… અને ટાંટિયો ભાંગ્યો

વીક એન્ડ

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

મને સમાચાર મળ્યા કે ચૂનિયાનો ટાંટિયો ભાંગ્યો છે. એટલે મેં ફોન કર્યો અને સીધું પૂછ્યું, ‘કાં મિત્ર, ટાંટિયો ભાંગ્યો?’ તો મને ગુસ્સા સાથે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ‘ભલા માણસ, સમાચાર પૂછવા તો એક બાજુ રહ્યા, સારાં વાક્યો બોલતાં પણ નથી આવડતાં. કોઈને પૂછવું હોય તો એમ પુછાય કે ‘શું ભાઈ પગ ભાંગ્યો? કેમ કરતાં ભાંગ્યો? હવે કેમ છે?’ તમે સીધું મારા પગનું અપમાન કરી અને તેને ટાંટિયો કરી નાખ્યો?’ એટલે ઝાઝી વાતે ગાડાં ભરાય એમ સમજી અને હું રૂબરૂ ખબર કાઢવા ગયો. જેવો હજી તો પલંગ પર બેઠો ત્યાં જ મને કહે,‘સફરજન લાવ્યા? ડોક્ટરે સફરજન ખાવાનું કહ્યું છે.’ ચૂનિયો જાણે ફળ ખાવા પગ ભાંગીને બેઠો હોય તેવું મને લાગ્યું. મેં વાત બદલાવતાં કહ્યું કે ‘ભલા માણસ, પગને મેં ટાંટિયો કર્યો તેમાં મારી લાગણી ઓછી થતી નથી. ચિંતા તો મોંઘવારીની જેમ વધતી જ હોયને.’ તો મને કહે, ‘અચાનક કોઈને મુખ્ય મંત્રીના પદ પરથી નીચે ઉતારી દો કે તેના ઘરે ઇન્કમ ટેક્સ કે ઈડીની રેડ પડાવો અને જેટલું દુ:ખ થાય એટલું દુ:ખ મને મારા પગમાંથી ટાંટિયા શબ્દ બોલવાથી લાગ્યું.’ એટલે મેં તરત જ કહ્યું કે ‘તમારાં ચરણોને એવું તો શું થયું કે તે ક્ષતિગ્રસ્ત થયાં?’ તરત જ તેના મોઢા પર તાજગી આવી ગઈ અને ખુશીથી બોલ્યો, ‘હવે એવું લાગે છે કે કોઈ રિક્ષાવાળો રાતોરાત મુખ્ય મંત્રી થઈ ગયો.’
ખરેખર શબ્દોનો આટલો પ્રભાવ પડતો હશે તે મને પહેલી વાર અનુભવ થયો. મેં તેને પૂછપરછ શરૂ કરી કે આ પગ કઈ રીતે ભાંગ્યો એટલે પહેલેથી જ તેણે શરૂ કર્યું કે ‘મકાનનું કામ ચાલતું હતું. પાયા માટે ખાડો ખોદાયો હતો. હું ખાડો ચેક કરવા નીચે ઊતર્યો, પરંતુ ઉપર ચડવા માટે મારા કોન્ટ્રાક્ટર ભાઈનો મેં હાથ માગ્યો. ત્રણ-ચાર વાર વિનંતી કરવા છતાં તેણે હાથ ન આપ્યો.પછી મને વિચાર આવ્યો કે આણે જિંદગીમાં કોઈને કશું આપ્યું નથી. એટલે મેં વાત બદલી અને કહ્યું કે મારો હાથ લ્યો એટલે તરત જ એણે હાથ લંબાવ્યો, પરંતુ બંને હાથ લંબાવ્યા કદાચ ઝાઝું મેળવવાની ગણતરી હશે. મેં હાથ પકડી અને ઉપર આવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે તેની જાત મારા પર ન્યોછાવર કરી. અડધો ટિંગાઈ ગયેલો હું તેના ભારેખમ વજનથી ફરી ખાડામાં પટકાયો અને મારું તથા કોન્ટ્રાક્ટરનું વજન આ એક પગ પર આવ્યું. હવે તમે જ કહો બે પક્ષના ટેકાવાળી સરકાર ગમે ત્યારે ભાંગીને ભૂકો થાય કે નહીં? મહાકાય પાડો માટીના ઢગલા પર પડે તો ઢગલો વિખાય, પાડાને તો મોજ પડે. કોન્ટ્રાક્ટર પાંચ મિનિટ સુધી મારા પર પડ્યાની મોજ માણતો રહ્યો. પછી વજન દઈ અને ઊભો થયો, પરંતુ હું ઊભો ન થઈ શક્યો.’
એક વાર પગ ભાંગે પછી દુખાવાની વાત તો સ્વાભાવિક છે, પરંતુ ઘરના લોકો ત્રાહિમામ્ વર્તાવે ત્યારે બહુ દુ:ખ થાય. સવારના પહોરમાં જ સ્વસ્તિ વાક્યોથી આપણને જગાડે. ‘તમારે તો આખો દિવસ પડ્યા રહેવું છે, અમારે કામ હોય. જાગો, નાહવાનું પતાવો, જાઓ સોફા પર બેસો, ટિપાય પર પગ લાંબા કરતી વખતે સમારેલા શાકની થાળી આઘી કરજો, ટીવીમાં અમારે પણ ગમતા કાર્યક્રમો જોવા હોય, ખોટા સાઉથનાં પિક્ચર લગાડી અને બોર ન કરતા, નવરા બેઠા છો તો આ ભીંડો સમારી નાખો, આ દૂધ ગરમ કરી અને ઠરવા મૂક્યું છે ઠરી જાય એટલે મને કહેજો, છાપાં વાંચીને ટિપાયમાં નીચે મૂકો, ગમે ત્યાં ઉડાડો નહીં, નાહવા માટે ઊભા થાઓ ત્યારે ખોટી રાડારાડ ન કરતા. હું નવરી થઈશ પછી ટેકો કરીશ. બહુ ઉતાવળ હોય તો વોકર લઈ અને લંગડી રમતાં રમતાં બાથરૂમ સુધી પહોંચી જાઓ. એમાં પણ જો બહેનપણીનો ફોન આવે તો આપણે કોઈ અપરાધ કરી નાખ્યો હોય તેવી રીતે તેની સાથે વાત કરે. ‘જુઓને, આ તમારા ભાઈ ટાંટિયો ભાંગીને બેઠા છે. મારે તો આખો દિવસ સેવામાં જાય છે. આડા ને આડા અટવાયા કરે.’ ઘરવાળી કચરો વાળવા આવે તો આપણી આજુબાજુ સાવરણી જાટકે. જેમ ઊતર્યો અમલદાર કોડીનો તેમ પગ ભાંગેલો પતિ પઈનો (એક પૈસાનો). મને ચૂનિયાની આટલી બધી વ્યથા સાંભળી અને એક વખત તો કહેવત યાદ આવી ગઈ કે ‘મા કોઈની મરશો નહીં’ અને ‘પગ કોઈનો ભાંગશો નહીં’ બંનેમાં સરખું દુ:ખ છે.
ખાવાનો શોખીન એવો કે ગમે તેવો દુ:ખમાં હોય, પરંતુ ખાવાની વાત કરો એટલે મોજમાં આવી જાય. એટલે મેં વાત બદલી અને કહ્યું કે ‘તારે બેઠાં બેઠાં ખાવાનો જલસો પડતો હશે.’ તો તરત જ સરકાર ધરાશાયી થઈ હોય તેવડો મોટો નિસાસો નાખ્યો અને કહ્યું કે ‘ધૂળ ખાવાની મજા આવતી હશે? ભલા માણસ, ચટપટું અને તીખું ખાવાનું મન થાય તો ઘરવાળી તરત જ ટોકે છે કે આમ પાડાની જેમ પડ્યા પડ્યા ખાધા કરશો તો તમારો બાપ એસિડિટી થઈ જશે. બકરી કાઢતાં ઊંટ પેસી જશે. બેઠાં બેઠાં ફરમાઈશ ન કરો. હવે હું થાકી જાઉં છું. થાય તેટલું કરીશ. વધુ હેરાન થશો તો તમે તમારાં કર્યાં ભોગવશો. મારું માનો તો બાફેલું ખાઓ. પડ્યા પડ્યા શરીર પણ વધે નહીં અને એસિડિટી પણ ન થાય. આ દુ:ખ કોને કહેવા જાઉં?’
ખરેખર આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણને આપણા શરીર પ્રત્યે માન ઊપજતું નથી, પરંતુ જેવું કંપની પેકિંગ તૂટે અને એસેમ્બલ થાય એટલે દર શિયાળે યાદ આવે. માટે સ્વસ્થ રહો અને મસ્ત રહો.
——–
વિચારવાયુ
જજ: કેમ છૂટાછેડા લેવા છે…?
પતિ: બૈરી લસણ ફોલાવે, ડુંગળી સમરાવે, વાસણ ઉટકાવે છે…
જજ: એમાં શું..! લસણ સ્હેજ ગરમ કરી ફોલવુ… ડુંગળી ફ્રિજમાં રાખીને પછી કાપવી ને વાસણ ધોતાં પહેલાં ઉના પાણીએ પલાળવાં…
પતિ: હું બધું સમજી ગ્યો..! મારી અરજી પાછી ખેંચું છું, મિલોર્ડ…!!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.