Homeદેશ વિદેશસૌરાષ્ટ્રએ રંગ રાખ્યો, બંગાળને નવ વિકેટે હરાવી રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું

સૌરાષ્ટ્રએ રંગ રાખ્યો, બંગાળને નવ વિકેટે હરાવી રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું

રવિવારે અહીં રણજી ટ્રોફી ફાઇનલમાં બંગાળને ચોથા દિવસે નવ વિકેટથી હરાવી સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું હતું. સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં 230 રનની જંગી લીડ લીધા બાદ જ વિજય તરફ એક ડગલું ભર્યું હતું. બંગાળે ચાર વિકેટે 169 રનથી દિવસની શરૂઆત કરી હતી પરંતુ તેની આખી ટીમ 241 રનમાં આઉટ થઈ ગઈ હતી.
સૌરાષ્ટ્રને મેચ જીતવા માટે 12 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સૌરાષ્ટ્રે ઓપનર જય ગોહિલ (0)ની વિકેટ ગુમાવી ,પરંતુ ટીમ 2.4 ઓવરમાં 14 રન બનાવીને બીજી વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બની હતી. 2019-20ની સિઝનમાં રણજી ટ્રોફી ચેમ્પિયન ટાઇટલ સૌરાષ્ટ્રને મળ્યું હતું. તે સમયે ટીમે પ્રથમ દાવની લીડના આધારે બંગાળને હરાવ્યું હતું. સૌરાષ્ટ્ર છેલ્લી 10 સિઝનમાં પાંચ વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે અને જબરદસ્ત સાતત્ય દાખવ્યું છે.
બંગાળની ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનવાનું ચૂકી ગઈ. તેઓએ તેમનું છેલ્લું ટાઇટલ 1989-90માં આ જ ઇડન ગાર્ડન્સ મેદાન પર દિલ્હીને હરાવીને જીત્યું હતું.
રમતની શરૂઆતમાં ઉનડકટે ફરી એકવાર પોતાની બોલિંગ કૌશલ્ય પુરવાર કર્યું હતું. શાહબાઝ અહેમદ (27 રન) આઉટ થયા બાદ તેણે છેલ્લી પાંચમાંથી ચાર વિકેટ લીધી હતી. તેણે શનિવારે બે વિકેટ ઝડપી હતી. બંગાળના અનુભવી બેટ્સમેન સુકાની મનોજ તિવારી (68) અને અનુસ્તુપ મજુમદાર (61) એ લડાયક અડધી સદી નોંધાવી હતી પરંતુ ટોચના ક્રમના બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. અભિમન્યુ ઇશ્વરન ફાઇનલમાં બે ઇનિંગ્સમાં માત્ર શૂન્ય અને 16 રન બનાવી શક્યો હતો. સેમિફાઇનલમાં સદી ફટકારનાર સુદીપ ઘરમી માત્ર શૂન્ય અને 14 રનનું યોગદાન આપી શક્યો હતો. ઘરમીએ આ સિઝનમાં 800થી વધુ રન બનાવ્યા છે.
સુમંત ગુપ્તાને ફાઇનલમાં તક આપવી પણ બંગાળને મોંઘી પડી હતી. તેની પાસે જરૂરી તકનીકનો અભાવ જણાતો હતો. બહાર આવેલા બોલ પર તે અસ્વસ્થ દેખાતો હતો. રાજ્યના રમતગમત મંત્રી અને ટીમના કેપ્ટન તિવારીએ રણજી ટ્રોફીનો ખિતાબ જીતવા માટે નિવૃત્તિ લેવાનો નિર્ણય પડતો મૂક્યો હતો. આ તેમની ચોથી ફાઈનલ હતી પરંતુ દરેક વખતે તેઓ નિરાશ થયા હતા. અગાઉ, તિવારી અને શાહબાઝની આગલા દિવસની જોડી ત્રીજો રન લેવાનો પ્રયાસ કરતી વખતે ફાઉલ થઈ ગઈ હતી અને શાહબાઝ રન આઉટ થઇ ગયો હતો
આનાથી તિવારીની લય પણ ખોરવાઈ ગઈ હતી. તે ઉનડકટના બહારના બોલ પર બેટ ફટકારીને આઉટ થયો હતો. આના થોડા સમય બાદ બંગાળનો સ્કોર નવ વિકેટે 205 રન બની ગયો હતો. મુકેશ કુમાર અને ઇશાન પોરેલની છેલ્લી જોડીએ 37 બોલમાં 36 રનની ભાગીદારી કરીને ટીમને ઇનિંગની હારમાંથી બચાવી હતી. રણજી ફાઈનલ માટે ભારતીય ટીમમાંથી બહાર થયેલા ઉનડકટે પ્રથમ દાવમાં 44 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેને યુવા ડાબા હાથના ઝડપી બોલર ચેતન સાકરિયાએ સારો સાથ આપ્યો હતો. સાકરિયાએ 33 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular