એક સંસ્થાએ ગુજરાતને પાંચ હજારથી વધુ પ્રતિબદ્ધ શિક્ષિકા આપી

ઇન્ટરવલ

નવી સવાર -રમેશ તન્ના

ગુજરાતમાં માનવીય ઉત્થાન માટે અનેક લોકોએ કામ કર્યું છે. એમાં એક હતા ગોવિંદભાઈ રાવલ. તેમનાં જીવન અને કર્મસાથી એટલે શ્રીમતી સુમતિબહેન. ગોવિંદભાઈએ કેળવણી ક્ષેત્રે માતબર કામ કર્યું હતું.
ગોરા શબ્દ સાંભળીએ-વાંચીએ કે બોલીએ એટલે બે બાબતોનું સ્મરણ થાય. એક, રવીન્દ્રનાથ ટાગોરની વિશ્ર્વખ્યાત નવલકથા ‘ગોરા’ અને બીજા ‘ગોરા’ તરીકે લોકોમાં જાણીતા ગોવિંદભાઈ રાવલ. ૨૧મી ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ જન્મેલા ગોરાએ બીજી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ વિદાય લીધી.
આ સાચુકલા કેળવણીકારે પોતાની જિંદગીનો બરાબર હિસાબ આપ્યો હતો. ગાંધીવિચારના માર્ગે ગુજરાતમાં કે ભારતમાં જે કેટલાક લોકોએ શિક્ષણ કેળવણીનું ઉત્તમ કામ કર્યું તેમાં આપણે ગોરા એટલે કે ગોવિંદભાઈ રાવલનો સમાવેશ કરવો જ પડે. એમણે હિંમતનગરના એક આખા પટ્ટાને શિક્ષણથી લીલોછમ કરી દીધો. જે વિસ્તારમાં વધુ કામ કરવાની જરૂર હતી ત્યાં પોતાનાં જીવનસાથી સુમતિબહેન સાથે તેઓ બેઠા અને અસરકારક કામ કર્યું.
એમના પરિવારમાં તેમનાં જીવનસાથી સુમતિબહેનનો સમાવેશ થાય છે. બંનેનું લગ્નજીવન આશરે ૭૦-૭૨ વર્ષનું અને સહવાસ ૭૫ વર્ષનો. અમદાવાદસ્થિત, ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ બંને મળેલાં.
સુમતિબહેન ગોવિંદભાઈ કરતાં બે-ચાર મહિના મોટાં. તેઓ શાહ એટલે કે વાણિયા અને ગોવિંદભાઈ બ્રાહ્મણ. એ જમાનામાં આંતરજ્ઞાતીય લગ્ન ખૂબ અઘરાં હતાં. (ગૂજરાત વિદ્યાપીઠે આવાં તો અનેક યુગલોને જોડવાનું કામ કર્યું છે.) જોકે બંનેએ બંનેના પરિવારની સંમતિ મળે પછી જ લગ્ન કરવાનું નક્કી કરેલું. રાહ જોઈ હતી. રાજીખુશીના વાતાવરણમાં તેઓ બંને જોડાયેલાં. એકબીજાને વરેલાં, તેનાથી વિશેષ તો સમાજને વરેલાં.
તેમને બે સંતાનો. દીકરો અતુલ અને દીકરી ઉર્વી અમેરિકામાં સ્થાયી થયાં છે. અતુલ પણ સમાજનિષ્ઠ છે. ઉર્વીએ ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો, એ પછી અમેરિકામાં
પણ મેડિકલ ક્ષેત્રમાં વધુ અભ્યાસ કર્યો. ડોક્ટર છે.
* * *
ગોવિંદભાઈના પિતાનું નામ જેઠાભાઈ. પિતા કથાકાર હતા. માણ ભટ્ટ હતા. ગોવિંદભાઈનો જન્મ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ ગામમાં થયો હતો. તેમનો પરિવાર એટલે અગ્નિહોત્રી બ્રાહ્મણ. સ્વયંપાકી. ચુસ્ત સનાતની બ્રાહ્મણ. ઘરમાં શાસ્ત્રો વાંચવાની પરંપરા હતી.
ગોવિંદભાઈ નવ વર્ષના હતા ત્યારે તેમનાં માતાનું ક્ષય રોગને કારણે અવસાન થયું હતું. એ વખતે તેમનાં માતાની ઉંમર માત્ર ૨૮ વર્ષની હતી. તેમના પિતાજીએ તેમનાં માતાની ખૂબ સેવા કરી હતી.
માતાના મૃત્યુ પછી ગોવિંદભાઈને પિતાના એક શિક્ષક મિત્ર પોતાના ઘરે ભણાવવા લઈ ગયા હતા, પરંતુ એ અનુભવ ખૂબ નબળો રહ્યો હતો. ગોવિંદભાઈએ વડાલી, હિંમતનગર વગેરે સ્થળોએ અભ્યાસ કર્યો હતો. નાનપણમાં સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર વાંચીને તેઓ ખાસા પ્રભાવિત થયા હતા. કિશોરકાળમાં તેમણે આરએસએસ અને સેવાદળમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો.
બબલભાઈ મહેતાનું ખૂબ જાણીતું પુસ્તક ‘મારું ગામડું’ વાંચીને ગોવિંદભાઈના મનમાં ગ્રામસેવક થવાનો સંકલ્પ થયો હતો. એક પુસ્તક વ્યક્તિ પર કેટલી મોટી અસર કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ હતું. બબલભાઈને રૂબરૂ મળવાનું થયું ત્યારે તેમણે કહ્યું કે જો ગામડાંની સેવા કરવી હોય તો ગૂજરાત વિદ્યાપીઠમાં ભણીને સ્નાતક બનો અને ગોરા ભણવા માટે ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા.
એ વખતે તો તેમને કલ્પના પણ નહીં હોય કે અહીંથી જ તેમને જીવનદૃષ્ટિ મળશે, જીવનસાથી મળશે અને ભવિષ્યમાં તેઓ આ જ સંસ્થામાં કુલનાયક (વાઈસ ચાન્સેલર) તરીકે ફરજ પણ બજાવશે.
ગૂજરાત વિદ્યાપીઠના વાતાવરણે ગોરાનું બરાબરનું સર્વાંગી ઘડતર કર્યું. અહીં તેમણે ખૂબ વાંચ્યું. અનેક ઉત્તમ વક્તાઓને સાંભળ્યા. ગાંધીજનોને મળ્યા.
તેઓ ભણીને વિદાય લેતા હતા ત્યારે આચાર્ય મગનભાઈ દેસાઈએ તેમને કહ્યું હતું કે તમે શિક્ષણ મારફતે સમાજસેવા કરજો. પોતાના આચાર્યની એ આજ્ઞાને તેમણે જીવનમાં ચરિતાર્થ કરી બતાવી હતી.
* * *
ગોરા એટલે વિશ્ર્વ મંગલમ, અનેરા. એવી ઓળખ છે. પછી તો તેમણે વૃંદાવન નામનો બીજો પણ પરિસર ઊભો કરેલો. જોકે ગૂજરાત વિદ્યાપીઠમાંથી ભણ્યા પછી તરત જ તેમણે વિશ્ર્વ મંગલમની સ્થાપના કરી હતી તેવું નહોતું. એ પહેલાં ખાસી કવાયત થઈ હતી. શારદાગ્રામથી મનસુખભાઈ જોબનપુત્રાએ મોટેથી સાદ પાડીને તેમને શારદાગ્રામ બોલાવ્યા હતા તો સી.એન.નાં ઈન્દુમતીબહેન શેઠે તેમને કહેવડાવ્યું હતું કે અમારી અડાલજની શાખા સંભાળી લો.
જોકે બીજી કોઈ ભૂમિ જ તેમને બોલાવતી હતી. શામળાજીમાં ત્રણ-ચાર વર્ષ જુદી જુદી રીતે કામ કર્યું. લોકોને મળ્યા. આ વિસ્તારની જેમણે કાયાપલટ કરેલી એવા નરસિંહભાઈ ભાવસાર સાથે પણ કામ કરવાની તક લઈ લીધી હતી.
જોકે હજી નક્કી કરી શકાતું નહોતું કે ક્યાં બેસીને કામ કરવું. દરેક કર્મશીલને નિયત કરેલી જમીન-ભૂમિ સાદ કરીને બોલાવતી જ હોય છે. સુમતિબહેન અને ગોવિંદભાઈ કદાચ એ સાદની રાહ જોતાં હતાં અને એ સાદ સંભળાયો.
એક દિવસ પિતાજી જેઠાભાઈએ દીકરા ગોવિંદને કહ્યું કે ‘શું કામ ફાંફાં મારે છે? તારે ગામડામાં જ કામ કરવું છેને તો તારી જન્મભૂમિમાં જ કામ કરને?’
બસ, આ સાદ ગોવિંદભાઈએ સાંભળી લીધો અને પછી તો તેઓ પોતાના વતન હડિયોલમાં બેઠા. બે વર્ષ ખૂબ મહેનત કરી.
વાત બહુ લાંબી છે, આવતા બુધવારે પૂરી કરીએ. (વધુ આવતા અંકે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.