મુંબઈઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે સત્તાવાર રીતે એકબીજાના થઈ ગયા છે. પરિવાર અને મિત્રોની હાજરીમાં બંનેની સગાઈવિધિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અને રાધિકા એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા અને 29મી ડિસેમ્બરના નાથદ્વારા ખાતે તેમની રોકાવિધિ થઈ હતી. આજે એન્ટાલિયા ખાતે યોજાયેલા સગાઈના ફંક્શનમાં ગોળધાણા અને ચુનરીવિધિ જેવી રસમો પણ કરવામાં આવી હતી. આ ફંકશનમાં નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના સરપ્રાઈઝ પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા.
સગાઈ પહેલાં અંબાણી પરિવાર સાથે અનંત અને રાધિકાએ મંદિરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ ગણેશપૂજાથી સગાઈવિધિની શરુઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં આ પ્રસંગે પારંપારિક પદ્ધતિથી અનંત અને રાધિકાના લગ્નની કંકોતરી વાંચવામાં આવી હતી. હાલમાં જ ટ્વીન્સ બાળકોને જન્મ આપનાર અંબાણી પરિવારની દીકરી ઈશાએ સગાઈ વિધિની જાહેરાત કરી હતી અને અનંત અને રાધિકાએ એકબીજાને રિંગ પહેરાવી હતી.