Homeઆમચી મુંબઈઆનંદો: મુંબઈ-શિરડી વચ્ચે ‘વંદે ભારત એક્સપ્રેસ’ દોડાવાશે

આનંદો: મુંબઈ-શિરડી વચ્ચે ‘વંદે ભારત એક્સપ્રેસ’ દોડાવાશે

આગામી મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે ટ્રેનને આપી શકે લીલીઝંડી
મુંબઈ: અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી બે ‘વંદે ભારત એક્સપ્રેસ’ દોડાવાય છે, પરંતુ આગામી મહિનામાં વધુ બે ટ્રેનની ભેટ મુંબઈવાસીઓને મળી શકે છે. આ બે ટ્રેન પૈકી એક પવિત્ર યાત્રાધામ સાંઈનગર શિરડી અને બીજી પાવરલૂમ નગરી સોલાપુર એમ એકસાથે બે શહેરને મુંબઈ સાથે જોડતી બે વંદે ભારત ટ્રેન ચાલુ કરવામાં આવશે. અલબત્ત, દેશના આર્થિક પાટનગર મુંબઈને જોડતા વધુ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલુ કરી શકાય છે અને તેને લીલી ઝંડી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દસમી ફેબ્રુઆરીના આપી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ (સીએસએમટી)થી સાઈગનર શિરડી અને સોલાપુર વચ્ચે આ બંને ટ્રેન દોડાવી શકાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકસાથે બે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે. આધુનિક સેમી હાઈ સ્પીડ ટ્રેનમાં ૧૬ કોચ છે, જ્યારે ૧,૧૨૮ પ્રવાસીની કેપેસિટી છે. મહારાષ્ટ્રમાં અગાઉથી બે વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, જેમાં એક ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર અને બીજી નાગપુરથી વિલાસપુર વચ્ચે દોડાવાય છે. સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ કલાકના ૨૦૦ કિલોમીટરની ક્ષમતા ધરાવે છે, પરંતુ રેલવે બોર્ડે કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપથી દોડાવવાની મંજૂરી આપી છે. પ્રત્યેક એક ટ્રેનનો ખર્ચ ૧૧૦ કરોડનો છે. હાલમાં સીટિંગવાળી વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, જેમાં બે શહેર વચ્ચેનું અંતર સાતથી આઠ કલાકનું હોય, પરંતુ આગામી દિવસોમાં સ્લીપિંગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે તથા તેના કોચ પણ એસી હશે. હાલના તબક્કે આઈસીએફમાં વંદે ભારત એક્સપ્રેસમાં સ્લીપર કોચના વર્ઝનવાળી ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, જે ખાસ કરીને મુંબઈ, દિલ્હી, મુંબઈ, નાગપુર, મુંબઈ-હૈદરાબાદ વગેરે રુટમાં દોડાવી શકાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી આ બંને ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવ્યા પછી અઠવાડિયાના છ દિવસ દોડાવાશે. ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૭૫ વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જેટલી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવતી હતી તેના ૧૬ કોચ હતા. હવે આઠ કોચની ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, જેથી પ્રોડક્શન વધે અને ઓછા અંતરવાળા મોટો શહેરોને એકબીજા વચ્ચે કનેક્ટ કરી શકાય. અલબત્ત, આઠ કોચની મિનિ વંદે ભારત દોડાવવામાં આવે તો સર્વિસ વધારે દોડાવી શકાય, એમ અધિકારીએ દાવો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular