્રધાનપદ માટે સજ્જ થયા, ૧૯૯૭માં અટલ બિહારી વાજપેયીએ ભાજપના નેતૃત્વમાં સરકાર રચવા માટે મંચ તૈયાર કર્યો, ૨૦૦૭માં મોદીમેજીક જગતભરમાં ફેલાયું, ૨૦૧૭માં આમઆદમી પાર્ટીએ પંજાબ અને ગુજરાતમાં તેના પક્ષની રચના કરી, ૨૦૦૨માં ગુજરાતની ચૂંટણીમાં કૉંગ્રેસના ફાળે ૧૭ બેઠક આવી એટલું જ નહીં ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા છે.
ભારતના રાજકારણમાં નેતાઓ અંકગણિતને બદલે લક અને તક પર નિર્ભર છે. ગુજરાતમાં જ્યારે વિજય રૂપાણીની મુખ્ય પ્રધાન તરીકે પસંદગી થઇ ત્યારે લોકોને જેટલું આશ્ર્ચર્ય થયું હતું, તેનાથી વધુ ભૂપેન્દ્ર પટેલના કેસમાં થયું છે. આવા લોકો નસીબના બળિયા કહી શકાય. અચાનક કોઇ પૂર્વજની સંપત્તિ મળે એવું નસીબના બળિયા રાજકારણીઓના કેસમાં જોવા મળે છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ એક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની યાદીમાં ભલે આવે પણ તેમનુ નસીબ એવું જોર કરતું હતું કે સોનિયા ગાંધી જેવા પાવરફૂલ નેતાને દૂર હડસેલીને વડાપ્રધાન પદની ખુરશી પર બેસી ગયા હતા. તે લાયક હતા કે નહીં તે પછીની વાત આવે છે, પરંતુ ત્યારે પ્રણવ મુખરજી જેવા અનેક સિનિયર નેતાઓ હોવા છતાં લેડી લકની નજરમાં તે વસી ગયા હતા. એવીજ રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન દેવ ગૌડાના કેસમાં જોવા મળ્યું હતું. કોઇ પણ સંઘર્ષ કે કાવાદાવા વગર પરિસ્થિતિનો લાભ તેમને મળ્યો હતો. લેડી લક તેમને ખભે બેસાડીને વડા પ્રધાનપદ સુધી ખેંચી ગઇ હતી. તેમને જ્યોતિષોએ કહ્યું છે કે તે ફરી વડા પ્રધાન બનશે એટલે તે દર પૂનમે ગ્રહોનું પૂજન કરાવે છે. લેડી લકની ગતિ બહુ ગહન છેે. દરેક રાજકારણીઓ તેને પોતાની સાથે રાખવા માગે છે પણ તે ભાગ્યેજ સ્મિત વેરે છે. વડા પ્રધાન મોદીની જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પસંદગી થઇ ત્યારે પણ રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ હતી. નરેન્દ્ર મોદી સામે તો તેમનું વિરોધી જૂથ પણ હતું. એક વાર લેડી લકે સ્મિત વેર્યા પછી મોદીએ પ્લેડી લક સાથે સેટિંગ કરી લીધું હોય એમ લાગે છે. તે બે વાર વડા પ્રધાન પણ બન્યા છે
અને વૈશ્ર્વિક ઇમેજ ઊભી કરી શક્યા છે.
નસીબ અને અંકગણિત માણસના પ્રારબ્ધ અને પુરુષાર્થ સામે તો નબળું જ રહ્યું છે. આજે લોકો કુંભકર્ણની જેમ આરામ કરવા માગે છે અને આવા અંકગણિતને આધારે સૂતેલી કિસ્મતને જગાડવાના વિવિધ પેંતરા કરે છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને સાથે મળે ત્યારે માનવી પરિણામની સફળતા સુધી પહોંચી શકે છે. માત્ર પરમની કૃપા હોય અને માનવીનો પુરુષાર્થ ન હોય તો પણ ઘણીવાર સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થતું નથી. પ્રયાસ અને પ્રસાદનું મિલન અંકગણિત કરતાં પણ મોટું છે. સપ્તર્ષિએ ગ્રહોની ગણતરીના આધારે એક તબક્કે જાહેર કરી દીધું હતું કે ગ્રહો શક્તિશાળી હોય, પરંતુ જન્મકુંડળીનું નવમું એટલે કે ભાગ્યસ્થાન નિર્બળ હોય તો જીવતર બગડે અને જન્મારો નિષ્ફળ જાય. ભગવાન રામ અને ગાંધીબાપુ બન્નેની કુંડળી ગૂગલમાં ઉપલબ્ધ છે. બન્નેમાં નવમું સ્થાન નિર્બળ છે છતાં બન્ને કેવું અને કેટલું જીવન જીવીને ગયા એ તો સર્વવિદિત છે. પૂર્વમાં સૂર્યાસ્ત થાય ત્યારે પશ્ર્ચિમમાં સૂર્યોદય થતો હોય છે કારણ સૂરજ અવિરત સળગે છે, પરંતુ દરરોજ સવારે સૂરજનું સમયસર દેખાવું એ માત્ર પ્રારબ્ધ છે એમાં પુરુષાર્થ બિલકુલ નથી.
ટેરો કાર્ડની ઇજિપ્તથી આવેલી પદ્ધતિમાં અંકગણિત જ છે. પત્તાં ચીપીને તાંત્રિક ભાવનાઓને છલકાવીને લકી નંબર જાહેર થાય છે. તેમાંય અંકશાસ્ત્ર નામ બદલવાની સૂચના આપે તો નામમાં ‘ખ’ ને બદલે ર’ કરી નાખે અને નિષ્ફ્ળ જાય ત્યારે મોઢું વકાસીને બોલે ‘અંતે જે થવાનું હતું એ જ થયું ’ આવું નિશ્ર્ચિત જ હોય તો પછી જોડણી પણ શા માટે બદલવી જોઇએ? વાસ્તુશાસ્ત્ર પણ તેનું જ થાય છે જેની પાસે વાસ્તુ હોય. સલામતીનો ડર એને હોય, જેની તિજોરી છલોછલ ભરેલી હોય. દીવો એ પ્રગટાવે છે, જેને ઘીની ફેક્ટરીમાં નુકસાન જવાની આશંકા હોય. એન. ટી. રામારાવને જ્યોતિષીઓએ અંકગણિતના આધારે વિધાનસભા અને સચિવાલયનો દરવાજો બદલાવી નાખવાની સલાહ આપી. તાત્કાલિક સૂચનાનો અમલ થયો, પરંતુ જયાં નવું ઘર બનાવવામાં આવ્યું ત્યાં સેંકડો આમઆદમીની વસતિ ખાલી કરાવવી પડી. મુખ્ય પ્રધાનનું ભાગ્ય સુધારવા માટે જનતાનું ભાગ્ય બગડી ગયું.તો વાંક કોનો? નસીબનો કે અંકગણિતનો? બ્રિટિશરો હજુ એવું જ માને છે જે અંક રંકને પણ રાજા બનાવી નાખે છે તો બ્રિટનના કથળતા અર્થતંત્ર પાછળ કોણ જવાબદાર છે? અંકગણિત કે તેમની રૂઢિગત માનસિકતા?