Homeએકસ્ટ્રા અફેરઅંજલિ મોત કેસ, પોલીસ કોને છાવરી રહી છે

અંજલિ મોત કેસ, પોલીસ કોને છાવરી રહી છે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હીના કંઝાવાલામાં ૨૦ વર્ષની યુવતી અંજલિને ક્રૂરતાથી કાર સાથે ઢસડીને મારી નંખાઈ એ ઘટનામાં એક પછી એક રહસ્યો ખૂલી રહ્યાં છે અને પોલીસની ભૂમિકા વધુને વધુ શંકાસ્પદ બનતી જાય છે. પોલીસે આ કેસમાં પાંચ આરોપીને ઝડપ્યા હતા. પોલીસે જ કહેલું કે, મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણ અને મિથુન એ પાંચ લોકો આ ઘટનામાં સામેલ છે. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરેલાને પાંચેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ લીધા હતા.
પોલીસે હવે નવું એલાન કર્યું છે કે, આ ઘટનામાં પાંચ નહીં પણ સાત લોકો સામેલ હતા. દિલ્હીના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ એલાન કર્યું છે કે, ફૂટેજ અને સીડીઆરના આધારે જાણવા મળ્યું છે કે અન્ય બે લોકો પણ આ કેસમાં સામેલ હતા. આ કારમાં પાંચ નહીં પણ સાત લોકો હતા તેની ખબર પડવામાં પોલીસને પાંચ દિવસ લાગી ગયા એ વાત જ ગળે ઉતરે એવી નથી.
પોલીસ સાવ જૂઠું બોલી રહી છે તેનો પૂરાવો દિલ્હીના કંઝાવાલા અકસ્માત સાથે જોડાયેલા સીસીટીવી ફૂટેજમાંથી જ મળે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, આરોપીની કાર જઈ રહી હતી તેની પાછળ પાછળ પોલીસ વાન પણ જઈ રહી છે. સવાલ એ છે કે, યુવતીનો મૃતદેહ કારમાં ફસાયેલો હતો એ વાતની પોલીસની વાનને કેમ ખબર ના પડી? કે પછી પોલીસ આરોપીઓ સલામતરીતે નિકળી જાય એ માટે એસ્કોર્ટિંગ કરી રહી હતી?
પોલીસે કાર કોણ ચલાવી રહ્યું હતું એ મુદ્દે પહેલાં કરેલા દાવો પણ ખોટો સાબિત થયો છે. પોલીસના દાવા પ્રમાણે દિલ્હી પોલીસની ૧૮ ટીમ તપાસ કરી રહી છે અને તેમાં નવી વાત એ બહાર આવી છે કે, આરોપી દીપકે પોતે કાર ડ્રાઈવર કરી હોવાનું જણાવ્યું હતું પણ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દીપક નહીં પણ તેનો ભાઈ અમિત કાર ચલાવી રહ્યો હતો અને તેના પૂરાવા પણ છે.
અમિત પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી અને આ અકસ્માતનો કેસ થઈ ગયો તેથી તેને લાગ્યું કે, પોતે ભેરવાઈ જશે તેથી ભાઈને ડ્રાઈવર ગણાવી દીધો. આરોપીઓએ એ રીતે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. કાર દીપક ખન્ના નહીં પણ અમિત ચાલવાતો હતો એ વાત પણ સીસીટીવી ફૂટેજ પરથી જ બહાર આવી છે. આ સીસીટીવી ફૂટેજ પહેલા દિવસથી જ પોલીસ પાસે હતા તો પોલીસને આ વાત જાણવામાં ચાર દિવસ કેમ લાગી ગયા?
પોલીસે અંજલિની ખરાબ છાપ ઊભી કરવા પ્રયાસ કર્યો તેના કારણે પણ શંકા થાય છે. પોલીસે બીજો પણ દાવો કર્યો હતો કે, મૃતક અંજલિ સાથે નિધિ નામની યુવતી હતી કે જે અકસ્માત પછી ભાગી ગઈ હતી. પોલીસને ૩૧ ડિસેમ્બરની રાત્રે અંજલિ અને નિધિના ફૂટેજ મળ્યા હતા. બંને એક હોટલ સામે ઊભાં ઊભાં સ્કૂટી પાસે વાત કરતાં હતાં ને પછી બંને સ્કૂટી પર ઘરે જવા નીકળે છે એવું સ્પષ્ટ જોઈ શકાય છે.
પોલીસે દાવો કરેલો કે, અંજલિ તેના મિત્ર સાથે ન્યૂ યર પાર્ટી માટે હોટલમાં ગઈ હતી. હોટલના મેનેજરે પોલીસને એવું કહેલું કે, યુવતીઓની સાથે કેટલાક યુવકો પણ આવ્યા હતા. બંને યુવતીઓનો કોઈ મુદ્દે મિત્રો સાથે ઝઘડો થતાં હોટલ સ્ટાફે તેમને ત્યાંથી જવાનું કહ્યું હતું.
પોલીસે કહેલું કે, નિધિએ દાવો કર્યો હતો કે, અંજલિ ખૂબ જ નશાની હાલતમાં હતી તેથી પોતે સ્કૂટી ચલાવશે એવું કહેલું. અંજલિએ નિધિને સ્કૂટી ચલાવવા ન દીધી. રસ્તામાં કારે તેને ટક્કર મારી પછી નિધિ એક બાજુ પડી ગઈ અને અંજલિ કારની નીચે આવી ગઈ હતી. અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી. કાર તેને ઢસડીને દૂર લઈ જતી હતી તેથી નિધિ ડરી ગઈ હતી અને ત્યાંથી જતી રહી. નિધિએ કોઈને કંઈ કહ્યું નહોતું એવો પોલીસનો દાવો હતો.
અંજલિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ૪૦ ઘા હોવાનું અને તેના પર બળાત્કાર થયો નહીં હોવાનું બહાર આવ્યું છે પણ સાથે સાથે તેણે દારૂ નહીં પીધો હોવાનું પણ બહાર આવ્યું છે. ઓટોપ્સી રિપોર્ટમાં મૃતક અંજલિના પેટમાં આલ્કોહોલ નહોતો એ સ્પષ્ટ થયું છે. મૃતક અંજલિની માતા અને ફેમિલી ડૉક્ટરે પણ કહેવું કે, અંજલિ દારૂ પીતી નહોતી ને તે ક્યારેય નશાની હાલતમાં ઘરે આવી ન હતી.
રસપ્રદ વાત એ છે કે, પોલીસે અંજલિના પરિવાર કે ડૉક્ટરની વાત ના માની અને તેના બદલે જે વ્યક્તિ અપરાધના સ્થળેથી ભાગી ગઈ હતી તેની વાત માનીને અંજલિ દારૂના નશામાં હોવાનું જાહેર કરી દીધું. પોલીસે મેડિકલ રિપોર્ટની પણ રાહ ના જોઈ. અંજલિએ દારૂ પીધો હતો એ સાબિત કરવાની પોલીસને બહુ ઉતાવળ હતી એવું લાગે છે.
પોલીસે હવે આરોપીઓની એ રાતની ગતિવિધિ જાણવા માટે બેક રૂટ મેપિંગ કરવાનું એલાન કર્યું છે. પોલીસ પાંચેય આરોપીનો લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરવાની કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવશે એવું પણ એલાન કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ બઘું પોલીસ ઘટનાના ચાર દિવસ પછી કરવાની છે જ્યારે જરૂર પહેલા જ દિવસે આ બધું કરવાની હતી.
બીજી રસપ્રદ વાત એ છે કે, પોલીસે આ કેસમાં બીજી મહત્ત્વની વાતોને સાવ અવગણી છે. આરોપીઓ દારૂના નશામાં હતા કે નહીં તેની પણ તપાસ કરી નથી કે શંકાસ્પદ રીતે વર્તતી નિધિનું બેકગ્રાઉન્ડ શું છે તેની પણ તપાસ કરી નથી. નિધિ શંકાસ્પદ છે જ તેથી સાતેની તપાસ કરવી જ જોઈએ.
પોલીસ નવાં રહસ્યો બહાર લાવી રહી છે એ તપાસ બીજા અધિકારીને સોંપાઈ પછી બહાર આવી રહ્યાં છે. આ સંજોગોમાં પહેલાંના અધિકારીની ભૂમિકા પણ શંકાસ્પદ છે. આરોપીઓમાં એક ભાજપનો નેતા છે તેથી પોલીસે ગોલમાલ તો નથી કરી ને એ પણ એક સવાલ છે. ને સૌથી મોટો સવાલ એ છે કે, પોલીસ કોને છાવરી રહી છે? બે નવા આરોપી કોણ છે ને પોલીસ સાચા આરોપીઓને પકડશે કે ગમે તેને ઉઠાવીને અંદર કરશે?
આ સવાલોના જવાબ ક્યારે મળશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular