મેલબર્નઃ બ્રિટનના સ્ટાર ટેનિસ ખેલાડી એન્ડી મરેએ મંગળવારે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં પાંચ સેટના રોમાંચક મુકાબલામાં માતિઓ બેરેટિનીને હરાવ્યો હતો. મંગળવારની મેચમાં મરેએ બેરેટિનીને પાંચ સેટ્સ (6 – 3, 6 – 3, 4 – 6, 6 – 7, 7 – 6)ના અંતે જીત હાંસલ કરી હતી. મરેએ પાંચ કલાકમાં બેરેટિનીને હરાવ્યો હતો. ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન મુરેએ 2017 પછી પ્રથમ વખત કોઈ મોટી ટુર્નામેન્ટમાં ટોપ 20માં સ્થાન મેળવનાર ખેલાડીને હરાવ્યો છે.
મરે ઓસ્ટ્રેલિયન ઓપનમાં 50 મેચ જીતનાર માત્ર પાંચમો પુરૂષ ખેલાડી બન્યો હતો. તેના પહેલા નોવાક જોકોવિચ, રોજર ફેડરર, રાફેલ નડાલ અને સ્ટેફન એડબર્ગ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
રશિયન ટેનિસ ખેલાડી આન્દ્રે રૂબલેવે પણ વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી લેનાર ડોમિનિક થીમને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ટૂર્નામેન્ટના આયોજકો દ્વારા તેને વાઈલ્ડ કાર્ડ આપવામાં આવ્યો હતો. હવે રૂબલેવનો સામનો ઓસ્ટ્રેલિયન ક્વોલિફાયર મેક્સ પરસેલ અથવા ફિનલેન્ડના એમિલ રુસુવુઓરી સામે થશે.
2017માં સેમિફાઇનલ રમનાર ગ્રિગોર દિમિત્રોવે અસલાન કારાત્સેવને હરાવ્યો હતો. કેરોલિના ગાર્સિયાએ કેનેડિયન ક્વોલિફાયર કેથરિન સેબોવને પણ હરાવ્યો હતો.