Homeમેટિનીગુસ્સો એટલે વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધોને ક્ષણવારમાં વેર-વિખેર કરી નાખતું વાવાઝોડું

ગુસ્સો એટલે વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધોને ક્ષણવારમાં વેર-વિખેર કરી નાખતું વાવાઝોડું

અરવિંદ વેકરિયા

થિયેટર માટે કોઈ આગળ ન આવ્યું. કોઈએ હસીને નાં પાડી તો કોઈએ ઘસીને ! આમ પણ મને અનુભવ છે…કે કોઈ બળતરા કે જલન ઘણાનાં મનમાં ઘૂમરી લેતી હોય છે, એ ખબર હોવા છતાં મેં હવાતિયા ઘણાં મારી જોયા. કોઈનું ભલું થતું જોવું એ માણસાઈ, પણ અફસોસ! માણસ તો ઘર-ઘરમાં જન્મે છે, પણ લાગે છે કે માણસાઈ તો ક્યાંક જ જનમ લેતી હશે? જિંદગીમાં રસ્તો બતાવનાર કોઈ હોઈ તો તે અનુભવ. મેં એક યાચકની જેમ કહેવાતા “કંઈ અમારે લાયક કામ હોય તો કહેજે બોલ-બચ્ચન સામે યાચના કરવી બંધ કરી. હંમેશાં કૂતરો જ વફાદાર નીકળે એવું નથી, સમય ખરાબ હોય ત્યારે વફાદાર પણ કૂતરા નીકળી શકે. આ લોકો પર જાત ઉપર ગુસ્સો કરું, બાકી રંગભૂમિના આ ચકરડામાં ફરી-ફરીને પાછું મળવાનું તો થવાનું જ અને આમ પણ ગુસ્સો એટલે વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધોને ક્ષણવારમાં વેર-વિખેર કરી નાખતું વાવાઝોડું. એટલે બધા દોષારોપણ અને વલોપાત પડતા મૂકી હું ચર્ચગેટ પાસે આવેલ જયહિન્દ હોલ પર પહોંચ્યો.
જયહિન્દમાં એ વખતે આઈ.એન.ટી. સંસ્થાનાં જ નાટકો થતાં. તેઓ લાંબી ટુર પર હોય ત્યારે બીજા નિર્માતાઓ માટે એ હોલની તારીખ લેવાનું શક્ય બનતું. છતાં ‘મરતા ક્યા નહિ કરતા?’ હું ત્યાં, જયહિન્દ થિયેટર પર પહોંચ્યો. મારે ઘનશ્યામ નાયકનો મારી ઉપરનો વિશ્ર્વાસ અકબંધ રાખવો હતો.જયહિન્દમાં નાટકોની તારીખો આપવાનું કામ રાખી નામની એક મહિલા કરતી હતી.એણે કહ્યું કે ૧૫મી ઑગસ્ટની બપોરની સેસન જ છે. હવે? આ એક માત્ર સ્થળ બચ્યું હતું. મેં ત્યાંથી જ ઘનશ્યામ નાયકને ફોન કરી જણાવ્યું. મને કહે બપોર તો બપોર. ૧૫ ઑગસ્ટ, તારો જન્મ-દિવસ.. એક મિત્ર તરીકે મને આનંદ થશે. અને હાઉસની ચિંતા ન કરતો, ૩૦૦-૪૦૦ સીટ્સનું બ્લોક-બુકિંગ મળી જશે એટલે વાંધો નહિ આવે. હા, કામ ચોટલી બાંધીને કરવું પડશે.
મેં રાખીને પૈસા ચૂકવી ૧૫ ઑગસ્ટની બપોરની તારીખ ક્ધફર્મ કરી રશીદ લઇ લીધી. ત્યાંથી હું દેવયાની ઠક્કરને મળવા પહોંચ્યો. તેઓ હિન્દુજા થિયેટરની જરા આગળ ચાલો એટલે મસ્ત પાણીપૂરી અને બીજા ચાટ વાળો છે, જે હજી પણ છે એ ખાંચામાં રહેતા. જ્યાં આઈ.એન.ટી. નાં પી.આર.ઓ. અનુપમ યાજ્ઞિક પણ રહેતા. એમના પત્ની સારા કલાકારા હતાં. એમનો દીકરો અપૂર્વ પણ નાટકમાં અભિનય કરતો.
પાણીપૂરી મારી વિક-નેસ… મેં પહેલા નીચે પાણીપૂરી ખાધી પછી દેવયાનીબેનને મળવા પહોંચી ગયો.
પહેલા અંકની ઝેરોક્ષ મેં આગલા દિવસે જ કઢાવી લીધેલી જે સાથે હતી. મેં એ કોપી એમને આપી અને નાટકની લાઈન કહી સંભળાવી. એમનું મેઈન પાત્ર છે અને એ પાત્રની અગત્યતા પણ સમજાવી. મેં ચોક્ખું કહ્યું કે જુઓ, નાટક માત્ર સાત દિવસમાં કરવાનું છે. શુટિંગ-બુટિંગ વચ્ચે નથી ને? એમણે હસીને કહ્યું, ના દાદુ..કોઈ શૂટ નથી. (એ વખતે ગુજરાતી કેટલીય ફિલ્મો ફ્લોર પર રહેતી અને રોજ નવી જનમતી.). મેં કહ્યું, હું ૧૫ ઑગસ્ટનું બપોરનું ભાડું ભરીને જ આવ્યો છું.એ પછી હું ૩-૪ દિવસ રિહર્સલ રાખીશ જ. એમાં કોઈ પ્રોબ્લેમ ન આવતો હોય તો જ કમીટ કરજો, નહીતર મિત્ર બની રહીશું અને શક્ય બનશે ત્યારે ભવિષ્યમાં કામ કરીશું. એટલું કહી મેં ભાડા-રશીદ પણ બતાવી દીધી. મને એમણે રીતસરનું વચન
આપ્યું અને પૂરી બાંયધરી આપી કે જે કરીશ એ આપણું નાટક
વ્યવસ્થિત પકડાશે પછી જ કરીશ, બસ! બીજે જ દિવસે સવારે ૧૧ વાગ્યાથી રિહર્સલના શ્રીગણેશ કરી દીધા. નાટકનું નામ રાખ્યું, “ઘેર ઘેર મમ્મીનું રાજ.
નાટકનું ટાઇટલ તો સરસ મળી ગયું, વાર્તાને અનુરૂપ. અનિલ મહેતાએ સ્ક્રિપ્ટ પણ સમયસર આપી દીધી. નાના-મોટા સુધારા હું મારા અનુભવને આધારે કરતો ગયો. જયહિન્દ, ભલે બપોરની તારીખ, ત્યાંની મહિલા કાર્યકર્તા. રાખીએ આપી. આજ રાખીએ એ પછી મને જયહિન્દ થિયેટરની ઘણી તારીખો ફાળવી. આઈ.એન.ટી. સંસ્થાનાં નાટકો જ્યારે લાંબી ટુર પર ઊપડી જાય, થિયેટર અવેલેબલ હોય, ત્યારે રાખી અચૂક મને ફોન કરે અને જો મારે જરૂર હોય તો એ કહે એ તારીખનું ભાડું પહોંચતું કરવા હું પહોંચી જતો. ખરેખર ! હું નસીબદાર કે ખોટી દુનિયામાં મને થોડા સાચા સંબંધો પણ મળ્યા. ભગવાન મને મદદ કરવા આવી જ જતો હોય છે. કારણ, આપણે થાય તો લોકોનું ભલું જ કરવાનો પ્રયત્ન કર્યો છે,ખરાબ ભાવના ક્યારેય નથી વિચારી. માણસ જયારે કઈ ખોટું કામ કરે છે ત્યારે ડાબે-જમણે, આગળ-પાછળ જોઈ લેતો હોય છે, પણ ઉપર જોવાનું ભૂલી જતો હોય છે. જો ઉપરવાળાનો ડર રાખે તો નીચાજોણું ન થાય એવું હું માનું છું.
આમ તો બંને અંક આવી ગયા. ત્રીજો અંક રિહર્સલ શરૂ થયાના ત્રીજા દિવસે આવી ગયો. થોડા ફેરફાર સાથે અમે મચી પડ્યા, ચર્નીરોડ સ્ટેશનની સામે આવેલ શાંતિ નિવાસમાં. લગ્નની સિઝન હતી નહિ એટલે રિહર્સલ-હોલ માગો એ દિવસ અને સમય માટે મળી રહ્યો હતો. રિહર્સલ સમય બધાએ નક્કી કર્યો, બપોરે બે થી રાત્રે નવ સુધીનો. દેવયાનીબેન માટે તો ઢુંકડું હતું. તો કિરણ ભટ્ટ ( કે.બી. ) એ વખતે ગઝદર પાર્કમાં રહેતો એટલે એને માટે પણ ખાસ દૂર નહોતું. બાકીના બીજા વેસ્ટર્ન-સબર્બનાં હતા. એમને પણ વાંધો નહોતો.
અમે શરુ થઇ ગયા. આગલા દિવસે થયેલું કામ બીજા દિવસે બધું પાકું કરીને આવવું એવી સૂચના આપી દીધી. સીધી વાત હતી કે નાટક ૭ થી ૮ દિવસમાં રમતું કરવાનું હતું. આમાં જી.આર. નાં બે દિવસ પણ આવી ગયા.
બધાનો સહકાર મળતો રહેતો. ઘનશ્યામભાઈ નિર્માતાને પ્રગતિ રોજ જણાવતા રહેતા હશે. નિર્માતા માટે મલાડથી મુંબઈ આવવું, એ પણ ધંધો છોડીને, એ મુશ્કેલ હોય જ. નોટબુકના વિક્રેતાને સ્ક્રીપ્ટનાં પાનાઓમાં ખાસ ગતાગમ ન પડે એ સમજાય એવી વાત હતી. મને નાટકના રિહર્સલની પ્રગતિ પરથી હકારાત્મકતાનો અનુભવ થઇ રહ્યો હતો. કામમાં સફળતા જોઈતી હોય તો સલાહ હારેલાની, અનુભવ જીતેલાનો અને સમજણ પોતાની રાખવી અને હું એ જ ફોલો કરી રહ્યો હતો. અને આ ફોલો કરો તો હાર સંભવે નહિ એવું હું માનું છું.
રિહર્સલ દરમ્યાન દેવયાનીબેનનાં સમય બાબત ઉપર-નીચે થતું રહેતું. કોઈ ફિલ્મ-નિર્માતા મળવા આવે તો ૧૫-૨૦ મિનીટ તો બગડી જ જતી. રિહર્સલનું કામ ત્યારે ખોરંભાઈ જતું. હું એમના ભવિષ્યના મળનારા કામ માટે રોકી તો ન શકું. વચ્ચે બે-ચાર વાર મેં ટકોર તો કરી પણ એ ટકોરાબદ્ધ સાબિત નહોતી થતી. ક્યારેક મને થતું કે એ ઘનશ્યામભાઈને માટે જ નાટક
કરતા હતાં કે એમને ખરેખર નાટક કરવાની ઇચ્છા હતી..! સંવાદો મોઢે કરવામાં સૌથી વધુ સમય તેઓ જ લેતાં હતાં. આ નાટક કરતા પહેલા ઘણાં સારાં-સારાં નાટકો એમના નામે જમા હતા. વચ્ચે ગુજરાતી ફિલ્મોની સુનામી આવી એમાં કદાચ આ ત્રુટી આવી ગઈ હોય એ બની શકે. ફિલ્મોમાં રી-ટેકની સગવડ હોય, નાટકમાં એ શક્ય નથી હોતું, તમારે સંવાદો મોઢે કરવા જ પડે. ચાલુ શોમાં લબડયા તો મોઢું બતાવવું ભારે પડે.
રિહર્સલ દરમ્યાન એમની સાથે દલીલો પણ ઘણી થતી રહેતી.વાતાવરણ વધુ ઉગ્ર બને ત્યારે મધ્યસ્થી કરવા તરત ઘનશ્યામભાઈ આવી જતા. મને એમનો કોઈ વ્યક્તિગત વાંધો નહોતો, પણ કલાકારે એટીટ્યુડ પ્રોફેશનલ જ રાખવો જોઈએ. ભૂલોનો બચાવ કરવા કબૂલાત કરવામાં ઓછો સમય લાગે એ વાત એમના એટીટ્યુડમાં કળાતી જ નહોતી. ઘણા એવા પણ હોય છે કે જે તમને કારણ વગર હેરાન કરી આનંદ લેતા હોય છે. કદાચ મારા માટે દેવયાનીબેન બીજા નંબરમાં આવતાં હતાં. મારું એમણે કઈ બગડ્યું નહોતું પણ છતાં મને એ એક્ટિંગ કરતા ઉપકાર મારા પર કરતાં હોય એવું સતત લાગ્યા કરતું. પોતાની સિનિરિયોટી બતાવવા એમણે બીજા સાથી કલાકારોના ગ્રુપ બનાવવાનાં પણ શરૂ કરી દીધા. મેં એ સખત શબ્દોની ઝાટકણી કાઢી અટકાવી દીધા. ગ્રુપમાં ફેમિલી હોય તો આનંદ આવે પણ જ્યારે ફેમિલીમાં ગ્રુપ બનવા માંડે ત્યારે તકલીફ સિવાય કઈ સાંપડતું નથી.
છતાં ઘનશ્યામભાઈને લીધે મેં ધીરજ રાખી હતી. એમની સાથે કામ પૂરતી જ વાત કરતો. પણ જયારે કામમાં પરાણેની વૃત્તિ દેખાય કે હું ઘનશ્યામભાઈ ને કાનમાં કહી દેતો. એમની સામે થૂંક ઉડાડવાથી કોઈ કામ થવાનું નહોતું. મોઢામાં જીભ રાખવાથી ઘણી તકલીફો ઓછી થતી હોય છે. આમ રિહર્સલનો પ્રોસેસ આગળ વધતો ગયો.બીજા અને ત્રીજા અંકનું પણ સેટિંગ પૂરું કર્યું અને મામલો જી.આર. સુધી પહોંચી ગયો. …જી.આર. ભવન્સ-ચોપાટીમાં રાખવાનું નક્કી કર્યું, બે દિવસ! (ક્રમશ:)
*******************
હર ખુશીને ખુશી ન સમજો, હર ગમને ગમ ન સમજો,
જો આ દુનિયામાં જીવવું હોય, તો ખુદને કોઈથી કમ ન સમજો!
***************
ડબ્બલ રીચાર્જ
પૈસા ડબલ કરવાનો સરળ ઉપાય…
પૈસાને અરીસા સામે રાખી દો…

RELATED ARTICLES

Most Popular