અંધેરે મેં જો બૈઠે હૈં, નઝર ઉન પર ભી કુછ ડાલો

40

મેહબૂબ ખાન – યશ ચોપડા – કરણ જોહર વગેરે ગ્લેમરસ ફિલ્મમેકરને તો જાણતા જ હશો, પણ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ને મળેલા ઓસ્કર ઍવૉર્ડ નિમિત્તે એસ. સુખદેવ, ફલી બિલીમોરિયા કે આનંદ પટવર્ધનને સુધ્ધાં સિને પ્રેમીઓએ ઓળખી લેવા જોઈએ

હેન્રી શાસ્ત્રી

(ડાબેથી) એસ. સુખદેવ, ફલી બિલીમોરિયા અને આનંદ પટવર્ધન

જી હા, એસ. સુખદેવ, ફલી બિલીમોરિયા અને આનંદ પટવર્ધન ડોક્યુમેન્ટરી ફિલ્મમેકિંગની દુનિયાના ત્રણ હોનહાર રત્ન છે. મેહબૂબ ખાન – નરગીસની ‘મધર ઈન્ડિયા’નો ઓસ્કર માટે નોમિનેટ થયેલી પહેલી હિન્દી ફીચર ફિલ્મ તરીકે એટલી બધી વાર એટલી બધી જગ્યાએ ઉલ્લેખ થયો છે કે સિને રસિકોને એ હકીકત મોઢે થઈ ગઈ છે. ગ્લેમરના ગુણગાન ગાવામાં આપણે ભાગ્યે જ પાછા પડીએ. બીજી તરફ ચળકાટ વિહીન અને ગ્લેમરનો ગ સુધ્ધાં જેની આસપાસ નથી ફરકતો એ ડોક્યુમેન્ટરી ફિલ્મના સર્વપ્રથમ નામાંકન અંગે કોઈ કરતા કોઈ જ જાણકારી – માહિતી મોટાભાગના સિને રસિકો પાસે નહીં હોય યે બાત હમ દાવે કે સાથ કેહ સકતે હૈં. જોગાનુજોગ એવો સર્જાયો છે કે આવતી કાલે જેમની જન્મશતાબ્દી છે એ અગ્રણી ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર ફલી બિલીમોરિયા (જન્મ: ૧૮ માર્ચ, ૧૯૨૩)ની ડોક્યુમેન્ટરી ‘ધ હાઉસ ધેટ આનંદ બિલ્ટ’ (૧૯૬૮) ઓસ્કર ઍવૉર્ડ માટે નામાંકન થયેલી પ્રથમ ભારતીય ડોક્યુમેન્ટરી (શોર્ટ ફિલ્મ) તરીકે ઈતિહાસના ચોપડે વટથી બિરાજે છે. ભારતીય ડોક્યુમેન્ટરી વિભાગના ત્રણ અગ્રણી ફિલ્મમેકરોની મૂળભૂત જાણકારી આપવાનો આ પ્રયાસ.
ફલી બિલીમોરિયા (ધ હાઉસ ધેટ આનંદ બિલ્ટ):
સો વર્ષ પહેલા મુંબઈમાં જન્મેલા ફ્લીભાઈના પિતાશ્રી વકીલ હતા. દીકરાને ડેડી જેવા થવાની હોશ નહોતી, પણ મજા તો એ વાતની છે કે દાક્તરીનું ભણતર અધવચ્ચે પડતું મૂકી ભાઈ રાજકારણમાં જોડાયા. જોકે, બહુ જલદી પોલિટિક્સ સાથે છેડો ફાડી નાખ્યો અને હાથમાં સ્ટેથોસ્કોપ કે માઈક પકડવાની બદલે કેમેરા પકડી લીધો. ૧૯૪૭ – ૪૮માં જર્મન સિનેમેટોગ્રાફર પોલ ઝિલ્સ સાથે કામ શરૂ કર્યું અને ‘હવે તો ફિલ્મ એ જ કલ્યાણ’ એ મંત્ર ગોખી લીધો. ડોક્યુમેન્ટરીની દુનિયામાં બંનેનો સથવારો લગભગ એક દાયકા સુધી રહ્યો અને પચાસના દાયકામાં મિસ્ટર પોલ જર્મની જતા રહ્યા પછી ૧૯૫૯માં ‘ફલી બિલીમોરિયા પ્રોડક્શન’ નામે કંપની શરૂ કરી. ડોક્યુમેન્ટરી અને ફિચર ફિલ્મ વચ્ચે રહેલું અંતર ઘટાડવા ફલીભાઈએ એ સમયનાં બંગાળી નાટકોના પ્રસિદ્ધ અભિનેતા અને ‘ધરતી કે લાલ’ અને ‘જાગતે રહો’માં અભિનય કરનાર શંભુ મિત્રને મેલેરિયા વિશે બનાવેલી ડોક્યુમેન્ટરીમાં ચમકાવ્યો. એમની ડોક્યુમેન્ટરીમાં ગજબનું વિષય વૈવિધ્ય જોવા મળતું હતું. એગ્રિકલ્ચરલ ટેકનોલોજી, હેન્ડલૂમમાં કો-ઓપરેટિવ મુવમેન્ટ, મત્સ્ય ઉદ્યોગ વગેરે એમની ડોક્યુમેન્ટરીના વિષયો હતા. જવાહરલાલ નહેરુ સામ્યવાદી વિચારસરણી નથી ધરાવતા એ યુએસના વિદેશ બાબતના મંત્રાલયને સમજાવવા ફ્લીભાઈએ નહેરુના ઇન્ટરવ્યુનું ફિલ્માંકન કર્યું હતું. ૧૯૪૭ અને ૪૮ના કૉંગ્રેસ અધિવેશનની ડોક્યુમેન્ટરીથી પા પા પગલી ભરી ૩૫થી વધુ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કરવા ઉપરાંત ‘ફિફટી માઇલ્સ ફ્રોમ પૂના’, ‘ઝલઝલા’ અને ‘અવર ઈન્ડિયા’ જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી પણ કરી. વિષય વૈવિધ્ય માટે જાણીતા ફલી બિલીમોરિયા માટે ૧૯૬૮નું વર્ષ સીમાચિ બની રહ્યું. તેમની ‘વોટર’ને સામાજિક સમસ્યાઓને વાચા આપતી શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ ઍવૉર્ડ મળ્યો, ‘ધ હાઉસ ધેટ આનંદ બિલ્ટ’ના ચારેકોર ગુણગાન ગવાયા અને તેને ઓસ્કર માટે નોમિનેટ થનાર પહેલી ભારતીય ડોક્યુમેન્ટરીનું માન મળ્યું. આ ફિલ્મમાં ઓરિસ્સામાં (આજે ઓડિશા કહેવાય છે) રહેતા એક ખેડૂત અને દેશના અન્ય ભાગમાં સ્થળાંતર કરી આધુનિક શૈલીથી જીવતા તેના પુત્રો સાથે બદલાતા સંબંધોનાં સમીકરણોની વાત વણી લેવામાં આવી છે. ‘ધ લાસ્ટ રાજા’ (૧૯૭૨)માં રાજાશાહી ખતમ થતા નાનકડા રાજ્યના રાજવીની બદલાતી જીવનશૈલી પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. એડવર્ટાઇઝિંગ ફિલ્મો પણ બનાવનાર ફલી સાહેબ ૧૯૮૭માં નિવૃત્ત થયા હતા અને ૨૦૦૧માં તેમનું અવસાન થયું હતું. કમાલનું કામ કર્યું હોવા છતાં ઉપેક્ષિત ક્ષેત્રમાં યોગદાનને કારણે આજે ભાગ્યે જ કોઈ તેમને જાણે છે.
એસ. સુખદેવ (શાયરા-મીનાકુમારીની ડોક્યુમેન્ટરી):
૩૧ રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવનાર સુખદેવ સિંહ સંધુનો જન્મ ૧૯૩૯માં દેહરાદૂનમાં લુધિયાણાના શીખ પરિવારમાં થયો હતો. ફલી બિલીમોરિયાના જે ગુરુ હતા એ જ પોલ ઝિલ્સ સુખદેવના પણ ગુરુ હતા. હેન્ડમેડ પેપરની ડોક્યુમેન્ટરી તેમણે દિગ્દર્શિત કરેલી પહેલી ફિલ્મ. પોલ જર્મની ગયા પછી સુખદેવએ પણ યુનાઇટેડ ફિલ્મ આર્ટ્સ નામની કંપની શરૂ કરી. પહેલી જ ડોક્યુમેન્ટરી ‘ઈવોલ્યુશન એન્ડ રેસીસ ઓફ મેન’થી પ્રભાવ પાડનાર સુખદેવે મોટે ભાગે ફિલ્મ્સ ડિવિઝન માટે કામ કર્યું. તેમની ‘ઇન્ડિયા ૬૭’ને સેન્સરની લાલ આંખનો સામનો કરવો પડ્યો હતો. તેમની ડોક્યુમેન્ટરીમાં મોન્ટાજ ટેક્નિક (ફિલ્મ એડિટિંગની વિશિષ્ટ પદ્ધતિ)નો બહોળો ઉપયોગ જોવા મળ્યો જેના કારણે તેમની ફિલ્મો વધુ પ્રભાવ પાડી જતી. લડાયક મિજાજ તેમની ફિલ્મોમાં નજરે પડતો. તેમની અંતિમ ડોક્યુમેન્ટરી ’શાયરા’ (વૈકલ્પિક શીર્ષક ‘સાહિરા’) ટ્રેજેડી ક્વીન અભિનેત્રી મીના કુમારી પર હતી. અલબત્ત એ ફિલ્મ પૂરી થાય એ પહેલા હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું અને બાકીની ફિલ્મ તેમના મિત્ર ગુલઝારસાબે પૂરી કરી હતી. સુખદેવની ૮૮મી જન્મજયંતી નિમિત્તે ૨૦૨૧ની પહેલી ઓક્ટોબરે તેમને અંજલિ આપતો એક કાર્યક્રમ દિવસભર ફિલ્મ ડિવિઝનની વેબસાઈટ અને યુ ટ્યુબ ચેનલ પર દેખાડવામાં આવ્યો હતો. બે ફિલ્મ ખાસ ધ્યાન ખેંચનારી હતી. એક હતી ગુલઝારે તૈયાર કરેલી ‘એક આકાર’ (૨૧ મિનિટ/હિન્દી/૧૯૮૫/) અને બીજી હતી સુખદેવની પુત્રી શબનમ સુખદેવની ‘ધ લાસ્ટ અદિયુ’ – અંતિમ વિદાય (૯૨ મિનિટ/અંગ્રેજી/૨૦૧૩). ‘એક આકાર’માં ગુલઝારે સુખદેવની કેટલીક તસ્વીરોમાં નજરે પડતા તેમના હાવભાવ અને દેખાવ ઉપરાંત પંખી, જંતુ જેવા પ્રતીકનો ઉપયોગ કરી સુખદેવનું વ્યક્તિત્વ ઉપસાવવાનો પ્રયાસ કર્યો છે. શબનમની ફિલ્મમાં સુખદેવનું વ્યક્તિચિત્ર રજૂ થાય છે. સુખદેવની પુત્રીના કહેવા અનુસાર ‘તેમની ફિલ્મો થિયેટરમાં અચૂક દેખાડવામાં આવતી અને એ માટે ખાસ ૨૦ મિનિટની ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવતી હતી. ભારત અને વિદેશમાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મો રજૂ થતી અને જ્યુરી તરીકે પણ તેમને આમંત્રણ મળતું હતું. ૧૯૭૨ પછી ટીવી પર પણ તેમની ડોક્યુમેન્ટરીનું પ્રસારણ નિયમિત થતું હતું. કુંભ મેળા પર તેમણે તૈયાર કરેલી ફિલ્મ કમનસીબે ભારતમાં ઉપલબ્ધ નથી.’
સુખદેવની સૌથી જાણીતી, જોવાયેલી અને ચર્ચાયેલી ડોક્યુમેન્ટરી છે ‘નાઈન મન્થ્સ ટુ ફ્રીડમ: ધ સ્ટોરી ઓફ બાંગ્લાદેશ.’ ફિલ્મમાં મુજીબ ઉર રહેમાન દ્વારા સ્વાતંત્ર્યની માગણી, પાકિસ્તાન લશ્કરનો અત્યાચાર, બાંગ્લાદેશની મુક્તિ વાહિનીનો સંઘર્ષ અને લડત અને છેવટે ભારતીય લશ્કરના હાથે પાકિસ્તાનનો પરાજય અને બાંગ્લાદેશનું સ્વાતંત્ર્ય ઘટનાઓને ક્રમવાર વણી લેવામાં આવી છે. ફિલ્મમાં બીબીસી ટીવી, પાકિસ્તાન ટીવી, અખબારી મથાળાંની ક્લિપ દેખાડવા ઉપરાંત બાંગ્લાદેશમાં થયેલો
નરસંહાર પણ દેખાડવામાં આવ્યો છે. આ હોનહાર સર્જકનું મોટાભાગનું સર્જન કમનસીબે નથી સચવાયું.
સુખદેવએ એક ફીચર ફિલ્મ ‘માય લવ’ (શશી કપૂર – શર્મિલા ટાગોર) પણ બનાવી હતી. ફિલ્મ ફ્લોપ હતી પણ મુકેશે ગાયેલું એક ગીત ‘વો તેરે પ્યાર કા ગમ, એક બહાના થા સનમ’ આજે પણ લોકોની સ્મૃતિમાં સચવાઈને પડ્યું છે. અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ તરીકે મશહૂર ખ્વાજા એહમદ અબ્બાસની ‘સાત હિન્દુસ્તાની’ તેમ જ મર્ચન્ટ આઇવરીની ‘બોમ્બે ટોકી’માં અભિનય પણ કર્યો હતો. તેમની ‘ફોર ડિરેક્ટર્સ’ નામની એક ફિલ્મ અધૂરી રહી ગઈ હતી જેમાં કુરોસાવા, એન્ટોનિઓની, કાઝાન અને સત્યજિત રે દિલ્હી ફિલ્મ ફેસ્ટિવલ (૧૯૭૭)માં હાજર હતા એનું ફૂટેજ જોવા મળે છે.
આનંદ પટવર્ધન (હમારા શહર): ૨૧ વર્ષની ઉંમરે ટીબીની સારવારની જાણકારી જનતા સુધી પહોંચાડવા સ્લાઈડ શોનું આયોજન કરનાર મુંબઈમાં જન્મેલા આનંદ પટવર્ધને ૨૫ વર્ષની ઉંમરે ‘વેવ્ઝ ઓફ રિવોલ્યુશન’ – ક્રાંતિ કી તરંગે (૩૦ મિનિટ/અંગ્રેજી/૧૯૭૫) નામની પહેલી ડોક્યુમેન્ટરી બનાવતી વખતે જ સત્તાધારી સામે આંગળી ચીંધવામાં ડરવું નહીં એ સ્થાપિત કરી દીધું. ત્યારબાદ આનંદ પટવર્ધન કોઈ પણ સરકાર હોય, સતત સેન્સરના સાણસામાં સપડાતા રહ્યા છે. પહેલી જ ડોક્યુમેન્ટરીમાં ગુજરાતમાં નવનિર્માણ ચળવળ અને એને પગલે બિહારમાં જયપ્રકાશ નારાયણનું આંદોલન અને ૧૬ જૂન, ૧૯૭૫ના દિવસે જાહેર થયેલી કટોકટીના ઘટનાક્રમને આવરી લેવાયા હતા. ઇન્દિરા ગાંધીના શાસનને પડકારતી આ ડોક્યુમેન્ટરીને કટોકટી કાળ દરમિયાન પણ અજ્ઞાત સ્થળે લોકોને દેખાડવામાં આવતી હતી. આ ડોક્યુમેન્ટરીની સિક્વલ ‘પ્રિઝનર્સ ઓફ કોન્શિયસ’ (૧૯૭૮) હિન્દી – અંગ્રેજીમાં બની હતી. ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયેલા શ્રી પટવર્ધને વિદેશમાં પણ બે ડોક્યુમેન્ટરી બનાવી હતી. ૧૯૮૨માં મુંબઈ પાછા ફર્યા બાદ મહત્ત્વ ધરાવતા સામાજિક – રાજકીય મુદ્દાઓ કેન્દ્રમાં રાખી કોઈની સાડીબારી રાખ્યા વિના ડોક્યુમેન્ટરી બનાવવાનું શરૂ કર્યું. ગયા વર્ષે કેનેડાના ટોરોન્ટોમાં આયોજિત ફેસ્ટિવલમાં આનંદ પટવર્ધનનું આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ ઍવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની લેટેસ્ટ ડોક્યુમેન્ટરી ‘રીઝન’ – ‘વિવેક’ સહિત કેટલીક ફિલ્મો દેખાડવામાં પણ આવી હતી. ‘રીઝન’માં તેમણે બે આગળ પાછળના શોટમાં બે માનસિકતા દેખાડી હતી. પહેલામાં ધર્મ અને અંધશ્રદ્ધા હતા જ્યારે બીજામાં વિજ્ઞાન અને હાઈકત હતા. અનેક વાર ચોક્કસ જૂથ દ્વારા આ ફિલ્મના પ્રદર્શનમાં અંતરાયો ઊભા કરવામાં આવ્યા હતા એ વાતની નવાઈ ન લાગવી જોઈએ. બહુ સંખ્યાવાદની કાયમ આકરી ટીકા કરનાર આનંદ પટવર્ધને ત્રણ દાયકા પહેલા ‘રામ કે નામ’ ડોક્યુમેન્ટરી બનાવી હતી. ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રા ભારતીય સમાજના વિભાજનમાં કઈ રીતે નિમિત્ત બની એ અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો હતો. ‘બોમ્બે: અવર સિટી – હમારા શહર’ (૧૯૮૫) મુંબઈના ઝૂંપડપટ્ટી રહેવાસીઓની ટકી રહેવાની સંઘર્ષ કથા હતી અને એને બેસ્ટ નોન – ફીચર ફિલ્મનો નેશનલ ઍવૉર્ડ મળ્યો હતો. જન જાગૃતિનો પ્રયાસ અને હિંસા વિના સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ શ્રી પટવર્ધનની ડોક્યુમેન્ટરીના મહત્ત્વના પાસા રહ્યા છે. ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર, માર્ટિન લ્યુથર કિંગ માટે આદર ધરાવતા આ ફિલ્મમેકરનો ઝુકાવ અહિંસા તરફ હોય એ સ્વાભાવિક છે. સખેદ નોંધવું રહ્યું કે ડોક્યુમેન્ટરી ફિલ્મમેકિંગમાં અનન્ય યોગદાન આપનાર આનંદ પટવર્ધનને ઓળખનારા બહુ જૂજ છે અને તેમની ફિલ્મો જોનારા… કંઈ કહેવાની જરૂર ખરી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!