Homeઆમચી મુંબઈઅંધેરીના જેવીપીડી ફ્લાયઓવરની ડિઝાઈન બદલાતા કિંમતમાં થયો બમણો વધારો

અંધેરીના જેવીપીડી ફ્લાયઓવરની ડિઝાઈન બદલાતા કિંમતમાં થયો બમણો વધારો

300 કરોડને બદલે બનશે 650 કરોડ રૂપિયામાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:અંધેરી (પશ્ચિમ)માં જેવીપીડી જંક્શન પર ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા જુહૂ-વર્સોવા લિંક રોડથી (જેવીએલઆર) સીડી બરફીવાલા રોડ સુધી ફ્લાયઓવર બનાવવાની છે. બહુપ્રતિક્ષિત 1.65 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું કામ અગાઉ જ 300 કરોડ રૂપિયામાં થવાનું હતું, તે હવે મેટ્રો પ્રોજેક્ટને કારણે બ્રિજની ડિઝાઈન બદલાઈ જતા હવે પુલને બાંધવાનો ખર્ચ લગભગ 600 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.
એક વખત આ ફ્લાયઓવર બંધાઈ જશે ત્યાર બાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વેથી વર્સોવા સુધીની મુસાફરી વગર સિગ્નલને થશે. પ્રવાસનો સમય 45 મિનિટથી ઘટાડીને પાંચ મિનિટ થવાની ધારણા છે. બરફીવાલા ફ્લાયઓવર જ્યાં પૂરો થાય છે ત્યાંથી આ બ્રિજ શરૂ થશે અને જેવીએલઆર પર બાળાસાહેબ સાવંત માર્ગ પર ઊતરશે.
જેવીપીડી ફ્લાયઓવર ત્યાંથી શરૂ થશે જ્યાં બરફીવાલા ફ્લાયઓવરનો એક ભાગ પૂરો થાય છે. તે અંધેરીમાં ઍરપોર્ટની જમીનથી પસાર થશે, લિંક રોડથી બહાર નીકળશે અને અંધેરીના જુહૂ વર્સોવા લિંક રોડ પર બાળાસાહેબ સાવંત માર્ગ પર સમાપ્ત થશે. આનાથી જેવીપીડી સર્કલ પર ભીડ ઘટશે, જે મુંબઈના સૌથી મોટા જંક્શનોમાંનું એક છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ આ ફ્લાયઓવરના માર્ગ પર પ્રસ્તાવિત મેટ્રો-2નું કામ ગુલમહોર રોડ સુધી ચાલી રહ્યું છે. સાથે જ જેવીપીડી જંક્શન પર મેટ્રો સ્ટેશન પણ પ્રસ્તાવિત છે. તેથી અહીં ફ્લાયઓવર બનાવવાનું સંભવ નથી. તેથી ઍરપોર્ટ ઑથોરિટીની જમીનનું સંપાદન કરવામાં આવે એવી શક્યતા છે. પાલિકાએ આ જમીનના સંપાદન માટે 2019માં પત્ર લખ્યો હતો. બ્રિજની ડિઝાઈન, પ્લાનિંગ, અંદાજિત ખર્ચ અને ટેન્ડર જાહેર કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવામાં આવ્યો છે.
બ્રિજના બાંધકામ માટે પાલિકા ઍરપોર્ટ ઑથોરિટીની 134 વર્ગ મીટર જમીનની લગભગ 1.45 કરોડ અને 8,944 વર્ગ મીટર જમીન માટે 9.70 કરોડ રૂપિયા આપવાની છે.
નોંધનીય છે કે ગયા વર્ષે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે પાલિકાના 2022ના બજેટમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular