દિલ્હીથી કોલકાતા જઈ રહેલી INDIGOની ફ્લાઈટમાં ફાયર અલાર્મ વાગતા ઈમરજન્સી લેન્ડીંગ કરાયું, DGCAએ આપ્યા તપાસના આદેશ

ટૉપ ન્યૂઝ

Kolkata: ગઈ કાલે સવારે દિલ્હીથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની (Indigo airlines) ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. રવિવારે દિલ્હીથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં કોલકાતા પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે કોઈ કારણસર ફાયર અલાર્મ વાગવા લાગ્યું હતું. જેને લઈને કોલકાતા એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટના ફ્લાઇટ 6E 2513 માં બની હતી જેમાં 165 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા.
ઈન્ડિગો એરલાઈને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોલકાતા એરપોર્ટ પર ઉતર્યા બાદ એરબસ એરક્રાફ્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ આ ચેતવણી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને સ્મોક ડિટેક્શન સિસ્ટમમાં જરૂરી સુધારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મામલાની તપાસ માટે આદેશ આપ્યા છે.
કોલકાતા એરપોર્ટના અધિકારીના જણાવ્યા પ્રમાણે કે પ્લેન સવારે 10.45 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું પરંતુ પ્લેનના કાર્ગો વિભાગમાં લગભગ 10.20 વાગ્યે ધુમાડાની ચેતવણી મળી હતી. આ પછી પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ સર્વિસનો સંપર્ક કર્યો અને પછી પ્રાથમિકતાના આધારે એરક્રાફ્ટને લેન્ડ કરવાની વ્યવસ્થા કરવામાં આવી. સાથે જ કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ એરલાઇન્સના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીની ઘણી ઘટનાઓ સામે આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.