સાંભળેલી વાતો પર તેમને ગુનામાં ફસાવાયાનો લગાવ્યો આરોપ
મુક્તિ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ અનિલ દેશમુખના જામીન બોમ્બે હાઈ કોર્ટે બુધવારે મંજૂર કરતા સત્તાવાર રીતે આર્થર રોડ જેલમાંથી લગભગ એક વર્ષ બાદ બહાર આવ્યા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને સરઘસ કાઢ્યું હતું. (જયપ્રકાશ કેળકર)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ બુધવારે મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યા હતા. બહાર આવીને, તેમણે તેમની પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પરમબીર સિંહે જે સાંભળ્યું તેના આધારે તેના પર આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપીના નેતા અનિલ દેશમુખને બુધવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે બોમ્બે હાઈ કોર્ટે તેમના જામીન પર સ્ટે લંબાવી આપવાની સીબીઆઈની અરજીને ફગાવી દીધી હતી. આ પછી અનિલ દેશમુખ સાંજે પાંચ વાગ્યે મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યા હતા. તેમની મુક્તિ બાદ વિપક્ષી નેતા અજિત પવાર, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ, પ્રફુલ પટેલ, સુપ્રિયા સુળે, દિલીપ વળસે-પાટીલ, છગન ભુજબળ સહિત એનસીપીના ઘણા નેતાઓ તેમનું સ્વાગત કરવા જેલમાં પહોંચ્યા હતા. આ પછી અનિલ દેશમુખ ખુલ્લી જીપમાં આર્થર રોડ જેલથી નીકળ્યો હતો. અનિલ દેશમુખ ૧૩ મહિના અને ૨૭ દિવસ પછી જેલમાંથી મુક્ત થયા હતા. છૂટા થયા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે મને ખોટા આરોપમાં ફસાવવામાં આવ્યો હતો. ૧૦૦ કરોડની રિકવરી કેસમાં આરોપો લગાવનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પોતાના સોગંદનામામાં સ્પષ્ટ કહ્યું છે કે મારી પર લાગેલા આરોપો માટે તેમની પાસે કોઈ પુરાવા નથી. તેણે મારી સામે જે આરોપો લગાવ્યા છે તે અફવા પર આધારિત છે.
આ ઉપરાંત, સચિન વઝેના નિવેદનના આધારે મારા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, સચિન વઝે સામે હત્યા સહિતના ગંભીર ગુનાઓ અંગેના અનેક ગુના નોંધાયેલા છે. મનસુખ હિરેનની હત્યાનું કાવતરું ઘડવાનો અને મુકેશ અંબાણીના એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો પ્લાન્ટ કરવાના આરોપી સચિન વઝેના આરોપો પર કેટલો વિશ્ર્વાસ કરી શકાય? તેવું અવલોકન હાઇ કોર્ટે આપ્યું હતું.
———
સ્પેશિયલ કોર્ટે આપ્યો રિલીઝ ઓર્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં એક વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા પછી રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ બુધવારે આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યા હતા. બૉમ્બે હાઈ કોર્ટે જામીન પર સ્ટે આપવાનો ઇનકાર કર્યાના બીજા દિવસે વિશેષ સીબીઆઈ કોર્ટમાંથી રિલીઝ ઑર્ડર મેળવવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) નોંધેલા ભ્રષ્ટાચારના કેસમાં દેશમુખના જામીન પરનો સ્ટે લંબાવવાનો બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે ઈનકાર કર્યો હતો. કોર્ટના આ નિર્ણયથી દેશમુખ માટે જેલની બહાર નીકળવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો. અગાઉ સીબીઆઈએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો સમય માગતાં કોર્ટે આદેશ સામે ૧૦ દિવસનો સ્ટે આપ્યો હતો, જે બાદમાં ૨૭ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. સીબીઆઈએ મંગળવારે આદેશ પરનો સ્ટે વધુ લંબાવવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે સ્ટે લંબાવવાનો ઇનકાર કરી દીધો હતો.
હાઈ કોર્ટની વૅકેશન બૅન્ચે સ્ટે લંબાવવાનો ઇનકાર કરતાં બુધવારે વિશેષ સીબીઆઈ જજ એસ. એમ. મેનજોગેએ જામીનની ઔપચારિકતા પૂર્ણ કરી રિલીઝ મેમો આપ્યો હતો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ દેશમુખ આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યા ત્યારે પક્ષના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.
એનસીપીના ૭૩ વર્ષના નેતા દેશમુખની કથિત મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નવેમ્બર, ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ વર્ષના એપ્રિલમાં સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ કરી ત્યારથી દેશમુખ જેલમાં હતા.