ગઈકાલે મહાશિવરાત્રી નિમિત્તે, ઉજ્જૈનના રામ ઘાટ પર આયોજિત કરાયેલા “શિવ જ્યોતિ અર્પણમ 2023” કાર્યક્રમમાં 18 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને આ સાથે જ રામ જન્મભૂમિ અયોધ્યાનો રેકોર્ડ તૂટી ગયો હતો. જે લોકોએ આ દ્રશ્ય જોયું એ લોકો આ દ્રશ્ય આંખભરીને જોતા જ રહ્યા. મહાશિવરાત્રિના અવસરે શિવજીની શોભાયાત્રામાં જાણે તારાઓ ખુદ ધરતી પર ઉતરી આવ્યા હોય એવી અનુભૂતિ થઈ રહી હતી. ઉજ્જૈનમાં શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમમાં ક્ષિપ્રા નદીના કિનારે એક સાથે 18 લાખ 82 હજાર દીવાઓ પ્રગટાવવાનો રેકોર્ડ મહાશિવરાત્રી નિમિત્તે બનાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉજ્જૈને અયોધ્યાના 15 લાખ દીપોત્સવનો રેકોર્ડ તોડ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે સીએમ શિવરાજ સિંહ ચૌહાણને સર્ટિફિકેટ આપ્યું હતું.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા રામ ઘાટ પર પહોંચ્યા હતા અને આ અભૂતપૂર્વ ઘટનાના સાક્ષી બન્યા હતા. 18 લાખ દીવાઓની રોશની સાથે ઉજ્જૈનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. સાંજે હૂટર વાગતાની સાથે જ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘાટ પરની લાઈટ્સ બંધ કરવામાં આવી હતી જેને કારણે દીવાઓની રોશનીમાં ઘાટની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.
સીએમ શિવરાજે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં જ શિપ્રા નદીનો આખો કિનારો લાખો દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યો હતો. દીપોત્સવ પહેલા સીએમ શિવરાજે ગર્ભગૃહમાં બાબા મહાકાલના દર્શન કર્યા હતા.