આંધ્રપ્રદેશમાં બેરહેમીની હદપાર! સગીરા પર બળાત્કાર ન કરી શક્યો તો નરાધમે એસિડ પીવડાવીને ગળુ કાપ્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આંધ્રપ્રદેશથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં એક યુવકે સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે સગીરાએ તેનો વિરોધ કર્યો તો યુવકે તેને એસિડ પીવડાવ્યું અને તેનું ગળું કાપી નાંખ્યું. કાળજું કંપાવનારી આ ઘટના નેલ્લોર જિલ્લાના એક ગામની છે. પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સોમવારે બની હતી. નવમા ધોરણમાં ભણતી 14 વર્ષની વિદ્યાર્થિની તેના ઘરે જ્યારે એકલી હતી ત્યારે તક જોઈને આરોપી તેના ઘરમાં ઘુસી ગયો હતો અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બચવા માટે સગીરા બાથરૂમમાં પુરાઈ ગઈ ત્યારે આરોપીએ દરવાજો તોડી નાંખ્યો હતો. કિશોરીએ જ્યારે તેનો વિરોધ કર્યો તો બાથરૂમ સાફ કરવા માટે વપરાતો એસિડ તેના મોઢામાં નાંખી દીધો હતો. પીડાથી કિશોરીએ બૂમો પાડવાની ચાલુ કરી તો ઉશ્કેરાયેલા નરાધમે છરી વડે તેનું ગળુ કાપી નાંખ્યું હતું. પાડોશીને કિશોરીનો અવાજ સંભળાયો તે તરત જ તેની પાસે પહોંચ્યા ત્યારે લોહીના ખાબોચિયામાં પડેલી મળી હતી. તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર તેની હાલત નાજુક છે. આ સાથે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે પીડિતાનો સંબંધી છે. આ ઘટનામાં વધુ લોકો સંડોવાયેલા હોય એવી શંકા પોલીસે વ્યક્ત કરી છે અને સ્થાનિકોએ દોષિતોને કડક સજા મળે એવી માગણી કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.