ઝારખંડના દેવઘર એરપોર્ટ પર સુરક્ષા નિયમોના ભંગ કરવા મામલે ભાજપના 3 નેતા સહીત 7 સામે FIR નોંધાઈ

ટૉપ ન્યૂઝ

ઝારખંડના દેવઘરમાં ભાજપના નેતા નિશિકાંત દુબે સહિત 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમના પર આરોપ છે કે ગત 31 ઓગસ્ટના રોજ જ્યારે બીજેપીના નેતાઓ નિશિકાંત દુબે, મનોજ તિવારી અને કપિલ મિશ્રા અને અન્ય કેટલાક લોકો દુમકા હત્યાકાંડના પીડિતાના પરિવારને મળવા અને સહાયની રકમ સોંપવા માટે ચાર્ટર્ડ પ્લેનથી દેવઘર એરપોર્ટ પર આવ્યા હતા, ત્યારે પરત ફરતી વખતે તેમને એર ટ્રાફિક કંટ્રોલના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને એરપોર્ટની સુરક્ષાના નિયમોનો ભંગ કરી ચાર્ટર્ડ ફલાઈટના ટેક ઓફ માટે મંજુરી મેળવી હતી.
31 ઓગસ્ટના રોજ દેવઘરના કુંડામાં સાંસદ ડો.નિશિકાંત દુબે, સાંસદ મનોજ તિવારી, કપિલ મિશ્રા સહિત કેટલાક લોકો દુમકા હત્યાકાંડ પીડિતાના પરિવારને મળવા આવ્યા હતા. આ નેતાઓ દિલ્હીથી ચાર્ટર્ડ પ્લેનમાં દેવઘરના એરપોર્ટ પર આવ્યા હતા. પીડિતાના પરિવારને મળ્યા બાદ અને આર્થિક સહાયની રકમ સોંપ્યા બાદ સાંસદ સાંજે એરપોર્ટ પહોંચ્યા અને પ્લેનમાં બેસી ગયા પરંતુ એટીસીએ ફ્લાઈટને મંજૂરી આપી ન હતી. ત્યાર બાદ સાંસદ દુબે અને પાયલટ સહિત અન્ય લોકો એટીસી બિલ્ડીંગમાં બળજબરીથી ઘૂસી ગયા અને એટીસી અધિકારીઓ પાસેથી બળજબરીથી મંજૂરી લેવામાં આવી. આ પછી બધા પ્લેનમાં બેસીને દિલ્હી પહોંચ્યા.
આ મામલામાં એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા ડીએસપીએ સાંસદ દુબે સહિત 7 સામે એફઆઈઆર નોંધાવી છે. ડીએસપીએ ચાર્ટર્ડ પ્લેનના પાઈલટ અને સાંસદ નિશિકાંત દુબે સહિત અન્યો પર આરોપ લગાવ્યો છે કે આ બધાએ એટીસી બિલ્ડીંગમાં બળજબરીથી ઘૂસીને દબાણ ઉભું કરીને નિયમોનો ભંગ કર્યો હતો અને એરપોર્ટની સુરક્ષા સાથે ચેડા કરીને બળજબરીથી ઉડાન ભરવાની મંજૂરી લીધી હતી.
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું છે કે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને ખુશ કરવા માટે આ FIR નોંધવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.