…અને જેમ્સ ઓગસ્ટસ હિકી ગુમનામ મોતને ભેટે છે!

વીક એન્ડ

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

તંત્રી તરીકે જેમ્સ ઓગસ્ટસ હિકીનો દબદબો બહુ ટૂંકજીવી નીકળ્યો. બે-એક વર્ષના ગાળામાં તો ભારતના તત્કાલીન ગવર્નર જનરલ – સૌથી શક્તિશાળી આદમી સાથેની દુશ્મની હિકીને ભારે પડી ગઈ. આ આખી બાબત સમજવા માટે જરા ઈતિહાસ સમજવો પડે. આપણે જ્યારે ‘અંગ્રેજોનું રાજ’ શબ્દ વાપરીએ છીએ, ત્યારે એક બાબત હંમેશાં યાદ રાખવી કે અંગ્રેજોનો શાસનકાળ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ ભાગ એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અને બીજો ભાગ એટલે બ્રિટનની રાણીના (અને બ્રિટિશ પાર્લામેન્ટના) સીધા અંકુશ હેઠળનું શાસન. ટેક્નિકલ બાબતોમાં બહુ વધારે ઊંડા ઊતરવાને બદલે એટલું સમજી લો કે ભારતમાં વેપાર કરવા આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના રાજકારણમાં પોલું ભાળ્યું અને આંતરિક ખટપટો અને ભારતીય શાસકોની ટૂંકી દૃષ્ટિના કારણે કંપનીની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ વધતી ગઈ. ભારત એ સમયે ‘સોને કી ચીડિયા’ હતું. ગત લેખમાં જણાવેલું એમ, એ સમયે બ્રિટનવાસીઓની સરેરાશ આવક વાર્ષિક ૧૭ પાઉન્ડ્સ જેટલી હતી. એની સામે ભારતમાં રહીને સાચો-ખોટો વેપાર કરી ખાનારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હોદ્દેદારો સહિતના અંગ્રેજો વર્ષે દહાડે ૮૦૦ પાઉન્ડ્સ રળી લેતા! આ માટે બ્રિટિશ ગવર્નમેન્ટનો સહકાર પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળતો રહ્યો. ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધમાં તેમ જ ૧૭૬૪માં બક્સરના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબની સલ્તનતનો અંત આણ્યો. એ સમયે બંગાળના નવાબનું શાસન બંગાળ, બિહાર અને ઓડિશા પર હતું. આ બે યુદ્ધોમાં મળેલા વિજયને પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં રાજકીય સત્તાઓ હસ્તગત કરવાની શરૂઆત કરી. ટૂંકમાં, જે વેપારી હતો, એ જ રાજા બની બેઠો! ગુજરાતીમાં કહેવત છે, જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી! ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ ભારતના હાલહવાલ કંઈક આવા જ થયા, જેનો ઇતિહાસ સાક્ષી છે. આમાં સૌથી ખરાબ બાબત એ હતી કે વેપાર અને રાજ્યસત્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર પેસી ગયો! ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હોદ્દેદારોએ ભારતની સમૃદ્ધિને બે હાથે લૂંટવા માટે ભ્રષ્ટાચાર, લાંચ-રુશવતનો મોટા પાયે સહારો લીધો.
બીજી તરફ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભ્રષ્ટાચારથી ત્રાસેલા જેમ્સ ઓગસ્ટસ હિકીએ પોતાના વર્તમાનપત્ર બેંગાલ ગેઝેટમાં કંપનીના અધિકારીઓનાં છોતરાં કાઢવાનાં ચાલુ કર્યાં. હિકીનો તંત્રી તરીકે દબદબો ભારે હતો, આથી એના લેખોની અસર પાડવા લાગી. સ્વાભાવિક છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ આ બાબતથી અકળાઈ ઊઠે! હિકી કોઈ દબાણને વશ થાય એમ હતો નહિ અને પૈસાથીય ખરીદાય એમ નહોતો.
એ સમયે ભારતના સર્વોચ્ચ સત્તા શિખર પર – એટલે કે ગવર્નર જનરલના પદ પર હતો વોરન હેસ્ટિંગ્સ નામનો અંગ્રેજ. સ્વાભાવિક છે કે એ સમયે ટોચના સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિને પણ કાળાબજારની રકમમાંથી મોટો લાગો મળતો હોય. એમાં વળી એક વાર એવું થયું કે નદીના પાળાના બાંધકામ માટે મોટા બેટનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. જેમ આજે થાય છે, એ જ પ્રમાણે એ જમાનામાં પણ આવા મોટા કામ મેળવવા માટે કોન્ટ્રાક્ટર્સ ભારે લોબીઇંગ કરતા અને છૂટા હાથે લાંચ આપવા તૈયાર રહેતા.
પાળા બાંધકામનો પ્રોજેક્ટ આવી જ રીતરસમોને અનુસરીને ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સના મળતિયા કોન્ટ્રાક્ટર્સને આપી દેવામાં આવ્યો! જ્યારે આ ગોબાચારી તરફ જેમ્સ હિકીનું ધ્યાન ગયું, ત્યારે એણે બંગાળ ગેઝેટ્સમાં વોરન હેસ્ટિંગ્સના ભ્રષ્ટાચાર વિરુદ્ધ કલમ ચલાવી. પાળા બાંધકામ પાછળ ખેલાયેલો આ ભ્રષ્ટાચાર ‘ઙજ્ઞજ્ઞહબીક્ષમુ જભફળ’ તરીકે પ્રખ્યાત થયો, જેમાં ગવર્નર જનરલે ભારે નાલેશી વેઠવી પડી.
એસ્ટાબ્લિશમેન્ટ વિરુદ્ધ એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ
અહીં બ્રિટિશ સરકારના અધિકારીઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી કમ અધિકારીઓના મેળાપીપણા માટે પત્રકારત્વની ભાષામાં વપરાતો ‘એસ્ટાબ્લિશમેન્ટ’ શબ્દ વાપરી શકાય. પત્રકારત્વના પાયાનો સિદ્ધાંત એ છે કે પત્રકારે જરૂર પડે ત્યારે સત્યનો પક્ષ લઈને ‘એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ’ સ્ટેન્ડ લેવું જોઈએ. હિકીએ પણ પોતાનું મજબૂત એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ સ્ટેન્ડ લઈને કંપનીના ભ્રષ્ટાચારો ઉઘાડા પાડવા માંડ્યા. Poolbundy Scam પછી ખુદ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સને હિકી માટે અંગત ખાર હતો જ, આથી બેંગાલ ગેઝેટને આર્થિક ફટકો મારવા અને એ રીતે હિકીને હેઠો પાડવા માટે એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા એક નવું છાપું ઊભું કરવામાં આવ્યું, જે હંમેશાં સરકાર અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં વ્યાપારી હિતોને અનુકૂળ આવે એવા સમાચારો અને લેખો જ છાપતું. આ છાપાને નામ આપવામાં આવ્યું ‘ઇન્ડિયા ગેઝેટ્સ’. આમ સરકારી સૂર આલાપતા ઇન્ડિયા ગેઝેટ્સ અને જેમ્સ હિકીના બેંગાલ ગેઝેટ્સ વચ્ચે એસ્ટાબ્લિશમેન્ટ વિરુદ્ધ ‘એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ’નું અખબારી યુદ્ધ છેડાઈ ગયું! હવે આ બધી પરિસ્થિતિ જો તમને જાણીતી લાગતી હોય અને સાંપ્રત સમયમાં પણ
તમને એનાં રિફ્લેક્શન્સ દેખાતાં હોય તો
એમાં તમારો વાંક નથી. દરેક યુગમાં, દરેક સમાજમાં એસ્ટાબ્લિશમેન્ટ વિરુદ્ધ એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટની આ લડાઈ ચાલતી જ
રહે છે.
અહીં અખબારોની લડાઈમાં બીજું પણ એક રસપ્રદ પાસું છે. થયેલું એવું કે કોઈક કાળે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અધિકારીએ હિકી પાસે કોઈક કારણોસર લાંચ માગેલી. એ અધિકારીનું નામ સાયમન ડ્રોઝ. સામાન્ય રીતે ઉચ્ચ સ્થાને બેઠેલા અધિકારીઓએ લાંચની રકમનો અમુક હિસ્સો યેનકેન પ્રકારેણ ટોચના અધિકારીને પહોંચાડવો પડતો હોય છે. ક્યારેક આવો હિસ્સો જે તે અધિકારીના નજીકના સંબંધી કે મિત્રને પહોંચાડવામાં આવે છે. સાયમન ડ્રોઝ જે લાંચ લેતો એનો હિસ્સો પહોંચતો મારિયન હેસ્ટિંગ્સ નામની એક મહિલાને. આ મારિયન એટલે બીજું કોઈ નહિ પણ વોરન હેસ્ટિંગ્સની ધર્મપત્ની! આથી હિકીએ સાયમનને લાંચ ન આપી, એની સીધી અસર તરીકે મિસિસ હેસ્ટિંગ્સ પણ એનાં વિરોધી બન્યાં! (ફરી વખત નોંધજો, આખી પરિસ્થિતિ સાંપ્રત સમય સાથે કેટલી હદે અનુરૂપ છે!) હિકીએ પછીથી આક્ષેપ મૂક્યો કે બેંગાલ ગેઝેટ્સને પછાડવા માટે ઇન્ડિયા ગેઝેટ્સ ચાલુ કરવામાં સાયમન ડ્રોઝે કુટિલ ભૂમિકા ભજવેલી! હિકીના આવા આક્ષેપોને પગલે સીધી આંગળી ગવર્નર જનરલના ઘર તરફ ચીંધાતી હતી, આથી સુપ્રીમ કાઉન્સિલ ઓફ બેન્ગાલે હિકીના ન્યુઝપેપરને પોસ્ટ ખાતા દ્વારા સર્ક્યુલેટ કરવા પર પ્રતિબંધ લાદી દીધો!
સુપ્રીમ કાઉન્સિલ ઓફ બેન્ગાલ
હિકીના છાપાને મરણતોલ ફટકો મારે એવો નિર્ણય કરનાર સુપ્રીમ કાઉન્સિલ ઓફ બેંગાલ પોતે જ વિવાદાસ્પદ હતી. સુપ્રીમ કાઉન્સિલ ઓફ બેંગાલ એટલે એ સમયની કાર્યકારી સરકારનો સૌથી ઉચ્ચ સ્તર, જે કાયદાઓ દ્વારા સંસ્થાનવાદ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં હિતો જળવાય, એવા નિર્ણયો આપતું. આજે હાઈ કોર્ટની જે કક્ષા છે, એ કક્ષા સુપ્રીમ કાઉન્સિલ ઓફ બેંગાલની ગણી શકાય. આ કાઉન્સિલમાં પાંચ સભ્યો રહેતા, જેમાં ગવર્નર જનરલનું સ્થાન અત્યંત મહત્ત્વનું રહેતું, આથી એને ‘ગવર્નર જનરલની કાઉન્સિલ’ તરીકે પણ ઓળખવામાં આવતી. હવે હિકીએ જ્યારે સીધી ગવર્નર જનરલના પરિવાર સાથે જ દુશ્મની વહોરી લીધી હોય, ત્યારે તટસ્થ ન્યાય મળવાની આશા કઈ રીતે રાખી શકાય?!
કાઉન્સિલના અન્યાયકારી નિર્ણય બાદ હિકી ઠંડો પડવાને બદલે ઓર વીફર્યો. કલકત્તામાં રહેતા બીજા બ્રિટિશ અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે પણ એણે બેફામ લેખો લખવા માંડ્યા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ, પ્રોટેસ્ટન્ટ મિશનરી જોહાન કાયરનેન્ડર જેવી અનેક ટોચની વ્યક્તિઓના કાવાદાવા અંગે હિકીએ લેખો લખ્યા. ખુદ વોરન હેસ્ટિંગ્સનાં ભ્રષ્ટાચાર અને શોષણખોરી વિષે તો હિકીએ લખ્યું જ, ઉપરાંત ગવર્નર જનરલ હેસ્ટિંગ્સની ‘ઈરેક્ટાઈલ ડિસ-ફંક્શનિંગ’ની સમસ્યા અંગે પણ છાપી માર્યું! આખરે મિશનરી જોહાન કાયરનેન્ડર અને વોરન હેસ્ટિંગ્સે હિકી પર બદનક્ષીનો દાવો કર્યો.
કોર્ટમાં ભારોભાર નાટ્યાત્મક દૃશ્યો સાથે આ કેસની સુનાવણીઓ થઇ. ચારેક સુનાવણીઓ બાદ કોર્ટે હિકીને જૂન, ૧૭૮૧માં દોષિત જાહેર કરીને જેલમાં પૂર્યો. જેલમાં બેઠે બેઠે પણ હિકીએ લખવાનું અને છાપું પબ્લિશ કરવાનું ચાલુ રાખ્યું, આથી છંછેડાયેલા હેસ્ટિંગ્સે હિકી વિરુદ્ધ નવો કેસ દાખલ કર્યો. પરિણામે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પગલે ભારતનું (અને એશિયાનું પણ) પ્રથમ વર્તમાનપત્ર ગણાતા ‘બેંગાલ ગેઝેટ્સ’ને ૩૦ માર્ચ, ૧૭૮૨ને દિવસે તાળાં લાગી ગયાં!
લગભગ અઢી વર્ષ બાદ, ઈ. સ. ૧૭૮૪માં ખુદ વોરન હેસ્ટિંગ્સે પોતાની સામે લાગેલા મહાઅભિયોગનો સામનો કરવા ઇંગ્લેન્ડ જવું પડ્યું. એ જ વર્ષની ક્રિસમસને દિવસે હિકીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. જોકે ત્રણેક વર્ષના જેલવાસ દરમિયાન હિકીનું સ્વાસ્થ્ય કથળી ગયું હતું. એનું બાકીનું જીવન ભારે ગરીબી અને નાદુરસ્તીમાં વીત્યું. ઈ. સ. ૧૮૦૨માં એ દરિયાઈ માર્ગે ચીન જવા નીકળ્યો, પણ ચીન પહોંચે એ પહેલાં એ જહાજમાં જ મૃત્યુ પામ્યો.
આજે તમે જેમ્સ ઓગસ્ટસ હિકીના જીવન વિષે વાંચો ત્યારે તમને વિચાર આવે કે હિકી કમાવા માટે જ ભારત આવેલો, તો સિસ્ટમ સામે વારંવાર આવા પંગા લેવાની શું જરૂર ઊભી થઇ? બીજા હજારો લોકોની જેમ ભારતમાં છાનામાના કામ કરીને અઢળક રૂપિયા ભેગા કર્યા હોત તો શું ખોટું હતું? આખરે બીજા બધા એ જ તો કરતા હતા! ભારતનું પ્રથમ વર્તમાનપત્ર પ્રકટ કરવાનું શ્રેય ભલે જેમ્સ ઓગસ્ટસ હિકીને નામે નોંધાયું હોય, પણ આજે ક્યાંય એનો એક ફોટો સુધ્ધાં નથી મળતો. આવી ગુમનામ જિંદગી અને દર્દનાક મોત મેળવીને હિકીએ કયો કાંદો કાઢ્યો? … કદાચ હિકી જેવા લોકો દીવાદાંડી જેવા હોય છે, જે પોતે આલીશાન મકાન નથી બની શકતા, પણ સદીઓ સુધી સમાજને દિશા ચીંધતા રહે છે! એનો ફોટો ભલે ક્યાંય ઉપલબ્ધ નથી, પણ સમાજ પ્રત્યેની નિસ્બત સાથે લખતા એક્કેએક પત્રકારની શાહીમાં હિકીનું લોહી મોજૂદ નથી શું?!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.