પ્રવાસીઓની સુવિધા માટે અંધેરી અને વસઈ સ્ટેશને નવા ઍસ્કેલેટર બેસાડ્યાં

આમચી મુંબઈ

પશ્ર્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ૯૭ ઍસ્કેલેટર બેસાડ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશન અંધેરી અને વસઈ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓની સુવિધા માટે નવા ઍસ્કેલેટર અને લિફ્ટ બેસાડવામાં આવ્યા છે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈ ડિવિઝનમાં વિવિધ રેલવે સ્ટેશન પૈકી અંધેરી, વસઈ રોડ અને દહાણુ રોડ સ્ટેશન ખાતે બે નવા ઍસ્કેલેટર અને ત્રણ લિફ્ટ બેસાડવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓને ટ્રેક ક્રોસ કરતા રોકવાની સાથે સિનિયર સિટિઝન પ્રવાસીઓની સુવિધા માટે ત્રણેય રેલવે સ્ટેશનમાં નવી લિફ્ટ અને ઍસ્કેલેટર બેસાડવામાં આવ્યા છે.
પ્રવાસીઓની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવેએ મુંબઈ ડિવિઝનમાં અત્યાર સુધીમાં ૯૭ ઍસ્કેલેટર અને ૪૭ લિફ્ટ સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યા છે. વસઈ રોડ સ્ટેશને બે નવી લિફ્ટ અને દહાણુ રોડ ખાતે લિફ્ટ પૂરી પાડવામાં આવી છે. દહાણુ રોડ સ્ેટશનના ટૂએ પ્લૅટફૉર્મ અને પ્લૅટફૉર્મ નંબર એક ખાતે લિફ્ટ બેસાડવાની સાથે અંધેરી અને વસઈ રોડ સ્ટેશન ખાતે પણ બે એસ્કેલેટર બેસાડવામાં આવ્યા છે. અંધેરીમાં છ-સાત નંબરના પ્લૅટફૉર્મ પર એક ઍસ્કેલેટર બેસાડવામાં આવ્યું છે. માર્ચ, ૨૦૨૩ના અંત સુધીમાં મુંબઈ ડિવિઝનમાં ૧૮ ઍસ્કેલેટર અને ૧૨ લિફ્ટ ચાલુ કરવાની યોજના છે, જેથી પ્રવાસીઓને સ્ટેશનના પરિસરમાં અવરજવર કરવા માટે એફઓબી સહિત ઍસ્કેલેટર-લિફ્ટનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવે છે, એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું. ——-
નવા ઍસ્કેલેટર માટે રેગ્યુલર મેઈન્ટેનન્સ રાખવાનું જરૂરી: સંગઠન
સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓની સુવિધા માટે ખાસ કરીને મહત્તમ લિફ્ટ-ઍસ્કેલેટર બેસાડવામાં આવે તો અકસ્માતનું પ્રમાણ ઘટી શકે છે. જોકે, નવા ઍસ્કેલેટર બેસાડવાની સાથે તેના મેન્ટેનન્સ મુદ્દે ધ્યાન રાખવાનું જરૂરી છે, જેમાં બેદરકારી રાખવામાં આવે તો આ સુવિધા કામની નથી, એમ પેસેન્જર સંગઠને જણાવ્યું હતું. ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓની સુવિધા માટે (એક, બે, ત્રણ અને ચાર નંબરના પ્લૅટફૉર્મ ખાતે) ઍસ્કેલેટર ચાલુ કરવાની પશ્ર્ચિમ રેલવેના અધિકારીને ભલામણ કરવામાં આવી છે, જ્યારે સિનિયર સિટિઝન, બાળકો સહિત વિકલાંગ પ્રવાસીઓની સુવિધા માટે ૨૦ ફૂટથી ઊંચા એફઓબી બનાવવાની ભલામણ કરી હતી, જે મુદ્દે અધિકારીએ સકારાત્મક વલણ દાખવ્યું છે, એમ પેસેન્જર એન્ડ ટ્રાફિક રિલીફ એસોસિયેશન મુંબઈના સેક્રેટરી મન્સુર દરવેશે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.