Homeઈન્ટરવલ...અને શ્રીઅરવિંદ સનદી અધિકારી ન બન્યા

…અને શ્રીઅરવિંદ સનદી અધિકારી ન બન્યા

ગણતંત્ર દિવસ આવી ચૂક્યો છે. ત્યારે ભારતમાતાને ગુલામીમાંથી મુક્ત કરવા સતત ઝઝૂમેલા, સ્વાતંત્ર્ય સંગ્રામનો પથ કંડારનાર, આધુનિક યુગના દૃષ્ટા મહર્ષિ શ્રીઅરવિંદના જીવનના બે કિસ્સા રજૂ કર્યા છે. આ એ વખતની વાત છે જ્યારે તેઓ માત્ર મિસ્ટર ‘અરવિંદ ઘોષ’ હતા

આનન-ફાનન -પાર્થ દવે

બિલ ગેટ્સ કે ધીરુભાઈ અંબાણીનાં ઉદાહરણો આપીને ભણવાનું મૂલ્ય ઓછું કરતાં કે આ ઉદાહરણો સાંભળીને ભણવામાં મન ન લગાવતા વિદ્યાર્થીઓએ એ સમજવું પડશે કે જીવનમાં કદાચ ડિગ્રીનું મહત્ત્વ નથી, અભ્યાસનું તો છે જ.
કદાચ ડીગ્રી હાથમાં નહીં હોય, પરંતુ સ્કીલ હશે તો આગળ જતા વાંધો નહીં આવે – આ વાત મહત્ત્વની છે. અત્યારે કોલકાતામાં જન્મેલા ભારતીય વિભૂતિ શ્રીઅરવિંદ ઘોષના બે કિસ્સા યાદ આવે છે. સિવિલ સર્જન પિતા કૃષ્ણધન અને માતા સ્વર્ણલતાદેવીને ત્રણ સંતાનો: બિનયભૂષણ, મનમોહન અને અરવિંદ એક્રોઇડ ઘોષ. ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરનાર કૃષ્ણધન ઘોષની રહેણીકરણી અને આચારવિચાર બધું જ યુરોપિયન ઢબનું હતું. માટે તેમને ઈચ્છા હતી કે પુત્રને પણ ઈંગ્લીશ મેન બનાવવો! માટે તેમણે અરવિંદ ‘એક્રોઈડ, એવું નામ રાખેલું. જોકે, વર્ષો બાદ શ્રીઅરવિંદે પોતે તેમના નામમાંથી એક્રોઈડ’ ઉડાવી દીધું હતું.
તો શ્રીઅરવિંદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા. ત્યાં ત્રણ વર્ષના અભ્યાસના અંતે ટ્રાયપોસની બી.એ.ની પદવી મળતી હતી. શ્રીઅરવિંદ નાનપણથી પ્રચંડ બુદ્ધિપ્રતિભાના ધણી હતા. તેમનું ઈત્તર વાંચન મબલખ હતું. ઈનામો ખૂબ જીત્યા હતા. આ બધાં કારણોસર શ્રીઅરવિંદે પેલી બી.એ.નો અભ્યાસ બે વર્ષમાં પૂર્ણ કરી લીધો હતો, પણ યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ડિગ્રી ત્રીજા વર્ષના અંતે જ મળી શકે તેમ હતી. જો તેમણે યુનિવર્સિટીને અરજી કરી હોત તો તેમની વિશિષ્ટ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ એમને કદાચ બી.એ.ની પદવી વહેલી આપી હોત! પણ શ્રીઅરવિંદને ડીગ્રી મેળવવાની જરૂર જણાઈ નહીં. એમને તો અભ્યાસ કરવો હતો અને એ કામ તેમણે નિષ્ઠા અને ખંતથી કરી લીધું હતું. તેમને ડિગ્રી મળે કે ન મળે તેના સાથે કોઈ નિસ્બત નહોતી. માટે તેમણે યુનિવર્સિટીની પદવી માટે અરજી ન કરી. પાછી શ્રીઅરવિંદે કોલેજની પરીક્ષા પણ પ્રથમ વર્ગ સાથે પાસ કરી હતી! તો પણ તેમની પાસે ડિગ્રી નહોતી. તેઓ એક વર્ષ કોલેજ રોકાયા હોત તો ડિગ્રી મળી હોત. પણ તેઓ વધારે સમય ઈંગ્લેન્ડમાં રોકાઈ શકે તેમ નહોતા, કારણ કે, અભ્યાસ પૂરો થતાં હવે સ્કોલરશીપો મળવાની બંધ થઈ ગઈ હતી. અને હોસ્ટેલમાં પણ રહી શકાય તેમ નહોતું.
અહીં વાત એ છે કે, કુશાગ્ર બુદ્ધિ હોય, ખંતથી કરેલો અભ્યાસ હોય, તો ડિગ્રીની કોઈ આવશ્યકતા રહેતી નથી. પણ મહેનત ફરજિયાત છે. મહેનત વધારે હશે તો યુનિવર્સિટી સામેથી તમને ડિગ્રી ઑફર કરશે! આ પ્રકારની ઘટના પણ શ્રીઅરવિંદના જીવનમાં ઘટી હતી.
વાત એમ છે કે, હિંદુસ્તાનમાં રાજ કરવા માટે બ્રિટિશરોને હિંદી વહીવટી અધિકારીઓની જરૂર પડતી. એ માટે બ્રિટનમાં આઈ. સી. એસ. એટલે કે ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા લેવાતી. ત્યારે આઈ. સી. એસ. ઑફિસર બનવું કોઈ પણ હિંદી યુવાન માટે સદ્ભાગ્ય ગણાતું. અધિકારીઓનો મોભો પણ રાજા અને દીવાન જેવો રહેતો. શ્રીઅરવિંદના પિતા, કૃષ્ણધનની ઈચ્છા હતી કે પોતાના ત્રણેય પુત્રો આવા વહીવટી અધિકારી બને. ત્રણેય પુત્રોએ એન્ટ્રસ એક્ઝામ આપી, પણ બિનયભૂષણ અને મનમોહન પાસ ન થઈ શક્યા. શ્રીઅરવિંદ પાસ થયા. આઈ. સી. એસ.ની લેખિત પરીક્ષા પણ શ્રીઅરવિંદે આપી. આ દરમ્યાન તેઓ વાત કરી તે, બી. એ. તો કરી જ રહ્યા હતા! લેખિત પરીક્ષામાં પણ તેઓ સારા માર્ક્સે પાસ થયા. હવે આઈ. સી. એસ. માટે એક ઘોડેસવારીની પરીક્ષા બાકી હતી, પણ તે વખતે શ્રીઅરવિંદને, હિંદમાં બ્રિટિશરો કેવો જુલમ આચરે છે, તેની જાણ થઈ. તેમને થયું કે બ્રિટિશ સરકારની ગુલામી જેવી નોકરી નથી કરવી. પણ હવે જો આટલે સુધી પહોંચી ગયા પછી સીધેસીધી ના પાડે તો પિતાજી નારાજ થાય. માટે તેમણે ઘોડેસવારીની પરીક્ષા જ ન આપી!
શ્રીઅરવિંદ ઘોડેસવારીની પરીક્ષા આપવા જ ન ગયા. તો તેમને બીજી વખત તક આપવામાં આવી! શ્રીઅરવિંદ જાણી જોઈને ઘરેથી મોડા નીકળ્યા અને ટ્રેન ચૂકી ગયા. બીજી વખત પણ તેઓ પરીક્ષામાં ન બેઠા. આ વાત એમના પ્રોફેસર પ્રોથરોએ જાણી ત્યારે તેમને ખૂબ દુ:ખ થયું કે, ઘોષ જેવો તેજસ્વી યુવાન માત્ર ઘોડા ઉપર ન બેસવાને કારણે સનદી અધિકારી નથી બની શક્તો તે ખોટું કહેવાય! એમણે બ્રિટનથી હિંદી કચેરીને ખાસ પત્ર લખ્યો કે, શ્રીઅરવિંદ ઘોષને ઘોડેસવારીની પરીક્ષા ફરી આપવા દેવામાં આવે!
અંગ્રેજો ઈચ્છતા હતા કે, મિસ્ટર અરવિંદ ઘોષ જેવી વ્યક્તિ સનદી અધિકારી બને! જોકે, અહીં સુધી શ્રીઅરવિંદમાં માતૃભક્તિના બીજ રોપાઈ ચૂક્યા હતા. તેમણે ઈંગ્લેન્ડમાં જ રહેતા હિંદી વિદ્યાર્થીઓએ અંગ્રેજોના અન્યાયો સામે જેહાદ જગાડવા એક મંડળ ‘મજલિસ’ સ્થાપ્યું હતું. શ્રીઅરવિંદ આ મંડળમાં જોડાઈ ચૂક્યા હતા. ત્યાં તેમણે બ્રિટિશ રાજ્યની વિરુદ્ધ કડક શબ્દોમાં ભાષણો આપ્યાં હતાં. શ્રીઅરવિંદનાં આ ઉગ્ર ભાષણોની બ્રિટનમાંની હિંદી કચેરીએ નોંધ લીધી હતી. અને આ કારણે જ તેમને ઘોડેસવારીની પરીક્ષાની ફરી તક નહોતી આપવામાં આવી!
આઈ. સી. એસ. અધિકારી ન બન્યા અને કંઈક અલગ જ બન્યા અને જે બન્યા તે અદ્ભુત બન્યા, પણ સૌ જાણતા હતા કે શ્રીઅરવિંદમાં એક અધિકારી જેટલી કુનેહ, આવડત ને હોશિયારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular